જો કે હેપ્પી એન્ડ લાવવા અંતે નાયક નાયિકા પરણે છે. આ કથામાં હર્ષોલ્લાસ અને ખુશમિજાજીનાં ગીતોને ઝાઝો અવકાશ નહોતો. આમ છતાં શંકર જયકિસને કથાને અનુરૂપ હિટ ગીતો આપ્યાં.
દાગમાં આઠ ગીતો હતાં જેમાં પાંચ શૈલેન્દ્રનાં અને ત્રણ હસરતનાં હતાં. અય મેરે દિલ કહીં ઔર ચલ...ની જેમ બીજું એક ગીત ભૈરવી આધારિત છે. એ રચના હસરતની છે. આ ગીત નાયિકાને ફાળે એટલે કે લતાજીને ભાગે આવ્યું છે.
વિરહિણી નાયિકા પોતાના મનની પીડા આ રીતે વ્યક્ત કરે છે- 'મૌત આ ગયી ન આયે વો મરને કે બાદ ભી, આંખેં તરસી રહ ગયી ઇસ ઇંતજાર મેં, કાહે કો દેર લગાયી રે, આયે ના અબ તક બાલમા....' લતાજીએ આયે ન અબ તક બાલમા.. શબ્દોને ભાવપૂર્ણ રીતે જીવંત કર્યા છે. અય મેરે દિલ કહીં ઔર ચલની તુલનાએ અહીં ઓરકેસ્ટ્રેશન અત્યંત સૌમ્ય છે.
તલત મહેમૂદના કંઠે રજૂ થયેલાં નાયકના અન્ય ગીતો સાંભળનારને ગમગીન કરી દે એવાં છે. શબ્દોની સાથોસાથ તર્જ પણ નાયકની હતાશા શ્રોતાને પણ ગમગીન કરી દે એવો એનો પ્રભાવ છે.
ફરી એક ગીત હસરતનું છે. શબ્દોની તાકાત જુઓ. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ લોકોક્તિ યાદ આવી જશે. 'ચાંદ એક બેવા કી ચૂડી કી તરહ તૂટા હુઆ, હર સિતારા બેસહારા સોચ મેં ડૂબા હુઆ, ગમ કે બાદલ ઇક જનાજે કી તરહ ઠહરે હુએ, સિસકિયોં કે સાજ પર કહતા હૈ દિલ રોતા હુઆ, કોઇ નહીં મેરા ઇસ દુનિયા મેં, આશિયાં બરબાદ હૈ....' એવીજ તર્જ 'હમ દર્દ કે મારોં કા બસ ઇતના હી ફસાના હૈ, પીને કો શરાબ-એ-ગમ, દિલ ગમ કા નિશાના હૈ.....' ગીતની છે.
એક ગમગીન ગીત નાયિકાને પણ મળ્યું છે. શૈલેન્દ્રની એ રચનાને લતાજીએ ગાઇ છે. 'પ્રીત યે કૈસી બોલ રી દુનિયા, ધૂલ મેં મનકા હીરા રોવે, કોઇ ન પૂછે મોલ દુનિયા, પ્રીત યે કૈસી બોલ...'
અહીં શંકર જયકિસનને સાવ જુદા કારણથી બિરદાવવા પડે. હતાશાયુક્ત આ ત્રણે ગીતોનાં તર્જ-લય એટલાં બધાં સાદાં-સરળ છે કે સૂરાવલિ શબ્દો પર હાવી થઇ જતી નથી. તર્જ-લયની આ વિશેષતા દિલીપ કુમારને વધુ ગમી હતી.
સંગીત શબ્દો પર હાવિ ન થઇ જવું જોઇએ એવું દિલીપ કુમાર એ દિવસોમાં દ્રઢપણે માનતા હતા. એ પોતે પાત્રમાં એટલા ઊંડા ઊતરી જતા કે પછી અત્યંત ઘેરા ડિપ્રેશનનો ભોગ બની જતા. પરિણામે વિદેશમાં મનોચિકિત્સા લેવી પડેલી એ સૌ કોઇ જાણે છે.
કથાના નાયક માટે ગમગીની સ્થાયી ભાવ હોય એવી કથા ધરાવતી આ ફિલ્મમાં બે આનંદદાયક ગીતો પણ હતાં. ખાસ કરીને તમાશા તરીકે ઓળખાતાં લોકનૃત્યના વાદ્યવૃન્દમાંથી જેને લાવેલા એ લાલા ગંગાવણેને અહીં સારી તક મળી છે.
એમને ફરી એકવાર સ્કોપ મળે એવી એક રચના લાવણી તરીકે ઓળખાતા લોકસંગીત પર આધારિત હતી. એ ગીત એટલે 'દેખો આયા યે કૈસા જમાના, યે દુનિયા અજાયબ ખાના રે, દેખો આયા યે કૈસા જમાના....' આ ગીતમાં વાદ્યો પણ અસલ લાવણી નૃત્યનાં લીધાં છે. ઢોલકી, મંજિરા, ટુનટુની તરીકે ઓળખાતી એકતારી અને ડફ.
આ એક ડાન્સ ગીત છે. લાવણીની સરસ હવા સર્જાય એવાં તર્જ લય છે. ઔર એક હર્ષવર્ધક ગીત લાગે જબ સે નૈન લાગે... પણ ડાન્સ સોંગ છે અને ખેમટા તાલમાં નિબદ્ધ છે. લાવણી અને આ ગીત બંને ગીતો ઉષા કિરણ પર ફિલ્માવાયાં છે.
Comments
Post a Comment