રાજેન્દ્ર કુમાર અને સાઉથની જમુનાને ચમકાવતી ફિલ્મ હમરાહીની વાત કરતાં પહેલાં આપણે એક મુદ્દાનો અછડતો ઉલ્લેખ કરેલો. તે એ કે લતાજી વધુ પડતાં વ્યસ્ત થઇ જતાં શંકર જયકિસને પણ અન્ય વિકલ્પો અજમાવ્યાં. પરિણામે લતાજી નારાજ થયાં.
એમાંય ફિલ્મ સૂરજમાં દેખો મેરા દિલ મચલ ગયા અને તીત્તલી ઊડી.. ગીતોથી શારદાની એન્ટ્રી થઇ. એ સાથે લતાજી જોડેના સંબંધોમાં એક પ્રકારની તિરાડ પડી. જો કે આજે જરા જુદી વાતથી આરંભ કરવો છે. હમરાહીનાં બે ગીતોનો ઉલ્લેખ જરુરી જણાય છે. આ ફિલ્મના 'વો દિન યાદ કરો...'ની વાત આપણે અગાઉ મહેમૂદનાં ગીતોમાં કરેલી.
જે બે ગીતોની વાત આજે કરવી છે એ બંને શાસ્ત્રીય સંગીત નહીં સમજતા સંગીત રસિકોેને પણ મુગ્ધ કરે એવાં છે. તમને તરત યાદ આવી જાય એવાં ગીતો છે. એવું પહેલું ગીત એટલે લતાજીના કંઠમાં રજૂ થયેલું 'મન રે તૂ હી બતા ક્યા ગાઉં, કહ દૂં અપને દિલ કે દુખડે યા આંસુ પી જાઉં...' કેવી સચોટ રીતે નાયિકાના મનની દ્વિધાને રજૂ કરી છે. દિલના દુઃખની વાત કરું કે ચૂપચાપ આંસુ પી જાઉં ? શૈલેન્દ્રની આ રચના આ લેખકની દ્રષ્ટિએ જરા હટ કે છે.
અહીં ફરી એકવાર શંકર જયકિસને ઘુંટાયેલી વેદનાને વાચા આપવા પ્રાતઃકાલીન રાગ આસાવરીનો આધાર લીધો છે. ભારતીય સંગીતના દસ થાટ (પિતા કે જનક)માં આસાવરી નામનો પણ એક થાટ છે. આસાવરી જ આ થાટનો જ મુખ્ય રાગ છે. જે રીતે લતાજીના કંઠે વેદનાસિક્ત શબ્દો પ્રગટે છે એ સાંભળતાં સાંભળતાં અનુભવાય.
એમાંય મુખડાના છેલ્લા શબ્દો 'ગાઉં'ને જે રીતે લતાજીએ લાડ લડાવ્યા છે એ તો ગજબ છે. આ ગીતને વધુ ઘટ્ટ વેદનાથી ભરી દેવા ઉસ્તાદ રઇસ ખાનની સિતારના અનુપમ પીસીસ સંગીતકારે ઉમેર્યા છે. દાદુ રચના બની છે.
એવુંજ એક સરસ ગીત મુહમ્મદ રફીના કંઠમાં છે. એ પણ વેદનાનું ગીત છે. સંગીતકારોની કમાલ તો જુઓ. અહીં વેદનાને વ્યક્ત કરવા સાયંકાલીન રાગ યમન કલ્યાણ અજમાવ્યો છે. આ રચના હસરત જયપુરીની છે.
'યે આંસુ મેરે દિલ કી જુબાન હૈ...' હસરતે એક સનાતન સત્ય અહીં રજૂ કર્યું છે. આંસુ હરખના પણ હોય અને દુઃખના પણ હોય. એટલે મુખડાના ઉપાડ પછી તરત કહ્યું, 'મૈં રોઉં તો રોયે આંસુ, મૈં હંસ દૂ તો હંસ દે આંસુ...'
અગાઉ અછડતો ઉલ્લેખ કરેલો કે ટાઇટલ ગીત 'મુઝ કો અપને ગલે લગા લો ઓ મેરે હમરાહી...' રફી અને મુબારક બેગમના કંઠમાં છે. મુબારક બેગમના કંઠમાં મધુરતાની સાથોસાથ એક પ્રકારની બુલંદી ( પૌરુષ કહેવાય ?) છે.
ખાસ કરીને પૂરબ અંગનાં ઠુમરી, દાદરા, ચૈતી, ટપ્પા જેવી રચનાઓ ગાતાં ગિરિજા દેવી કે બેગમ અખ્તર યાદ આવી જાય એવો મુબારક બેગમનો સ્વરલગાવ છે. કાશ, એની કારકિર્દી થોડી લાંબી ચાલી હોત ! સમકાલીન ગાયિકાઓની માનવ સ્વભાવની મર્યાદાઓ એને નડી ન હોત ! તો આપણને આવાં બીજાં થોડાં યાદગાર ગીતો મળ્યાં હોત. હમરાહીના સંગીત માટે આટલું બસ.
નિર્દેશક ટી પ્રકાશ રાવની ફિલ્મ સૂરજ કોસ્ચ્યુમ ફિલ્મ હતી. રાજરજવાડાં અને એમના કાવાદાવા-ખટપટો વચ્ચે પાંગરતી એક લવ સ્ટોરીની વાત હતી. આ ફિલ્મના નાયક-પ્રધાન ગીતની વાત શંકર જયકિસનના શિવરંજની રાગ આધારિત ગીત વખતે કરેલી.
મુહમ્મદ રફીએ ગાયેલું, છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ અને શરણાઇના સૂરોથી સજેલું એ સદાબહાર ગીત એટલે 'બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ, હવાઓં રાગિની ગાઓ મેરા મહેબૂબ આયા હૈ...'
અહીં શિવરંજની આધારિત ગીત હોવા છતાં એક પ્રકારના ઉમંગ અને ઉત્સાહનો સંચાર થતો અનુભવાય છે. શંકર જયકિસનનાં સંગીતની આ જ વિશેષતા છે. સંગીત શાસ્ત્રમાં વર્ણવેલી વ્યાખ્યાઓ અને વિશેષતાઓનો હસતાં હસતાં છેદ ઊડાડી દેવાનું સામર્થ્ય આ બંનેમાં હતું એ આવાં ગીતોમાં અનુભવી શકાય છે.
આ જ શિવરંજનીમાં બંનેએ એક કરતાં વધુ વખત ઘુંટાયેલી વેદનાને પણ સાકાર કરી હતી. એના દાખલા પણ આપણે અગાઉ માણ્યા હતા. માત્ર એક દાખલો જોઇતો હોય તો 'જાને કહાં ગયે વો દિન કહતે થે તેરી રાહ મેં નજરોં કો હમ બિછાયેંગે, ચાહે કહીં ભી તુમ રહો, ચાહેંગે તુમ કો ઉમ્રભર, તુમ કો ન ભૂલ પાયેંગે....' (ક્રમશઃ)
Comments
Post a Comment