શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો. જન્માષ્ટમી આવી ગઇ, બકરી ઇદ આવી ગઇ, પારસીઓની પતેતી આવી ગઇ, પર્યુષણ આવી ગયા... આમ હિન્દુ, જૈન, મુસ્લિમ અને પારસી તહેવારો આવી ગયા. આપણે સૌ કોરોનાના કારણે ઘરની ચાર દિવાલ વચ્ચે બેસીને સ્વધર્મનું પાલન કરતા રહ્યા. મંદિરો, મસ્જિદો, ઇસાઇ દેવળો વગેરે બંધ હતાં, થોડાંક ખુલ્યાં, થોડાકમાં અમુક પ્રતિબંધો સાથે પૂજન અર્ચન ચાલુ થયાં.
કોરોના હજુ પણ કાળો કેર વર્તાવી રહ્યો છે. વિવિધ ચિકિત્સા પદ્ધતિ વિવિધ અભિપ્રાયો ઉચ્ચારે છે. આવા સમયે એક સંતે કરેલું સૂચન યાદ આવે છે- 'જ્યારે કોઇ કારી ન ફાવે ત્યારે પ્રાર્થના કરો. એ જરુર જવાબ આપશે...'
અંધારામાં ફાનસ લઇને ઘરની બહાર જવાનું હોય ત્યારે મોહનને બીક લાગતી. એમની સેવિકાએ કહેલું, મોના, બીક લાગે ત્યારે રામનું નામ લેજે... મોહનો મહાત્મા ગાંધી બન્યો અને અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી રામનું નામ લેતો રહ્યો. ખરી વાત અહીં છે. સંતવાણીમાં સરસ કહ્યું છે, 'દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઇ, જો સુખ મેં સુમિરન કરે, તો દુઃખ કહાં સે હોઇ...'
મહાભારતમાં એક સરસ પ્રસંગ આવે છે. ભગવાન કૃષ્ણ જ્યારે જ્યારે પાંડવોથી છૂટા પડવાનું આવે ત્યારે કુંતી માતાને અચૂૂક મળતા. માતાજીને પૂછે, ફોઇ કંઇ જોઇએ છે ? આંખનું મટકુંય માર્યા વિના ફોઇ કહેતા- વિપદઃ સન્તુ ન શાશ્વત... અમારા પર કાયમ મુશ્કેલીના ડુંુગરા વરસાવતો રહેજે.
એવું કેમ માગતાં હશે ? એનો જવાબ આ સંતવાણીમાં છે દુઃખમાં કે વિપત્તિમાં ભગવાન જલદી યાદ આવે છે. ગુજરાતી ભાષામાં લોકોક્તિ છે- સુખમાં સાંભરે સોની ને દુઃખમાં સાંભરે રામ. ક્યારેક પોતાની જાતને પૂછી જો જો. હું પ્રાર્થના કરું છું ? દિલથી કરું છું કે યંત્રવત્ કરી જાઉં છું ? આપણામાંના ઘણાનો અનુભવ છે. હાથમાં માળા ફરતી હોય પરંતુ મન કશેક બીજે હોય. ક્યારેક માળા કરતાં કરતાં ટેલિફોનની ઘંટડી વાગે કે ઘરના દરવાજે બેલ રણકે ત્યારે હાથમાં માળા છે એ ભૂલીને બૂમ પાડી ઊઠાય છે, અરે ભૈ, કોઇ ફોન તો ઉપાડો...
પ્રાતઃ સ્મરણીય સંત ભાગવતકાર ડોંગરે મહારાજ કહેતા, કળિયુગમાં સંપૂર્ણપણે મગ્ન થઇને માત્ર એકવાર તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. પછી જુઓ ચમત્કાર. માનવું ન માનવું દરેકની પોતાની ઇચ્છા છે. બાકી દરેક ધર્મમાં પ્રાર્થનાનો મહિમા છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટનું એક વાક્ય યાદ આવે છે- આસ્ક એન્ડ ધાય શેલ ગેટ ઇટ, નૉક એન્ડ ડૉર શેલ ઓપન ટુ યુ... માગો અને મળશે, ખખડાવો, દરવાજો ખુલશે.
આ સંદર્ભમાં સ્વાધ્યાય પ્રણેતા દાદા પાંડુરંગ વૈજનાથ આઠવલે શાસ્ત્રીજીનો એક અભિપ્રાય પણ સાંભરે છે. અર્જુનના મનમાં જે પ્રકારના દ્વંદ્વ હતા એવા આપણે જાતે અનુભવીએ ત્યારે ગીતાનો મર્મ સમજાય. બાકી પોપટપાઠ કરી જવાથી કશું ન થાય.
આખી ગીતા કંઠસ્થ હોય એનો પોરસ અનુભવતી વ્યક્તિને પણ ક્યારેક મુશ્કેલી આવે એ ક્ષણે ગીતા યાદ આવતી નથી. મુશ્કેલી આવે ત્યારે રામ યાદ આવતા નથી. એની પાછળ કદાચ એવું કારણ પણ હોય કે શ્રદ્ધા ન હોય. બાકી શ્રદ્ધા કેવી હોય ?
એક ચર્ચની બહાર મેલાંઘેલાં અને ફાટેલાં વસ્ત્રો પહેરીને એક ટાબરિયો ફુગ્ગા વેચતો. બધાંને અપટુડેટ વસ્ત્રોમાં ચર્ચમાં જતાં જોઇને એકવાર હિંમત કરીને પાદરીને વિનંતી કરી- મને પ્રેયર માટે આવવા દેશો ? પાદરી ભલા હશે. હા પાડી.
પેલો આવે. બધાંની પ્રાર્થના પૂરી થઇ જાય ત્યારપછી પણ ઘણીવાર બેસી રહે. એકવાર પાદરીએ પૂછ્યું, કેવીક પ્રાર્થના કરે છે ? ટાબરિયો કહે, હું ક્યાં ભણેલો છું ? હું તો આલ્ફાબેટ્સ બોલી જાઉં છું અને માતા મેરીને કહું છું, આમાંથી પ્રાર્થના બનાવી લો. કહે છે કે તે દિવસે માતા મેરીની પ્રતિમાની
આંખો ભીની થઇ ગયેલી. શ્રદ્ધા આવી હોય છે.
દુકાળ પડયો હોય અને વરસાદ માટે પ્રાર્થના કરવા ભીડ ભેગી થાય પરંતુ કોઇના હાથમાં શ્રદ્ધાની છત્રી ન હોય તો પ્રાર્થના ફળે શી રીતે ? થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા...
Comments
Post a Comment