મહેમૂદનાં ગીતોનુ સંગીત બાંધવું એક પડકાર હતોઃ એ પણ ઓચિંતો કિશોર કુમાર જેવું કરતો


૧૯૫૦ અને '૬૦ના દાયકાના ટોચના કોમેડિયન મહેમૂદ માટે શંકર જયકિસને રચેલાં ગીતોની વાતની આજે પૂર્ણાહુતિ કરીએ. ત્રણ જુદા જુદા કલાકાર અને જુદા જુદા ફિલ્મ સર્જકોની ફિલ્મોની આ વાત છે.

૧૯૬૨માં એણે શમ્મી કપૂર સાથે ફિલ્મ દિલ તેરા દિવાના કરી. ૧૯૬૪માં એણે સુનીલ દત્ત સાથે સાઉથના સર્જકની બેટી બેટે કરી અને ૧૯૬૫માં મનોજ કુમાર સાથે ગૂમનામ કરી. આમાં પહેલી બે ફિલ્મ દિલ તેરા દિવાના અને બેટી બેટેમાં એની સાથે કોમેડીમાં જોડી જમાવી ચૂકેલી શુભા ખોટે હતી. ગૂમનામમાં એની સાથે હેલન અને લક્ષ્મી છાયા ેેહતી.ગૂમનામમાં એનો રોલ બટલરનો હતો.

અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. અંધેરી લીંક રોડ પરના એના ફ્લેટમાં લીધેલી મુલાકાતમાં એણે એક સરસ વાત કરેલી.  એ કહે, 'મેરે ડાયલોગ્સ મૈં ખુદ લીખતા થા, ઉસી તરહ મેરે ડાન્સ ઔર ગાને મેં બીચ બીચ મેં ક્યા ગડબડ ગોટાલા કરના હૈ વહ ભી મૈં ફાઇનલ કરતા થા...' આ વાત સમજવા જેવી છે. કેમેરા ચાલુ થાય ત્યારે લગભગ બધા કલાકારો ડાયરેક્ટરની સૂચના મુજબ કામ કરે.

મહેમૂદ કે કિશોર કુમાર આ બાબતમાં જુદા પડે. ખુદ મહેમૂદે કહ્યું એમ એ છેલ્લી ઘડીએ કોઇ મૂવમેન્ટ ઇમ્પ્રોવાઇઝ કરતો હોય. એવી અણધારી પળને ધ્યાનમાં રાખીને સંગીતકારે ગીતની તર્જ બનાવવી પડે.

આ સિચ્યુએશનનો શ્રેષ્ઠ દાખલો ફિલ્મ ગૂમનામનું 'હમ કાલે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં...' ગીત છે. ડાયરેક્ટર રાજા નવાથેએ એક મરાઠી દૈનિકને આપેલી મુલાકાતમાં કહેલું કે આ આખુંય ગીત મહેમૂદે પોતે કરેલી કોરિયોગ્રાફી પર આધારિત હતું. આ ગીત તર્જ શંકર જયકિસનની માનીતી  ભૈરવી અને ખેમટા તાલમાં છે.



મહેમૂદે રીતસર ધમાલ મચાવી દીધી હતી. ગૂમનામનાં ગીતોની તુલનાએ દિલ તેરા દિવાના અને બેટી બેટે સંગીતકારો માટે ઓછી ચેલેંજિંગ ફિલ્મો હતી. દિલ તેરા દિવાનાનું ધડકને લગતા હૈ, મેરા દિલ... શમ્મી કપૂર સાથે મહેમૂદે સ્ત્રીવેશમાં કરેલું. એ પણ એક કોમેડી હતી.

બંને કલાકારો ડાન્સ કરતાં કરતાં ગાતાં હોય ત્યારે પાછળ ચરિત્રનટ ઉલ્લાસ આવીને ગુસ્સામાં ઊભા રહે છે. એમને જાણ નથી કે સ્ત્રીવેશમાં આ તો કોઇ યુવક છે. આ ફિલ્મના બીજા ગીતમાં શૈલેન્દ્રે હળવા શબ્દોમાં સરસ વાત કરી છે- રિક્શે પે મેરે તુમ આ બૈઠે, અબ મેરા હુનર દેખો...

અહીં શબ્દાર્થ સાથે વ્યંગ્યાર્થ મેળવો તો નામ પાડયા વગર ઊબડખાબડ સડકનો ઇશારો કરતાં કવિ કહે છે- દેતા હૈ મજે કૈસે કૈસે અપના યહ સફર દેખો... શબ્દોને અનુરુપ કહેરવા તાલમાં હળવી રમતિયાળ તર્જ બની છે.



બેટી  બેટેમાં હસરત જયપુરીએ મહેમૂદની કોમેડીમાં રંગ પૂર્યો છે. ગોરી ચલો ના હંસ કી ચાલ જમાના દુશ્મન હૈ, તેરી ઉંમર હૈ સોલહ સાલ જમાના દુશ્મન હૈ... અહીં હંસ કી ચાલનો શ્લેષ માણવા જેવો છે.

સંસ્કૃત ભાષામાં ષોડશી શબ્દ છે. તરુણીની ચાલ અને નજર 'તિરછી'  થઇ જાય એ આ ઉંમરનો તકાજો છે. શંકર જયકિસનની આ ગીતની તર્જ માણો ત્યારે પરદા પર કે ઓડિયોમાં તમને શબ્દો અને તર્જ વચ્ચે દૂધ-સાકરનો સંબંધ છે એ સમજાઇ જાય.

આ જ ફિલ્મનું ઔર એક ગીત સહજ અલગ પડી આવે છે. એમાં રોમાન્સની સાથોસાથ યુવા પેઢીને ચાનક ચડાવે એવા શબ્દો હસરત જયપુરીએ આપ્યા છે. બાત ઇતની સી હૈ કહ દો કોઇ દિવાનોં સે, આદમી વો હૈ જો ખેલા કરે તૂફાનોં સે...

વાહ્ હસરત વાહ્ ! લાઘવયુક્ત ભાષામાં પણ કહેવાનું બધું કહી દીધું. આ ગીતની તર્જ તમને કોઇ ઉપશાસ્ત્રીય રચના સાંભળતા હો એવો અહેસાસ કરાવે છે. એના દરેક અંતરામાં યુવા પેઢી માટે સંદેશ છે. ક્યારેક તો ભૂલથી એવું લાગે કે આ રચના શૈલેન્દ્રની તો નથી ને !

શંકર જયકિસને અગાઉ કહેલું એમ મહેમૂદ માટે મુહમ્મદ રફીને અજમાવીને અન્ય સંગીતકારો કરતાં જુદો ચીલો પણ ચાતર્યો. એ પ્રયોગમાં શંકર જયકિસનને ધરખમ સફળતા મળી એ આપણે સૌ જાણીએ છીએ અને ઑફ ધ રેકોર્ડ મહેમૂદે પણ આ બંનેની સર્જનશીલતાને સલામ કર્યા હતા.

Comments