યહ ગાના ગૌર સે સુનના, અભિનયસમ્રાટ દિલીપ કુમારે પોતાના માનીતા સંગીતકાર દોસ્તને આગ્રહ કર્યો !



'આજ ગાવત મન મેરો' નામે સંગીતકાર નૌશાદની સંગીત કારકિર્દીનાં આત્મકથનાત્મક સંભારણાં લખાતાં હતાં ત્યારની વાત છે. નૌશાદ પોતે અચ્છા વાર્તાકાર હતા એટલે દરેક પ્રસંગને રસપ્રદ રીતે કહેવાની એમને ફાવટ હતી. ક્યારેક બીજા સંગીતકાર અને ગીતોની પણ વાત કરે.

એક દિવસ કહે, તમે પત્રકાર છો. ક્યારેક લખવા કામ લાગે એવો એક પ્રસંગ કહું છું. આ પુસ્તકમાં લેવાનો નથી. નૌશાદ સાહેબે કહેલો એ પ્રસંગ એમના જ શબ્દોમાં પ્રથમ પુરુષ એકવચનમાં પ્રસ્તુત છે. 'દિલીપ કુમાર પોતે બહુશ્રુત અને વિદ્વાન માણસ છે. માનવજીવનના દરેક પાસાનો અભ્યાસી જીવ છે. ક્યારેય કોઇની બહુ મોકળા દિલે પ્રશંસા કરે નહીં. તમને તો ખ્યાલ હશે, એકવાર મેં (નૌશાદ સાહેબે) હોનહાર ગાયિકા તરીકે લતા મંગેશકરનો પરિચય કરાવ્યો ત્યારે દિલીપ કુમાર બોલી ઊઠેલા કે ઇન કે ગાને મેં દાલ ભાત કી બૂ આતી હૈ... લતાજીને બહુ ખરાબ લાગી ગયેલું. જો કે લતાજીએ ત્યારપછી ઊર્દૂ ભાષા પર ગજબનો કાબુ મેળવી લીધેલો...

'એવા મર્મી દિલીપ કુમારે એક રાત્રે મને ફોન કરીને કહ્યું, રાજ કપૂર જેમને લઇ આવ્યો છે એ બે યુવાન સંગીતકારોએ મારા માટે એક ગીત તૈયાર કર્યું છે.. એનું ઓરકેસ્ટ્રેશન ગજબનું છે... આપ ગૌર સે સુનિયેગા...' આટલું કહીને નૌશાદે રહસ્ય જમાવ્યું. કહે, તમે કલ્પી શકો છો, એ ગીત કયું હતું ?


પછી તેમણે પોતે ઉમેર્યું, અમિય ચક્રવર્તીની ફિલ્મ દાગનું એ ગીત એટલે તલતે ગાયેલું અય મેરે દિલ કહીં ઔર ચલ...

અહીં એક આડવાત. રાજ કપૂર અને દિલીપ કુમારને પહેલી અને  છેલ્લીવાર સાથે રજૂ કરતી મહેબૂબ ખાનની ફિલ્મ અંદાજ અને અમિય ચક્રવર્તીની દાગ બંને ફિલ્મો બહુ નજીક નજીકના સમયગાળામાં રજૂ થયેલી. અંદાજમાં દિલીપ માટે નૌશાદ સાહેબે મૂકેશનો કંઠ વાપરેલો.
અગાઉ નૌશાદે થોડીક ફિલ્મોમાં દિલીપ કુમાર માટે તલત મહેમૂદનો કંઠ વાપર્યો હતો. એ યાદ રાખીને દાગનાં ગીતોમાં શંકર જયકિસને દિલીપ કુમાર માટે તલતનો કંઠ વાપર્યો. અંદાજનાં ગીતો પણ સુપરહિટ હતાં. દિલીપ કુમારે દાગનું ગીત 'ધ્યાનથી' (ગૌર સૈ) સાંભળવાનું સૂચન નૌશાદને કર્યું એ સૂચક છે.
અય મેરે દિલ કહીં ના રેકોર્ડિંગ પ્રસંગે તલત મહેમૂદ વાદ્યવૃન્દ  સાથે
------------------------------------

