બરસાતથી શરુ થયેલી શંકર જયકિસનની સંગીતકાર તરીકેની કારકિર્દીએ ૧૯૬૦ની આસપાસ નવો વળાંક લીધો એમ કહીએ તો ચાલે. આ સમયગાળામાં સાઉથની ફિલ્મોમાં તેમનો પ્રવેશ થયો. એલ. વી. પ્રસાદ નિર્મિત અને ટી. પ્રકાશરાવ નિર્દેશિત સસુરાલ ફિલ્મમાં જ્યુબિલી કુમાર તરીકે પંકાયેલો ટોચનો અભિનેતા રાજેન્દ્ર કુમાર હીરો અને સાઉથની સરોજા દેવી હીરોઇન હતી. સાઉથની મોટા ભાગની ફિલ્મો ઓડિયન્સમાં બેઠેલી મહિલાઓને રડાવે એવી 'ટીઅરજર્કર' તરીકે પંકાયેલી હતી. એમાં મહેમૂદ કે બીજા કોમેડિયનોની એન્ટ્રી થાય ત્યારે થોડી હળવાશનો અહેસાસ થતો.
કોમેડિયન તરીકે મહેમૂદ ૧૯૬૦ના દાયકામાં ટોચ પર પહોંચી ગયેલો અને ટોચના અભિનેતાઓ કરતાં વધુ મહેનતાણું લેતો. સસુરાલમાં મહેમૂદના ફાળે બે ગીતો આવ્યાં હતાં. બંને ગીતો લાઇટ રોમાન્ટિક અને બંને ગીતો હસરત જયપુરીનાં હતાં.પહેલા ગીતનંુ મુખડું હતું 'જાનાં તુમ્હારે પ્યાર મેં શૈતાન બન ગયા હું, ક્યા ક્યા બનના ચાહા થા, બેઇમાન બન ગયા હું...' પરદા પર તેમજ બહાર આ ગીતની તર્જમાં જે નટખટપણું શંકર જયકિસન લાવ્યા છે એ લાજવાબ છે.
સાંભળતાંવેંત ખ્યાલ આવી જાય કે આ ગીત મહેમૂદને ફિટ થાય છે. સસુરાલનાં તમામ ગીતો એ દિવસોમાં હિટ નીવડયાં હતાં એમાં પણ મહેમૂદ અને શુભા ખોટે પર ફિલ્માવાયેલા ગીતોને ધાર્યા કરતાં વધુ લોકપ્રિયતા મળી હતી.
આ નટખટ જોડીના ફાળે આવેલું બીજું ગીત અપની ઉલ્ફત પે જમાને કા ન પહેરા હોતા તો કિતના અચ્છા હોતા તો કિતના અચ્છા હોતા, પ્યાર કી રાત કા કોઇ ન સવેરા હોતા તો કિતના અચ્છા હોતા... રાત કે દિવસ, પ્રેમમાં ચકચુર યુગલને સમયની મર્યાદા કદી નડે ખરી ? આ ગીતમાં મીઠ્ઠી રાવ-ફરિયાદ જેવો ભાવ છે. બંને ગીતો સરસ બન્યાં છે. મહેમૂદ-શુભા ખોટેએ પોતાની રીતે બંને ગીતોને લાડ લડાવ્યા હતા.
સસુરાલના એક ગીતની વાત આપણે અગાઉ કરી હતી. રાજેન્દ્ર કુમાર પર ફિલ્માવાયેલું એ ગીત હતું 'તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નજર ના લગે, ચશ્મે બદ્દુુર...' આ ગીતની બંદિશ શમ્મી કપૂરને બેહદ ગમી જતાં જયકિસન પાસે માગેલી. જયકિસને ના પાડતાં બંને થોડીવાર માટે મૈં મૈં તૂ તૂ પર આવી ગયેલા. સિદ્ધાંતના પાક્કા જયકિસને એને ચોખ્ખું કહી દીધેલું કે આ ગીત બીજા બેનરની ફિલ્મ માટે બનાવેલું છે.
એલ. વી. પ્રસાદ અને નિર્દેશક ટી. પ્રકાશરાવની રાજેન્દ્ર કુમાર પ્લસ મહેમૂદ સાથે બીજી ફિલ્મ એટલે હમરાહી (૧૯૬૩). આ પણ એક સોશ્યલ ટીઅરજર્કર ફિલ્મ હતી જેનાં ગીતો શંકર જયકિસનનાં સંગીતને કારણે ધૂમ લોકપ્રિય નીવડયાં હતાં. હાલ મહેમૂદ પૂરતી વાત મર્યાદિત રાખી હોવાથી ફક્ત મહેમૂદ પર ફિલ્માવાયેલાં ગીતો લીધાં છે.
ફિલ્મ હમરાહીમાં મહેમૂદનું યાદગાર ગીત એટલે 'વો દિન યાદ કરો....' હસરત જયપુરી રચિત આ ગીત શંકર જયકિસનના માનીતા ખેમટા તાલમાં નિબદ્ધ રમતિયાળ રચના છે. રાગ પહાડીની ઝલક અનુભવાય એવી આ તર્જમાં બે પ્રેમી દિલોનાં સંભારણાં હળવી રીતે વર્ણવાયાં છે. 'વો છૂપ છૂપ કે મિલના, વો હંસના હંસાના, વો ફૂલોં કી છાયા, વો મૌસમ સુહાના, વો દિન યાદ કરો...' આ ફિલ્મનાં પણ બધાં ગીતો સુપરહિટ નીવડયાં હતાં. એક આખી પેઢી આ ગીતો ગણગણતી હતી.
એમાંય ભારતીય લશ્કરના જવાનો માટે નરગિસ અને સુનીલ દત્તે મનોરંજક સ્ટેજ પ્રોગ્રામ્સ શરુ કર્યા ત્યારે લશ્કરના જવાનો શંકર જયકિસનનાં ગીતોની ફર્માયેશ બહુ કરતા. સુનીલ દત્ત અને સંગીતકાર કલ્યાણજીભાઇના મોઢે એવું સાંભળેલું. ગીતના શબ્દોમાં રજૂ થતા ભાવને શંકર જયકિસન સદા સ્વરો દ્વારા જીવંત કરતા.
અલબત્ત, ગીતના ભાવને પ્રગટાવવામાં ગાયકોએ પણ નોંધનીય ફાળો આપ્યો. આ બંનેનાં સંગીતમાં રહેલી સરળતા અને ભારોભાર મધુરતા ગીતોને સદાબહાર બનાવતી રહી. સરળતાને કારણે સંગીત નહીં જાણનાર વ્યક્તિ પણ સસુરાલ કે હમરાહીનાં ગીતો ગણગણતી નજરે પડતી. તર્જોમાં સરળતા શંકર જયકિસન જેવી ત્યારબાદ બહુ ઓછા સંગીતકારોમાં જોવા મળી.
Comments
Post a Comment