વ્યવસાયે વણકર, સ્વભાવે બળવાખોર સૂફી-ભક્ત કવિ. ભક્ત કવિ કબીરના એક કાવ્યમાં ગજબની કલ્પના કરવામાં આવી છે. રખે આ પંક્તિ વાંચીને કોઇ ગેરસમજ કરે. આ કોમવાદી કાવ્ય નથી. કાવ્યની એક પંક્તિમાં કબીરે ગાયું, 'મસ્જિદ મુલ્લા બાંગ પુકારે, ક્યા મેરો સાહિબ બહિરો હૈ, ચીંટીં કે પાંવ મેં નેપૂર બાજે, વો ભી સાહિબ સુનતા હૈ...' કેવી દિવ્ય કલ્પના છે !
કીડીના પગમાં ઝાંઝર ! એ ઝાંઝર પાછાં રણકે ! અને એ રણકાર સર્જનહાર સાંભળે. કેવી દિવ્ય કલ્પના કરી કબીરે ! બરાબર પાંચસો વરસ પછી બીજા એક કવિ જરા જુદી રીતે પોતાના મનની વાત વ્યક્ત કરે છે. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રશાયર કહેલા તેમ આ ભક્ત કવિને 'રાષ્ટ્રકવિ' કહીને બિરદાવ્યા હતા.
ભજનનું મૂળ મુખડું આ મુજબ છે- 'કળા અપરંપાર, એમાં પો'ચે નહીં વિચાર એવી તારી કળા અપરંપાર જી...' ભજનના અંતરામાં કવિ કહે છે- 'અણુમાં આખો વડ સંકેલ્યો, એના મુખ ઊંધા મોરારજી, કીડીના આંતર કેમ ઘડિયાં સૃષ્ટિના સરજણહાર એવી તારી કળા અપરંપાર જી...'
પાંચસો વરસ પહેલાંના કબીર અને ગઇ સદીના ભક્ત કવિ દૂલા ભાયા કાગ. શબ્દોમાં વખાણી ન શકાય એવી આ ખરા અર્થમાં દિવ્ય કલ્પના આ બંને ભક્તકવિએ કરી છે. 'અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મુખ ઊંધાં મોરારજી...' ધરતીમાં દટાયેલા વડનાં મૂળને કવિ વડ-મુખ કહે છે.
પછીની પંક્તિમાં કવિની કલ્પના માઉન્ટ એવરેસ્ટને આંબી જતી હોય એવી વિરાટ-વિશાળ છે. 'કીડીનાં આંતર(ડાં), તમે કેવી રીતે ઘડયાં ?આંસર્જ્યાં ? હે સૃષ્ટિના સર્જનહાર... લોકબોલીમાં કાગબાપુએ 'સરજણહાર' શબ્દ વાપર્યો છે. પણ કીડીનાં આંતરડાંની કલ્પના કેવી અદ્ભુત છે !
તાજેતરમાં બે પુસ્તકો અકસ્માતથી હાથમાં આવી ગયાં. યોગાનુયોગે બંને પુસ્તકો કાગબાપુ વિશેનાં છે. એક પુસ્તક બાપુએ રચેલાં ભજનોના સંકલનનું છે 'આવકારો મીઠો આપજે...' કાગબાપુએ સનાતન સત્ય જેવા જે કેટલાક સદ્-વિચારો કાગવાણીના પાંચમા ભાગમાં ગદ્ય રુપે રજૂ કર્યા એનું બીજું પુસ્તક છે. એ પુસ્તિકાનું તો મથાળું પણ અદ્ભુત છે. ઇષ્ટદેવના નામજપ કરતાં હોય એ સૌને ખબર હોય કે માળામાં ૧૦૮ મણકા હોય છે. કાગબાપુના એ સદ્વિચારોના સંકલનને સંપાદકે 'કાગમાળા' ટાઇટલ આપ્યું છે.
