અન્ય અદાકારો જેનાથી ડરતા એવા મહેમૂદનાં ગીતોને શંકર જયકિસને યાદગાર બનાવ્યા....

 

  રાજ કપૂર, શમ્મી કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદ જેવા ટોચના કલાકારોની ફિલ્મોનાં ગીત-સંગીતની વાત કર્યા પછી વચ્ચેથી કોમેડિયન મહેમૂદને કેમ લીધો એવું વિચારો તો મહેમૂદને વચ્ચે લેવા પાછળ ચોક્કસ કારણ છે.

 

૧૯૪૦ના દાયકામાં બોમ્બે ટૉકિઝ સાથે સંકળાયેલા ડાન્સર-અભિનેતા મૂમતાઝ અલીના આ દીકરાની રગેરગમાં સંગીત અને નૃત્યનો પિતાનો વારસો ઊતર્યો હતો. એની તાલ અને ડાન્સની સૂઝ તો ગજબ હતી એમ સંગીતકાર આર ડી બર્મને એક મુલાકાતમાં કહ્યું હતું.

 

આ બંને ગુણની સાથે પછી ભળી કોમેડી. સ્ક્રીપ્ટમાં ન હોય એવા ચબરાકિયા ડાયલોગ્સ એ પોતે ઇમ્પ્રોવાઇઝ કરતો અને ક્યારેક તો ટોચના અભિનેતાને ઝાંખા પાડી દેતો. પોતે હીરો હોય એવી થોડી ફિલ્મો ઉપરાંત પોતે કોમેડી રોલ કર્યા હોય એવી તથા મહેમૂદે પોતે બનાવી હોય એવી થોડીક ફિલ્મોમાં શંકર જયકિસનનું સંગીત હતું. આ હકીકત ધ્યાનમાં રાખીને અન્ય અભિનેતાની ફિલ્મોના શંકર જયકિસનના સંગીતની વાત કરવા અગાઉ મહેમૂદને લીધો.

 

ફિલ્મ સર્જક તરીકે મહેમૂદે પહેલી ફિલ્મ છોટે નવાબ બનાવી એનું સંગીત પીરસવાની એસ ડી બર્મને ના પાડી એટલે મહેમૂદે આર ડી બર્મને સંગીત આપવા મનાવી લીધા. આ વાત તો જગજાહેર છે. પછીની ફિલ્મ ભૂત બંગલામાં તો એણે સંગીતની સાથોસાથ આર ડી બર્મનને એક રોલ ભજવવા તૈયાર કરી લીધા. આમ એ પહેલેથી બર્મન પિતા-પુત્રથી પ્રભાવિત હતો એ હકીકત સમજી શકાય એવી છે.

 

શંકર જયકિસનનો સૂર્ય સોળે કળાએ તપતો હતો ત્યારે પણ મહેમૂદે બનાવેલી અન્ય ફિલ્મોમાં પણ એણે જુદા જુદા સંગીતકારોને અજમાવ્યા. આર ડી બર્મન ઉપરાંત એણે રાજેશ રોશનને તક આપી. પ્યાર કિયે જામાં લક્ષ્મીકાંત પ્યારેલાલ હતા.

 

એક માત્ર ગૂમનામમાં શંકર જયકિસન હતા. મહેમૂદના સ્વભાવને જાણનારા આ બંને સંગીતકારોએ પોતાના પર ફિલ્મના સંગીતની જવાબદારી આવી ત્યારે દિલ દઇને કામ કર્યું. શંકર જયકિસન ફાઉન્ડેશનવાળા સ્નેહલ પટેલ કહે છે એમ આ બંનેમાંથી કોઇએ ક્યારેય કામની બાબતમાં વાણિયાગીરી ન કરી. પોતાના કામને સંપૂર્ણપણે સમર્પિત રહ્યા.

 

મહેમૂદની સંગીતની સૂઝનો ઉત્તમોત્તમ દાખલો જોવો હોય તો સાંઝ ઔર સવેરાનું આ ગીત યાદ કરો- 'અજહું ન આયે બાલમા, સાવન  બીતા જાય...' શુદ્ધ શાસ્ત્રીય ગીત અજહું ન આયે બાલમા સાવન બીતા જાય.... ફિલ્મનાં મુખ્ય કલાકારો હતાં ગુરુદત્ત અને મીના કુમારી. પરંતુ આ ગીત મહેમૂદ અને શુભા ખોટે પર ફિલ્માવાયું હતું. શંકર જયકિસને મુહમ્મદ રફી તથા સુમન કલ્યાણપુર પાસે ગવડાવ્યું હતું. તમે મેહમૂદના આ ગીત સાથેના હાવભાવને નિહાળો. તમને ખ્યાલ આવી જાય કે એની સંગીતની સૂઝ-સમજ કેવી હતી.

 

આ સંદર્ભમાં મહેમૂદ અને શંકર જયકિસનની વાત કરતી વખતે દ્રષ્ટિકોણ થોડો બદલવો પડે. મહેમૂદે અન્ય હીરો સાથે સમાંતર કે કોમેડી રોલ કર્યા હોય એવી ફિલ્મોની વાત પહેલાં કરીએ તો બહેતર રહેશે.

 

આમ વિચારીએ કે તરત આપણી નજર સમક્ષ છોટી બહન ફિલ્મ આવે. આ ફિલ્મમાં એના પર ફિલ્માવાયેલું મૈં રિક્શાવાલા મૈં રિક્શાવાલા... તેમજ મૈં રંગીલા પ્યાર કા રાહી...ગીતો યાદ આવે. અહીં શંકર જયકિસને એક નવો પ્રયોગ કર્યો હોય એવું તરત લાગે. મૈં રિક્શાવાલા મુહમ્મદ રફીએ ગાયું છે તો મૈં રંગીલા પ્યાર કા રાહી સુબીર સેનના કંઠમાં છે.

 

કેટલાક સમીક્ષકોએ એવું તારણ કાઢ્યું છે કે અન્ય સંગીતકારોએે મહેમૂદ માટે મોટે ભાગે મન્ના ડેનો કંઠ વાપર્યો હતો જ્યારે શંકર જયકિસને પહેલીવાર મહેમૂદ માટે રફીને લીધા. પછી તો મહેમૂદ અને મુહમ્મદ રફીની જોડી એવી તો જામી કે પાછળથી રફીએ મહેમૂદના કંઠને પોતાના ગળામાં આત્મસાત કર્યો જાણે કંઠની કાયાપલટ કરી. પોતાના કંઠે મહેમૂદના કેટલાક ડાયલોગ્સ પણ ગીતમાં રફીએ પોતે રજૂ કર્યા.

 

મુહમ્મદ રફીની આ અનેરી સિદ્ધિ ગણાય. ફિલ્મ ગૂમનામનંુ 'હમ કાલે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં...' ગીત ખાસ યાદ કરવા જેવું છે. આ ગીતમાં વચ્ચે વચ્ચે જે અટકચાળા સંભળાય છે એ કંઠ મહેમૂદનો છે, રફીનો નથી. મહેમૂદે એવો પ્રયોગ પડોશનમાં એક ચતુર નાર કર કે સિંગાર.. ગીતમાં કરેલો.

Comments

Post a Comment