જે ફિલ્મગીતની અસંખ્યવાર પેરોડી થયેલી એ સદાબહાર ગીત બિમલ રોય નિર્દેશિત યહૂદીનું હતું, યાદ કરો જોઉં....



શંકર જયકિસનના સંગીતની વાતનો ઉપાડ આજે જરા જુદી રીતે કરું છું. આ કટારના વાચક હોય એવા તમામ સિનિયર સિટિઝન (70 પ્લસ)ને ખાસ આગ્રહ છે. હૈયા પર હાથ રાખીને યાદ કરે. વાત 1950ના દાયકાના ઉત્તરાર્ધની છે. ગુજરાત રાજ્ય હજુ બન્યું નહોતું. બૃહદ્ મુંબઇ રાજ્ય હતું. કોલાબાથી કચ્છ સુધી.

એ દિવસોમાં આ લેખકડા સહિત હજ્જારો તોફાની ટાબરિયાં એક ફિલ્મ ગીતની પોતાને આવડે એવી પેરોડી ગાતાં. મરી જા મરી જા, કૂવામાં પડી જા, કૂવો હોય ઊંડો, તો હું શું કરું ? સાચ્ચું કહેજો, યાદ આવી ગયું ને તમને ! શંકર જયકિસનના સંગીતની આ તાકાત હતી. હજ્જારો ટાબરિયાં ફિલ્મ યહૂદીમાં લતાજીએ ગાયેલાં મેરી જાં મેરી જાં, પ્યાર કિસી સે, હો હી ગયા હૈ, હમ ક્યા કરેં ? ગીતની પેરોડી ગાતાં. લતાજીનું આ ગીત એ દિવસોમાં કિશોર-કિશોરીઓને ગજબનું ઘેલું લગાડી ગયેલું.

ફિલ્મ યહૂદીના ગીતસંગીતની વાત શરૂ કરીએ એ પહેલાં થોડી આડવાત જરૂરી છે. જુલિયસ સીઝર મૂળ તો વિલિયમ શેક્સપિયરનું એક કરુણાંત નાટક હતું. ગઇ સદીમાં જુલિયસ સીઝર અને રોમન સામ્રાજ્ય વિશે હોલિવૂડમાં અર્ધો ડઝન ફિલ્મો બનેલી.

એવી પહેલી ફિલ્મ 1950માં રજૂ થયેલી જેમાં લિવિંગ લેજન્ડ ગણાયેલા અભિનેતા ચાર્લ્ટન હેસ્ટને જુલિયસ સીઝરનો રોલ કરેલો. જુલિયસ સીઝરની અન્ય ફિલ્મોમાં પણ આ કલાકારે અભિનય કર્યો હતો. આ જ અભિનેતાએ પાછળથી એક અને અજોડ ફિલ્મ બેનહરમાં પણ મુખ્ય રોલ કરેલો..

1950ની જુલિયસ સીઝર ફિલ્મમા ચક (કેટલાક લોકો શેક જેવો ઉચ્ચાર પણ કરે છે.) ઝોર્નિગનું સંગીત હતું. ચકે એક ઇન્ટરવ્યૂમાં નિખાલસતાથી કહેલું, જુલિયસ સીઝરના રોમનકાળમાં કેવું સંગીત હતું એની કલ્પના અમને નથી. આમ છતાં ઐતિહાસિક ઉલ્લેખો વાંચી-સાંભળીને અમે આ ફિલ્મમાં યથાશક્તિ સંગીત પીરસ્યું છે. દર્શકોએ એને બિરદાવ્યું એથી અમારો પરિશ્રમ સાર્થક થયો એવું મને લાગે છે.


હવે વાત કરીએ ફિલ્મ યહૂદી અને એના ગીતસંગીતની. આ ફિલ્મની કથા આગા હશ્ર કશ્મીરીના મૂળ હિન્દી-ઊર્દૂ નાટક યહૂદી કી લડકીનું ફિલ્મ રૂપાંતર હતું. એની પટકથા નબેન્દુ ઘોષ અને સંવાદો વજાહત મિર્ઝાએ તૈયાર કર્યા હતા.

