શિકસ્ત ફિલ્મમાં મર્યાદિત સ્કોપ હોવા છતાં કથા અને પ્રસંગોને અનુરૂપ સરસ સંગીત પીરસેલું


     


છેલ્લા બે શુક્રવારથી આપણે શંકર જયકિસન અને દિલીપ કુમારની ફિલ્મોની વાત કરી રહ્યા છીએ. દાગની વાત કરી ચૂક્યા. બાકી રહી બે ફિલ્મો-  ઘાતકી જમીનદાર દ્વારા ગરીબ ખેડૂતો પર બાકી નીકળતા્ લગાન (મહેસૂલ) માટે થતા જુલમોની વાત કરતી રમેશ સહગલની ફિલ્મ શિકસ્ત અને બિમલ રોય નિર્દેશિત યહૂદી.

શિકસ્તમાં દસ ગીતો  હતાં. સંગીતકારો માટેના પૂરેપૂરા માન આદર સહિત સ્વીકારવું રહ્યું કે આ ફિલ્મનું સંગીત હિટ ગણાયું હોવા છતાં શંકર જયકિસનના ભાગ્યેજ કોઇ ચાહકને આ ફિલ્મનાં દસેદસ ગીતનાં મુખડાં એની સૂરાવલિ સાથે યાદ હશે.


નવીનતા ખાતર ફક્ત એટલું કહી શકાય કે આ ફિલ્મમાં શંકર જયકિસને ગાયક-સંગીતકાર હેમંત કુમારના કંઠે એક ગીત લીધું. અન્ય એક ગીત માટે આશા ભોંસલેને યાદ કરી. હેમંત કુમારનું ગીત હમ કઠપૂતલે કાઠ કે હમેં તૂ નાચ નચાયે, ઊંચે આસન પે બૈઠ કે અપના દિલ બહલાયે... કથાનાયક ડોકટર રામ સિંઘ (દિલીપ કુમાર) પર ફિલ્માવાયું નહોતું.

મંદિરમાં કોઇ સાધુ એકતારા સાથે ગાતો હોય એવા દ્રશ્યમાં આ ગીત હતું જે પાછળથી ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. એ જ રીતે તલત મહેમૂદે ગાયેલું તૂફાન મેં ઘીરી હૈ મૈરી તકદીર કી રાહેં, રોતી હૈ મેરે હાલ પે સાવન કી ઘટાયેં... ગીત પણ ફિલ્મમાંથી કાઢી નખાયું હતું. એ વાત જુદી છે કે તલતે પોતે ગાયેલાં અને પોતાને ગમતાં ગીતોમાં આ ગીતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.



આશાના ભાગે આવેલું ગીત ઉત્તર ભારતમાં બિરહા અથવા સાવન કે ગીત તરીકે જાણીતાં લોકગીત ટાઇપનું હતું. રમૂજની વાત એ છે કે ગૂગલમાં આ ગીતની ઇન્ક્વાયરી કરીએ ત્યારે કેટલેક સ્થળે એ લતાએ ગાયેલું છે એવો ભૂલભર્યો ઉલ્લેખ છે. આ ગીતની તર્જ લોકસંગીત આઘારિત છે એ ઉલ્લેખનીય છે.

ચમકે બીજુરિયા બરસે મેઘ, મત જા રે બાલમ પરદેસવા, હો મત જા રે બાલમ પરદેસવા... હસરત જયપુરીની રચના છે. આપણે ત્યાં પણ આવું એક સરસ લોકગીત છે. આભમાં ઝીણી ઝબૂકે વીજળી, ઝીણા ઝરમર વરસે મેહ, ગુલાબી કેમ કરી જાશો ચાકરી... તમને યાદ હશે.

શિકસ્ત ફિલ્મ એવા સમયગાળામાં બનેલી જ્યારે દિલીપ કુમાર પ્રણયભગ્ન નાયકના રોલ વધુ કરતા. સદ્ભાગ્યે આ ફિલ્મમાં એ ડોક્ટરના રોલમાં છે અને શરાબ પીતો નથી દેખાડ્યો. બાકી દાગ અને યહૂદી સહિત એ ગાળાની કેટલીક ફિલ્મોમાં એ પ્રણયભગ્ન થવાથી શરાબ પીતો થઇ જાય છે એવું દેખાડાયું હતું.



નબળી કથા અને નબળા પાત્રાલેખન છતાં આ ફિલ્મનાં બે ગીતોનો ઉલ્લેખ કરવા જેવો છે. સંગીતકાર નૌશાદે મધર ઇન્ડિયામાં દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ  આયો રે.. ઉત્તર ભારતીય લોકસંગીત આધારિત સમૂહગીત આપેલું. એવો એક સરસ પ્રયોગ અહીં શંકર જયકિસને કર્યો છે.

મધર ઇન્ડિયાના ગીત જેવોજ ખટકદાર ખેમટો તાલ અને એવુંજ સરસ સમૂહગીત એટલે નયી જિંદગી સે પ્યાર કર કે દેખ, ઇસ કે રૂપ કા સિંગાર કર કે દેખ, ઇસ પે જો ભી હૈ, નિસાર કર કે દેખ... શૈલેન્દ્રે એમની કલ્પનાશીલતાને અહીં છૂટો દોર આપ્યો છે.

લેખક અજિત પોપટને બિરદાવતા દિલીપ કુમાર.
-----------------------------------------------------

દેશ આઝાદ થયા પછીના આરંભના વર્ષોમાં બનેલી આ ફિલ્મ છે જ્યારે દેશનાં ગામડાંઓમાં વિધવા સ્ત્રીઓની જિંદગી ઝેર જેવી હતી. આ ગીત વધુ મહત્ત્વનું એટલે બની રહે છે કે એમાં વિધવા નાયિકા સુષમા (નલિની જયવંત)ને સંકેત કરવામાં આવ્યો છે કે તારો એક સમયનો પ્રિયતમ રામ સિંઘ (દિલીપ કુમાર) પાછો આવ્યો છે. તું ફરી એકવાર પ્રેમનો સ્વીકાર કરી લે.
ગીત તરવરાટથી છલકે છે અને સાંભળનારને પગથી તાલ મિલાવવાનું મન થાય એવાં તર્જ-લય છે. એકવાર મુહમ્મદ રફી અને લતા સાથે કોરસ છે તો બીજીવાર ફક્ત લતાજીના કંઠમાં છે.

એ જ રીતે લતાજીના કંઠમાં રજૂ થતું વર્ષાગીત કારે બદરા તૂ ન જા, ન જા બૈરી તૂ બિદેશ ન જા, ઘનનન મેઘ-મલ્હાર સુના, રિમઝિમ રસ બરસા જા... આ ગીત પણ વિરહિણી નાયિકા માટે શૈલેન્દ્રની રચના છે. વાદળ (મેઘદૂત યાદ છે ? ) ને નિમિત્ત બનાવીને ખરેખર તો પિયુને પરદેશ જતો રોકવાના કાલાવાલા કર્યા છે.

શબ્દે શબ્દે શૈલેન્દ્રે વિરહિણી નાયિકાના મનની વેદનાને વાચા આપી છે. સંગીતકારે મલ્હાર રાગનો અછડતો આધાર લઇને તર્જ બનાવી હોય એવી છાપ પડ્યા વિના રહેતી નથી.

Comments