દિલ એક મંદિર અને હમરાહીનું સુપરહિટ સંગીત પણ રાજેન્દ્ર કુમાર માટે સોનાની લગડી બની રહ્યું

આસ કા પંછી અને સસુરાલ પછીના વરસે શંકર જયકિસન અને રાજેન્દ્ર કુમાર ફરી ભેગાં થયાં. બે જબરદસ્ત હિટ ફિલ્મો આ લોકોએ આપીઃ શ્રીધરની દિલ એક મંદિર અને ટી પ્રકાશરાવની હમરાહી. 

કેન્સરની સારવાર કરતી હૉસ્પિટલમાં ફક્ત અઠ્ઠાવીસ દિવસના શૂટિંગમાં દિલ એક મંદિર બનાવાઇ હતી. સાથોસાથ ફિલ્મમાં સરસ પ્રણયકથા ગૂંથી લેવામાં આવેલી. રાજેન્દ્ર કુમાર, સંવાદોનો બેતાજ બાદશાહ રાજકુમાર અને ટ્રેજેડી ક્વીન મીના કુમારી એના કલાકારો હતાં. ગીતો અને સંગીત સુપરહિટ નીવડયાં હતાં. 

આ ફિલ્મમાં રાજેન્દ્ર કુમારના ફાળે આવેલાં બે ગીતમાંનું એક 'યાદ ન જાયે બીતે દિનોં કી, જા કે ન આયે વો દિન, દિલ ક્યૂં ભૂલાયે...' ની વાત થઇ ગઇ. અગાઉ (શંકર જયકસિનના) રાગ આધારિત ગીતોની વાત કરતી વખતે આપણે આ ગીતની વાત કરેલી. કીરવાણી રાગ પર આધારિત આ ગીતમાં કથાનાયકના મનની પીડાને શંકર જયકિસને આબાદ જીવંત કરી હતી. 

 

બીજું ગીત યહાં કોઇ નહીં તેરા મેરે સિવા... સરસ રોમાન્ટિક ગીત હતું. યાદ ન જાયે બીતે દિનોં કી ગીત જેવીજ ઘુંટાયેલી પીડા રાગ તિલકકામોદ પર આધારિત ગીત 'હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈં...'માં હતી. આ ગીત લતાજીના સ્વરમાં હતું. હૉસ્પિટલના ડૉક્ટર અને પોતાની પત્ની એક સમયે પ્રેમી પાત્રો હતાં એવી જાણ થતાં કથાનાયક રામે પત્ની સીતાને કહી દીધેલું કે હું ન હોઉં તો તું ડૉક્ટર ધર્મેશ સાથે લગ્ન કરી લેજે. પોતાની પ્રણયકથા પતિ જાણી ચૂક્યા છે એ વાતે નાયિકા સીતા વ્યથિત છે. એ પોતાના મનની વાત આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. 


 

ઔર એક વેદનાસિક્ત ગીત એટલે 'રુક જા રાત ઠહર જા રે ચંદા, બીતે ન મિલન કી બેલા, આજ ચાંદની કી નગરી મેં અરમાનોં કા મેલા..' શૈલેન્દ્રે નાયિકાના મનની સંવેદનાને સાદ્યંત કરી છે. આ ગીતની તર્જ માટે શંકર જયકિસનને કેટલાં અભિનંદન આપવાં ? એ મીઠ્ઠી મૂંઝવણ છે. છેક સામવેદની ઋચાઓના સમયથી ચાલી આવતા ભારતીય સંગીતમાં રાગ આસાવરી સવારનો રાગ ગણાય છે. અહીં બંને સંગીતકારોેએ સવારના રાગમાં નાયિકાની રાતની વેદનાને ઘુંટી છે. 

