પ્રતિભાવાન અને અત્યંત ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક યોગ્યતા ધરાવતા અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાને બોલિવૂડમાં પ્રવર્તી રહેલી માફિયાગીરીને ઉપલી સપાટી પર આણી દીધી. ટોચની અભિનેત્રી કંગના રનૌત, સિનિયર ફિલ્મ સર્જક ડેવિડ ધવનના પુત્ર સફળ અભિનેતા વરુણ ધવન અને અન્યોએ જાહેરમાં નિવેદન કર્યાં.
એ નિવેદનનો સાર એટલો જ કે નવોદિત પ્રતિભાઓને કચડી ન નાખતાં એમને પણ બોલિવૂડમાં યોગ્ય તક મળવી જોઇએ, પ્રતિભાની કદર થવી જોઇએ, સગાંવાદને વચ્ચે ન લાવવો જોઇએ વગેરે.
સુશાંતના અકાળ અવસાન પાછળનું રહસ્ય તો બહાર આવે ત્યારની વાત ત્યારે. પરંતુ અહીં એક વાત કરવી છે. નવોદિતની વાત ઔજવા દ્યો, જેમને દિગ્ગજ કહેવાય એવા લોકોએ બોલિવૂડમાં ઘણું સહન કરવું પડયું છે. એવો એક દાખલો અહીં નોંધવો છે.
બોલિવૂડમાં પ્રવર્તી રહેલા પક્ષપાતના દાખલામાં પણ ચીન નિમિત્ત બન્યું છે.આમેય છેલ્લા થોડા સમયથી ચીન સાથે આપણી લમણાફોડ ચાલી રહી છે. ચીન હંમેશની જેમ વાનરવેડા કરી રહ્યું છે. ૧૯૬૨માં પંડિત જવાહરલાલ નહેરુ ચાઉ એન લાઇની 'હિન્દી ચીની ભાઇ ભાઇ'ની વાતમાં આવી ગયેલા અને ચીને પીઠ પાછળથી હુમલો કરી દીધો. એ આઘાત નહેરુ જો કે જીરવી શક્યા નહોતા. આ ઘટના એ સમયની છે.
આ સમયગાળામાં થોડાક ફિલ્મ સંગીતકારોએ દેશભક્તિનાં ગીતો તૈયાર કર્યાં હતાં. એવું એક ગીત વીઝનરી (દીર્ઘદ્રષ્ટા ) કવિ પ્રદીપજીએ રચ્યું હતું. સી રામચંદ્રે સંગીતબદ્ધ કરેલું એ ગીત છેલ્લી ત્રણેક પેઢીને સંમોહિત કરી ચૂક્યું છે. આવનારી બીજી ઘણી પેઢીને મુગ્ધ કરશે.
લતાજીના સ્વરમાં ગવાયેલું એ ગીત એટલે 'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈં ઉન કી જરા યાદ કરો કૂરબાની...' ઋષિતુલ્ય ગીતકાર પ્રદીપજીએ આ ગીતની પોતાને મળનારી રૉયલ્ટી જતી કરેલી. એમણે એવી ઇચ્છા વ્યક્ત કરેલી કે મને મળનારી રૉયલ્ટી પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની (વિધવા શબ્દ સારો નથી લાગતો) પત્નીઓને મળે. વાત ત્યાં પૂરી થઇ.
એ પછી થોડાં વરસો બાદ પ્રદીપજીને આ વાત યાદ આવી. પોતાના પોલિટિકલ દોસ્તો દ્વારા સંસદમાં આ મુદ્દો ગજાવ્યો. એ સમયે તેમને ખબર પડી કે પોતાના આ ચિરંજીવ ગીતની રૉયલ્ટીના નામે ચણા-મમરા જેટલી રકમ સંરક્ષણ ખાતાને આપવામાં આવેલી. તેમણે સંબંધિત રેકર્ડ કંપની સાથે પત્રવ્યવહાર પણ કર્યો.
હવે વાંચો ધ્યાનથી. કંપનીએ રૉયલ્ટીના મુદ્દે જવાબ તો ન આપ્યો. ઊલટું આ ગીતની રેકર્ડ પરથી કવિ તરીકે પ્રદીપજીનું નામ સુદ્ધાં ઊડાવી દીધું. નછૂટકે પ્રદીપજીએ કડક હાથે કામ લીધું. આ આખીય ઘટના 'પ્રણામ પપ્પા' નામના પુસ્તકમાં પ્રદીપજીના ચિત્રકાર પુત્રી મિતુલબહેને આલેખી છે. (પુસ્તકના સંપાદક ડૉક્ટર બિન્દુ ત્રિવેદી અને દધિચી ઠાકર).
જરા કલ્પના કરો. પ્રદીપજી જેવા ધુરંધર ગીતકાર સાથે આવું થઇ શકતું હોય તો ફિલ્મી પરિવારની બહારથી આવતી નવી પ્રતિભાની સ્થિતિ કેવી થતી હશે. પ્રદીપજીએ રચેલાં ગીતો તો એક પ્રકારની ભવિષ્યવાણી જેવાં હતાં. એક દાખલો આપું. 'કહની હૈ ઇક બાત હમેં ઇસ દેશ કે પહરેદારોં સે, સંભલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે...' (ફિલ્મ તલાક ૧૯૫૮).
આઝાદી પછીના પહેલાજ દાયકે કવિએ કહેવું પડે કે ઘરમાં છૂપાયેલા ગદ્દારોથી સાવધ રહેજો એ કેવી કરુણતા ! આજે જમ્મુ કશ્મીરમાં ઘરના ગદ્દારોને કારણે આતંકવાદીઓ રોજ નિર્દોષોનું લોહી રેડે છે. આપણા લશ્કરી વડા આવા ગદ્દારોને સ્લીપીંગ સેલ તરીકે ઓળખાવે છે. આપણે વાત કરતા હતા બોલિવૂડની માફિયાગીરીની.
સુશાંત પ્રકરણ ચગી રહ્યું હતું ત્યારે ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને પણ પોતાની હૈયાવરાળ કાઢી હતી. તેમણે કહેલું કે મને બોલિવૂડમાં કામ મળતું બંધ થઇ ગયું. મારા બોલિવૂડમાંના દોસ્તો એ માટે કેટલાક ટોચનાં માથાંને જવાબદાર ગણાવે છે.
દેવ આનંદના ભાણેજ અને ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક શેખર કપૂરે ત્યારે રહેમાનને સંબોધીને કટાક્ષ કરેલો કે રહેમાન, તેં એક બહુ મોટો ગુનો કર્યો છે. તું ઓસ્કાર જીત્યો એ બોલિવૂડના વામણા લોકો સહન કરી શક્યા નથી. કવિ પ્રદીપજી પછી એ આર રહેમાન જેવાને સહન કરવું પડતંુ હોય તો સુશાંત જેવી તો કેટલીય પ્રતિભાઓ અકાળે આથમી જતી હશે !
Sad truth.
ReplyDelete