ફિલ્મમાં સાત ગીતો હતાં. એમાં છ શૈલેન્દ્રનાં અને એક હસરત જયપુરીનું હતું. પાછળથી ઘણી યાદગાર ફિલ્મો આપનારા બિમલ રોય આ ફિલ્મના નિર્દેશક હતા. આ ફિલ્મમાં રોમનો દ્વારા યહૂદી પ્રજા પર ગુજારાતા અત્યાચારોનું બીજ લઇને એક પ્રણયકથાને રજૂ કરવામાં આવેલી. થોડી આપાધાપી પછી સુખદ અંત દેખાડવામાં આવેલો.

સૌથી મહત્ત્વની વાત એ હતી કે છેક બરસાતથી શરૂ કરીને રાજ કપૂરને હીરો તરીકે ચમકાવતી લગભગ બધી ફિલ્મોમાં રાજ કપૂરે તો પોતાના માટે મૂકેશનો કંઠ વાપર્યો હતો. મૂકેશ અને રાજ કપૂર જાણે એકમેકના પર્યાય બની ગયેલા.

જો કે 1950ના દાયકાના આરંભે મહેબૂબ ખાને બનાવેલી અંદાજ ફિલ્મમાં સંગીતકાર નૌશાદે દિલીપ કુમાર માટે મૂકેશનો કંઠ વાપરેલો અને એને ધૂમ સફળતા મળેલી. થોડાક વિસ્તારથી વાત કરું તો અંદાજ રજૂ થઇ એ દિવસોની આ વાત છે.

એ દિવસોમાં દિલીપ કુમાર મોટે ભાગે (યસ, મોટે ભાગે, કાયમ નહીં) દર રવિવારે પૂના શહેરમાં ઘોડદોડની રેસમાં હાજરી આપવા જતા. રસ્તામાં ખાપોલી નામના ગામ પાસે લસણવાળા બટેટાવડા ખાવા ક્યારેક થોડી મિનિટ માટે રોકાય. એ વિસ્તારના બટેટાવડા ત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં વખણાતા. શિવસેનાના વડા પાઉં તો બહુ પાછળથી આવ્યા. આજે પણ ખાપોલીના એ બટેટાવડાના અનેક ચાહકો છે.


એકવાર આ રીતે દિલીપ કુમાર ખાપોલી પાસે રોકાયા ત્યારે યોગાનુયોગે પિકનિક કરવા નીકળેલા કોલેજના વિદ્યાર્થીઓની એક બસ ત્યાં આવી પહોંચી. વિદ્યાર્થીઓએ દિલીપ કુમારને જોયો અને ઘેરી લીધો. કહે કે ફિલ્મ અંદાજનું તૂટે ના દિલ તૂટે ના ગાઓ તો જવા દઇએ...
દિલીપ કુમારે બહુ સમજાવ્યા કે ભૈ, આ ગીત મેં નથી ગાયું, મૂકેશે ગાયું છે પરંતુ જુવાનિયાઓ માને નહીં. સદ્ભાગ્યે દિલીપ કુમારને સંગીતની થોડી સૂઝ સમજ હતી એટલે પોતાની કારની છત પર ચડીને એણે આ ગીત ગાયું. એટલી હદે આ ગીત હિટ નીવડ્યું હતું.





યહૂદીનું સંગીત પીરસતી વખતે શંકર જયકિસને કમાલ કરી. દિલીપ કુમાર માટે તલત મહેમૂદના સ્થાને મુકેશને પસંદ કર્યા. એક ગીત મૂકેશ કને ગવડાવ્યું. એ ગીત જબરદસ્ત હિટ નીવડ્યું. એ ગીત અને ફિલ્મનાં બીજાં ગીતોની વાત આવતા શુક્રવારે.

Comments