-તમારે માથે છાપરું છે કે ? તમે ચાલીમાં રહેતાં હો કે ફ્લેટમાં યા ટેનામેન્ટ કે બંગલામાંં રહેતા હો, પણ માથે છાપરું હોય તો તમે સુખિયા છો કારણ કે વિશ્વમાં ૧૩૦ કરોડ લોકો પાસે ઘર નથી. ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં એ લોકો રહે છે,
- તમે આ લેખ વાંચી શકો છો ? તો તમે સુખિયા છો કારણ કે તમે શિક્ષિત છો. વિશ્વમાં ૧૪૦ કરોડ લોકો નિરક્ષર છે. એમાં સંખ્યાબંધ એવા લોકો છે જે ભણવા માગતા હતા પરંતુ સંજોગવશાત્ ભણી શક્યા નહીં,
-તમે આ લેખ વાંચવા જેટલા નસીબદાર છો, કારણ કે આજે સવારે તમે ઊઠયા ત્યારે ૮૮, ૪૦૦ લોકો ઊંઘમાં મરણ પામ્યા હતા. રોજ સવારે આટલા લોકો ઊંઘમાં જ મરણ પામે છે,
-તમે આ લેખ શાંતિથી વાંચી શકો છો એટલે તમે સાજાસારા હશો. વિશ્વમાં કોઇ પણ સમયે આશરે ૧૨૦ કરોડ લોકો બીમાર હોય છે. અત્યારે તો કોરોનાના પગલે વધુ પોણા બે કરોડ લોકો બીમાર રહે છે...
કોરોના, મોંધવારી, ભાવવધારો, બેકારી, ભૂખમરો, કથળી રહેલું અર્થતંત્ર- આ અને આવા અનેક અવરોધો વચ્ચે લેખની શરુઆતમાં વર્ણવ્યો એવો કોઇ પોઝિટિવ સંદેશો વ્હૉટ્સ એપ પર આવે ત્યારે રોમે રોમ હર્ષ અનુભવે છે.
જૂની રંગભૂમિનું એક સરસ ગીત હતું- 'ઘડી બે ઘડી સુખની છાયા, દુઃખ સનાતન છે. પળે પળે પલટાતું આજે માનવ જીવન છે...સુખી નથી કોઇ સંસારી એવી છે આ દુનિયાદારી, સુખ કહો કે દુઃખ કહો એ બંને બંધન છે, દુઃખ સનાતન છે... સુખદુઃખને સરખાં માની, દશા હોય એ ભોગવવાની, એ ઇશ્વરની લીલા એને લાખો વંદન છે, દુઃખ સનાતન છે...'
વ્યક્તિએ વ્યક્તિએ સુખ શબ્દની વ્યાખ્યા અલગ હોવાની. ઓશો રજનીશ કહેતા, વૈશાખ માસની બળબળતી બપોરે પરસેવે રેબઝેબ એક માણસ દૂરથી ચાલતો આવે અને તમે એને કાળી માટીના માટલાનું એક ગ્લાસ શીતળ જળ આપો એટલે એ અનેરું સુખ અનુભવે.
પરંતુ એને એમ કહો કે તારે આ આખા માટલાનું પાણી પી જવાનું છે તો આંખના પલકારામાં એનું સુખ દુઃખમાં પરિવર્તિત થઇ જાય. એનું મૂળ કારણ એ છે કે સુખ ક્ષણિક છે. એની પાછળ દોડનારો કદી એને મેળવતો નથી.
એક અત્યંત પ્રેરક ઘટના વાંચ્યાનું યાદ આવે છે. માત્ર પાંચ ડૉલરથી ધંધો શરુ કરનારા મોટર ઉત્પાદક હેનરી ફોર્ડને એમના અંતિમ દિવસોમાં એક પત્રકાર મળવા આવેલો. એણે વાતવાતમાં કહ્યું માત્ર પાંચ ડૉલરથી શરુ કરીને આજે તમે ૧૦ મિલિયન ડૉલરના આસામી છો. તમારી જાતને તમે દુનિયાના સૌથી સુખી અનુભવતા હશો, નહીં ?
વ્હૉટ રબીશ, ફોર્ડ બોલી ઊઠયા, મારે તો ૧૦૦ મિલિયન ડૉલર્સ કમાવવા હતા... મારું એ શમણું અધૂરું રહી ગયું. લો, કરો વાત. પાંચ ડૉલરથી દસ મિલિયન ડૉલર્સ એટલે કે ૧૦૦ લાખ ડૉલર્સ પણ તેમને સુખ આપી શક્યું નહીં. પોતાનું જીવન વ્યર્થ ગયું એવું એમને લાગ્યું. આનો કોઇ ઉપાય ખરો ?
ભૂખ્યા માણસને વાસી રોટલી મળે તોય ભયો ભયો થઇ જાય છે પરંતુ કરોડપતિ માણસ કરોડપતિ બનવા એટલો બધો ઉત્પાત કરે છે કે પછી એનું શરીર રોગનું ઘર બની જવાથી એણે ખાખરા અને દહીં ખાવાના દિવસો આવે છે.
પૈસો બત્રીસ ભોજન અપાવી શકે, ભૂખ ન લગાડી શકે. પૈસો ઉત્તમોત્તમ વસ્ત્રો અપાવી શકે, તંદુરસ્તી ન આપી શકે. પૈસાથી સોનાનો પલંગ લઇ શકાય પરંતુ ઊંઘ ન ખરીદી શકાય. તો પછી સુખની વ્યાખ્યા શી ? અમદાવાદના એક કોસ્મેટોલોજિસ્ટ કમ ગાયકે સરસ ગીત રચ્યું છે. એનું મુખડું છે સુખનું સરનામું આપો... હરીન્દ્ર દવેએ સુખ નામનો પ્રદેશ ટાઇટલ ધરાવતી નવલકથા લખેલી.
સુખની પાછળ દોડવાથી સુખ હાથમાં આવતું નથી. ક્યારેક કરોડોપતિ કરતાં ફૂટપાથ પર રહેનાર વ્યક્તિ રાત પડયે ગાઢ નીંદર માણી શકે છે. આવા વ્હૉટ્સ એપ આવે ત્યારે મન મોર બની થનગાટ કરે..
Comments
Post a Comment