સાવધાન ! ભીંજાયા છે પ્રભુના ચરણ !

સાવધાન ! ચેતજો ! પ્રભુના ચરણ ભીંજાયા છે. ગમે ત્યારે ચેંગડુમાં ભીષણ પૂર આવી શકે છે... રેડિયો, ટીવી અને અન્ય પ્રચાર માધ્યમો સતત ગર્જી રહ્યા હતા. ચેંગડુ નગરના રહેવાસીઓ પોતપોતાની રીતે પૂરનો સામનો કરવાની પૂર્વતૈયારી કરી રહ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પરનો સરસામાન ઉપલા મજલે ખસેડી રહ્યા હતા, નીચાણવાળા વિસ્તારોમાં લશ્કર પહોંચી ગયું હતું અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યું હતું. આ બધાંમાં મહત્ત્વની વાત છે પ્રભુના ચરણ ! આજે આખી દુનિયામાં કોરોના વાઇરસના પગલે બદનામી સહી રહેલા ચીનની વાત છે. છેલ્લા થોડા સમયથી ચીન વિશ્વમિડિયા દ્વારા એટલી હદે ખરડાઇ ચૂક્યું છે કે જે ઘટનાની વાત અહીં કરવી છે એ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. કદાચ ભારતના બૌદ્ધ-ધર્મીઓ આ બાબતથી પરિચિત હશે. ભગવાન ગૌતમ બુદ્ધની સૌથી ઊંચી પ્રતિમા ચીનના ચેંગડુમાં છે. ઇસવીસનની સાતમી-આઠમી સદીમાં આ પ્રતિમા એક જ પહાડમાંથી કોરી કાઢવામાં આવી હોવાનું કહેવાય છે. ચીનના સિચુહાન પ્રાંતની દક્ષિણે મીન્જિયાંગ, કીંગ્યી અને ડડુ (ચીની ઉચ્ચાર જુદો હોઇ શકે છે) નદીઓના ત્રિવેણી-સંગમ પર આવેલા અને સેન્ડસ્ટોન તરીકે ઓળખાતા લાલ પથ્થરમાં આ પ્રતિમા કંડારવામાં આવી છે. આ પ્રતિમા બસો તેત્રીસ ફૂટ ઊંચી છે. પ્રાચીન હોવાથી એનો મહિમા પણ ઘણો છે. મીન અને ડડુ નદીનાં જળ એની નિકટથી વહે છે. ચીનના ઇતિહાસકારો કહે છે કે જ્યારે આ પ્રતિમાના પગની ઘુંટી સુધી નદીઓનાં નીર પહોંચે ત્યારે સમજી લેવું કે ચેંગડુમાં પૂર આવી રહ્યાં છે. ૨૦૨૦ના વર્ષમાં લગભગ આખી દુનિયાના દેશોમાં વાવાઝોડા અને વરસાદે હાહાકાર મચાવ્યો છે. ઠેર ઠેર વિનાશકારી પૂર આવ્યાં છે. ચીન પૂરતી વાત મર્યાદિત રાખીએ તો છેલ્લાં સિત્તેર-પંચોતેર વર્ષમાં પહેલીવાર ભગવાન બુદ્ધના ચરણ પાણીમાં ડૂબ્યા હતા એટલે તરત ચેંગડુના રહેવાસીઓને ચેતવણી આપવામાં આવેલી કે સાવધ થઇ જાઓ. છેલ્લે આવાં પૂર ચેંગડુમાં ૧૯૪૦ના દાયકામાં આવ્યા હતા. આમ તો આ પ્રતિમા જળસપાટીથી ખાસ્સા ઊંચા સ્થાને આવેલી છે પરંતુ એના ચરણ ડૂબે ત્યારે આપોઆપ સ્થાનિક પ્રજા અને વહીવટી તંત્ર સાબદાં થઇ જાય છે. આ સ્થળ દુનિયાભરના પર્યટકોનું માનીતું સ્થળ છે.

Comments