અભિનયમાં મધ્યમ કક્ષાનોપરંતુ નસીબનો બળિયો- સંગીતે જ્યુબિલી કુમારને તાર્યો

દેશના ભાગલા ટાણે કરોડોની સંપત્તિ મૂકીને પહેરેલે કપડે મુંબઇ આવેલા પંજાબી પરિવારનો એે નબીરો. ૧૯૪૦ના દાયકામાં અને છેક '૬૦ના દાયકા લગી ડાયરેક્ટરો ફિલ્મના કેપ્ટન ગણાતા. એમનો પડયો બોલ ઝીલાતો. આ પંજાબી યુવાનને પણ ફિલ્મ ડાયરેક્ટર બનવું હતું.

અભિનેતા બનવાનો એનો લેશમાત્ર વિચાર નહોતો. પરંતુ ભાગ્યની દેવીએ કંઇક બીજું વિચાર્યું હતું. પહેલી ફિલ્મ કેદાર શર્માની જોગનમાં દિલીપ કુમાર અને નર્ગિસ સાથે ચમક્યો. દેવેન્દ્ર ગોયલની બીજીજ ફિલ્મ વચનથી રાતોરાત સ્ટાર બની ગયો.

આટલું ઓછું હોય એમ કારકિર્દીની આ માત્ર બીજી ફિલ્મે રજત જયંતી ઊજવી. પછી તો એણે બીજી પણ કેટલીક જ્યુબિલી ફિલ્મો કરી. આ અભિનેતા જ્યુબિલી કુમાર તરીકે પંકાઇ ગયો. યસ, આ વાત રાજેન્દ્ર કુમારની છે. 



રાજેન્દ્ર કુમાર માટે  શંકર જયકિસને સંગીત આપવાની શરુઆત કરી એ પહેલાં રાજેન્દ્રે હિટ સંગીતનો સ્વાદ ચાખી લીધો હતો. સંગીતકાર રવિ (વચન, અને ચિરાગ કહાં રોશની કહાં), એન.દત્તા (ધૂલ કા ફૂલ) અને વસંત દેસાઇ (તૂફાન ઔર દિયા અને ગૂંજ ઊઠી શહનાઇ) સાથે એ કામ કરી ચૂક્યો હતો.

શંકર જયકિસનને રાજેન્દ્ર કુમારની ફિલ્મ મળી એ પહેલાં રાજેન્દ્રે આટલા સંગીતકારો જોડે કામ કરી લીધું હતું. અગાઉ આપણે વાત કરી હતી કે ડાન્સર તરીકે કે એક્શન સ્ટાર તરીકે એ બહુ જામતો નહોતો. અભિનયમાં પણ એને એક્કો ન ગણી શકીએ. પરંતુ નસીબનો બળિયો હતો.

રસપ્રદ વાત એ કે રાજ કપૂર અને શમ્મી કપૂર પછી શંકર જયકિસને સૌથી વધુ સંગીત રાજેન્દ્ર કુમારની ફિલ્મોમાં આપ્યું. જો કે રાજેન્દ્રની મોટા ભાગની ફિલ્મો સાઉથના સર્જકોની હતી. થોડીક બમ્બૈયા ફિલ્મ સર્જકોની પણ હતી, જેમ કે રામાનંદ સાગરની આરઝૂ અને રાજ કપૂરની સંગમ.

રાજ કપૂરે જો કે દિલીપ કુમારને સંગમની ઑફર કરેલી કે તને ગમે તે રોલ તારો. પરંતુ દિલીપ કુમારે એ ઑફર સ્વીકારી નહીં એટલે રાજેન્દ્ર કુમાર ફાવી ગયો. ફિલ્મની પરાકાષ્ઠામાં ગોપાલનું પાત્ર આપઘાત કરે છે એવા અંતના કારણે રાજેન્દ્ર કુમારના પાત્રને ઓડિયન્સની સહાનુભૂતિ પણ મળી.

ખેર, આપણે રાજેન્દ્ર અને શંકર જયકિસનનાં સંગીતની વાત કરવાની છે. આ બંને પહેલીવાર સાથે થયા ૧૯૬૧માં. આ વરસે રાજેન્દ્રને હીરો તરીકે ચમકાવતી બે ફિલ્મો આવી આસ કા પંછી અને સસુરાલ. રાજેન્દ્રની અન્ય ફિલ્મોના સંગીતકારોએ એને માટે મુહમ્મદ રફીનો કંઠ વાપર્યો હતો. આસ કા પંછીનું નામ પડે એટલે તરત આપણને રીસામણાં-મનામણાં યાદ આવે.

શંકર જયકિસને અહીં મૂકેશને લીધા. મૂકેશ અને લતાના કંઠે રજૂ થયેલું ખેમટા તાલમાં એ રમતિયાળ ગીત એટલે આ- 'તુમ રુઠી રહો, મૈં મનાતા રહું, કિ ઇસ અદાઓં પે ઔર પ્યાર આતા હૈ, થોડે શિકવે ભી હો, કુછ શિકાયત ભી હો, તો મજા જીને કા ઔર ભી આતા હૈ ...'

હસરતે સરળ શબ્દોમાં પ્રણયની આ અદાને રજૂ કરી. તર્જ પણ એવીજ નટખટ  બની. મજા એ વાતની છે કે આ જ ફિલ્મમાં રાજેન્દ્ર કુમારના અન્ય એક (ટાઇટલ) ગીત માટે શંકર જયકિસને સુબીર સેનનો કંઠ લીધો.

આજે બહુ પ્રચલિત થયેલો શબ્દ વાપરીએ તો એ એક મોટિવેશનલ ગીત બન્યું. યુવા પેઢીને પ્રેરણા આપે એવા એના શબ્દો હસરત જયપુરીએ આપ્યા- 'દિલ મેરા એક આસ કા પંછી, ઊડતા હૈ ઊંચે ગગન પર, પહુંચેગા એક દિન કભી તો,  ચાંદ કી ઊજલી જમીં પર...' સરળ શબ્દો સાથે યુવા પેઢીને પ્રેરણા આપે એવા ગીતની તર્જ પણ તમે જુઓ કે કેવી સચોટ બની હતી. 



કૉલેજના વિદ્યાર્થીઓ એનસીસીના યુનિફોર્મમાં સાઇકલ પર નીકળે છે ત્યારે આ ગીત રજૂ થાય છે.
અગાઉ ઘણીવાર સ્પષ્ટતા કરી છે કે દરેક ફિલ્મના દરેક ગીતની ચર્ચા સ્થળસંકોચના કારણે શક્ય બનતી નથી. માત્ર ઝલક લઇને વાતને આગળ વધારવી પડે છે.

અહીં એક સરસ શૃંગાર-પ્રધાન ગીત  શૈલેન્દ્રે આપ્યું છે. ફરી મૂકેશનો કંઠ અજમાવાયો છે. 'અય દિલ, પ્યાર કી મંજિલ, અબ હૈ મુકાબિલ, દેખ તો લે, આંચલ ઢલ ગયા સર સે, ચાંદ કો અપને દેખ તો લે... કેવી સચોટ કલ્પના કરી ! દરેક પ્રેમી યુવાન માટે એની પ્રિયતમાનો ચહેરો પૂનમના ચાંદ કરતાં જરાય ઊતરતો હોતો નથી. (ક્રમશઃ)


Comments

Post a Comment