દિલીપ કુમાર માટે શંકર જયકિસને રોક્ડી ત્રણ ફિલ્મોમાં સંગીત પીરસ્યું. એમાં દાગ પહેલી. યહૂદી બીજી અને શિકસ્ત ત્રીજી. દાગ ફિલ્મનું અય મેરે દિલ કહીં ઔર ચલ... ગીત ઘણી ખૂબી ધરાવે છે. એક તો આ ગીત જીવન ફિલસૂફીથી ભરપુર ગીતો આપનારા શૈલેન્દ્રનું સર્જન હતું.
બીજું, આ ગીત શંકર જયકિસનની લાડકી સદા સુહાગન રાગિણી ભૈરવીમાં હતું. (યોગાનુયોગે ભૈરવી નૌશાદની પણ માનીતી હતી.) અને ત્રીજી મહત્ત્વની ખૂબી ગીતનું ઓરકેસ્ટ્રેશન. ત્યાં એક નવું નામ શંકર જયકિસન  સાથે જોડાય છે. એ નામ એટલે સેબાસ્ટિયન ડિસોઝા.

આ ફિલ્મથી સેબાસ્ટિયન ડિસોઝા શંકર જયકિસનના આસિસ્ટન્ટ કમ મ્યુઝિક એરેંજર બન્યા. તમે ગીતને ધ્યાનથી સાંભળો. સ્ટાફ નોટેશનની ભાષામાં કહીએ તો ફોર બાય ફોર (4/4) એટલે કે આપણા કહેરવા તાલમાં ગીત નિબદ્ધ હતું. પરંતુ આખાય ગીતમાં ક્યાંય કોઇ લયવાદ્ય સંભળાતું નથી. સેબાસ્ટિયને અલબત્ત, મુખ્ય સંગીતકારોની સાથે મળીને વાદ્યો એ રીતે વગડાવ્યાં છે કે લયનો અહેસાસ આપોઆપ સાંભળનારને થઇ જાય.

સંગીતકાર નૌશાદની આત્મકથાના વિમોચન પ્રસંગે પાર્શ્વગાયક તલત મહેમૂદને આવકારતા લેખક અજિત પોપટ
--------------------------------------------------------------------------------------------------------------------

આ ગીતમાં વાયોલિન, મેંડોલીન અને એકોર્ડિયન-હાર્મોનિયમનો ગજબનો ઉપયોગ થયો છે. વી. (વિસ્તાસ્પ) બલસારા, કેરસી લોર્ડ એકોર્ડિયન અને પેરિસ સૂરના હાર્મોનિયમ પર હતા, ઘર આયા મેરા પરદેશીવાળા ડેવિડ મેંડોલીન પર હતા અને સેબાસ્ટિયનની આગેવાની હેઠળ વાયોલિન-સમૂહ હતો.

ઇન્ટ્રોનો ઉપાડ વાયોલિન સમૂહથી થાય છે. વચ્ચેથી એકોર્ડિયન તથા હાર્મોનિયમ ચોક્ક્સ લયમાં ઉપડે છે અને ઇન્ટ્રો પૂરો થાય છે મેંડોલીનના પીસથી. પછી ગીત શરૂ થાય છે. મુખડા પછી એજ પેટન્ટથી ઇન્ટરલ્યૂડ શરૂ થાય છે.

ગીતની સાથોસાથ મુખડામાં તેમજ અંતરામાં એકોર્ડિયન દ્વારા કાઉન્ટર મેલોડી ગૂંજે છે. તલત હેપ્પી અને સેડ એમ બે રીતે આ ગીત ગાય છે. એક સેડ વર્ઝન લતાજીના કંઠમાં છે. 

Comments