સંતવાણી સિવાય બીજો કોઇ શબ્દ જેને માટે વાપરી ન શકાય એવાં એક એકથી ચઢિયાતાં ભજનો કાગબાપુએ આપ્યાં. કેટલાંક ભજનો તો સામાજિક વ્યવહારના કે સુચારુ મેનેજમેન્ટના છે. દાખલા તરીકે 'તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે, આવકારો મીઠો આપજે હો જી, તારા કાને કોઇ સંકટ સંભળાવે રે બને તો થોડું કાપજે...'
મુખડામાંજ કેટલી મોટી વાત કરી દીધી છે ! આગંતુક તમારી પાસે કોઇ આશા કરીને આવે છે, કારણ ? અંતરાની બીજી પંક્તિમાં કહ્યું તારા દિવસો દેખીને દુઃખિયા આવે તો આવકારો મીઠો આપજે હો જી... પરમાત્માએ તમને સુખિયા બનાવ્યા છે એટલે આશા કરીને કોઇ દુઃખિયા તમારે આંગણે આવે છે.
અન્ય એક ભજનમાં પવનપુત્રનું પ્રગટપણે નામ પાડયા વિના મુખડામાં કહ્યું, 'જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા...', તો લંકેશ રાવણના મનના સંતાપને વ્યક્ત કરતું ભજન છે. એમાં રાવણના મુખે કવિએ કહેવડાવ્યું, 'રામનું રુપ ધરું ત્યારે રામ રુદામાં આવે...'
પ્રકૃતિપ્રેમને વ્યક્ત કરતા ભક્તિગીતમાં કહ્યું, 'વડલો કહે છે મારી વનરાયું સળગી, મેલી દિયો જૂના માળા, ઊડી જાઓ પંખી પાંખું વાળા હો જી...' ભગવાન રામના પગના સ્પર્શથી શલ્યા અહલ્યા બની ગયેલી એ જાણીને વહેમાતો હોડીવાળો ભગવાનને નદીના સામે પાર લઇ જતી વેળા જે માગણી કરે છે એ ભજન 'પગ મને ધોવા દ્યો ને રઘુરાય' તો દુનિયાભરના ગુજરાતીના ઘેર ઘેર જાણીતું છે.
કાગબાપુનાં કાવ્યોની આ જ ખૂબી છે. એમાં ઇશ્ક-એ-હકીકીની સોડમ આવે. અધ્યાત્મનાં ઊંચાં શિખરો સર કરે છે. એવુંજ એમના ૧૦૮ વિચારોની માળાનું છે. આ વિચારો મગજમાંથી નહીં, કવિના હૃદયમાંથી પ્રગટયા છે એટલે એમાં સનાતન સત્યની સુગંધ અનુભવાય છે. એને સુવિચાર કહેવા કરતાં સોનામહોર કહેવાનું મન થાય એવી એ અનુભવવાણી છે.
એક સંસ્કૃત સુભાષિતનું ચરણ ટાંકું તો ક્ષણૈઃ ક્ષણૈઃ યન્નવતામ્ ઉપૈતિ તદૈવ રુપમ્ રમણિયતાયામ્... દરેક સદ્વિચાર જેટલીવાર વાંચીએ તેટલીવાર નવતામ્ ઉપૈતિનો અનુભવ થાય. પંડિત ભીમસેન જોશી જેવાના કંઠે એકનો એક રાગ જુદી જુદીવાર સાંભળવાથી જે અનુભૂતિ થાય એવી અનેકવિધ અનુભૂતિ આ સદ્-વિચારો વાંચતીવેળા થાય છે.
આવતી કાલે જન્માષ્ટમીના છે. એ સપરમા પર્વની પૂર્વસંધ્યાએ જરા જુદા વિચારની વાત કરી. ભગવાન કૃષ્ણ વિશે તો અઢળક લખ્યું છે અને અન્યો દ્વારા પણ લખાયું છે. આજે કાગબાપુને યાદ કર્યા.
Comments
Post a Comment