 

પોતે એેક સમયે જેની પ્રિયતમા હતી એ ડૉક્ટર પોતાના પતિને બચાવી લેશે કે પોતાને પામવા પતિનો બલિ લેશે એવી દ્વિધામાં નાયિકા આ ગીત છેડે છે અને ચાંદને વીનવે છે કે આગળ વધ મા... રાતને આગળ વધતી રોકી દે. રાગ સવારનો, પીડા રાતની... સંગીતકારોએ ખરેખર જાદુ કર્યો છે. (આપણે આ કૉલમને સિને-મેજિક સિનેમાનો જાદુ અમસ્તા કહીએ છીએ ?) 

 

 ઓ મેરી લાડલી... એક સરસ બાળગીત બન્યું છે. સૌથી વધુ અસરકારક ગીત રાગ જોગિયામાં ગવાયેલું ટાઇટલ ગીત છે. એટલિસ્ટ આ લખનારને લાગે છે કે શારદા પ્રકરણ તો બહુ પાછળથી આવ્યું. દિલ એેક મંદિર અને હમરાહી સમયેજ લતાજી અને શંકર જયકિસન વચ્ચે એક પાતળી તિરાડ સર્જાઇ ચૂકી હતી. ૧૯૫૦ના દાયકા કરતાં '૬૦ના દાયકામાં લતાજી વધુ બીઝી થઇ ગયા હતા. ૧૯૫૦ના દાયકાના ઉત્તરાર્ધમાં એક ગીત ફરી રેકોર્ડ કરવાના એસ ડી બર્મનની ઇચ્છાને સાકાર નહીં કરી શકતાં લતાજી અને એસડી બર્મન વચ્ચે કીટ્ટા થયેલી. દિલ એક મંદિરના ટાઇટલ ગીત વખતે પણ લતાજી બીઝી હતી. 


 

શ્રીધરને ફિલ્મ સમયસર પૂરી કરીને રજૂ કરવાની ઉતાવળ હતી એટલે સ્વાભાવિક રીતેજ શંકર જયકિસને મુહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર પાસે ટાઇટલ ગીત ગવડાવી લીધું. બાકી હતું તે ટી પ્રકાશ રાવની હમરાહીમાં રફી સાથે મુબારક બેગમને લાવ્યા. લતાજીને ખોટું લાગી ગયું. 

વાસ્તવમાં બંને પક્ષે સંજોગો નિમિત્ત હતા. લતાજી પાસે સમય નહોતો અને સાઉથના ફિલ્મ સર્જકો તો મર્યાદિત બજેટમાં સમયસર ફિલ્મ પૂરી કરવાના આગ્રહી હતા. તમને યાદ હશે, સી રામચંદ્ર પાસે પોતાની ફિલ્મ આઝાદ (દિલીપ કુમાર,મીના કુમારી )નું સંગીત સાઉથના ફિલ્મ સર્જક શ્રીરામુલુ નાયડુ એસ.એમ.એ માત્ર આઠ દિવસમાં તૈયાર કરાવ્યું હતું. 

અલબત્ત, સુમન કલ્યાણપુર અને રફીએ દિલ એક મંદિરના ટાઇટલ ગીતને લાજવાબ રીતે રજૂ કરેલું. અગાઉ આપણે એની વાત કરી ચૂક્યા છીએ એટલે અત્યારે રિપિટ કરતો નથી. ફિલ્મ પૂરી થઇ જાય એટલે ઓડિયન્સ ઊઠીને ચાલવા માંડે.

આ ગીત એવું હતું કે પરદા પર ધી એન્ડ શબ્દો આવી જાય છતાં ગીત પૂરું ન થાય ત્યાં સુધી દર્શકો પોતાની બેઠક છોડતાં નહોતા. બહાર નીકળે ત્યારે ગળે ડૂમો ભરાયો હોય અને ઘરે પહોંચે ત્યાં સુધી હૈયામાં આ ગીત પડઘાતું રહે એવી તર્જ શંકર જયકિસને બનાવી હતી.

Comments

  1. ખૂબ સરસ. જૂની યાદો તાજી થઇ

    ReplyDelete
  2. ખુબ સરસ સાહેબ

    ReplyDelete

Post a Comment