શમ્મી કપૂર કરતાં દેવ આનંદનાં ગીતોનો તરવરાટ અલગ પ્રકારનો અને એક કેફ જેવો સર્જાયો હતો...



આજે આવરદાના સાતમા કે આઠમા દાયકામાં જીવનસંધ્યા માણી રહ્યા હોય એવા સિનેરસિકોને જરૂર યાદ હશે. 1960ના દાયકાના આરંભે આવેલી ફિલ્મો લવ મેરેજ, જબ પ્યાર કિસી સે હોતા હૈ અને અસલી નકલીના સંગીતે એ સમયના યુવાનોને એક પ્રકારના નશામાં ઝૂમતા કરી દીધા હતા.

એ જાદુ શંકર જયકિસનનાં સંગીતનો હતો. આ બંનેએ પોતાની સર્જનકલાને એવી રીતે વળાંક આપ્યો હતો જાણે દેવ આનંદને એસ ડી બર્મનનું સંગીત ભૂલાવી દેવું હોય. આ શબ્દોમાં તમને અતિશયોક્તિ લાગે તો એ સત્યની અતિશયોક્તિ ગણી લેજો.

અહીં ઔર એક આડવાત. શમ્મી કપૂરના વ્યક્તિત્વ અને ડાન્સ શૈલીમાં ગજબનો તરવરાટ હતો એ વાત આપણે કરી ગયા. શમ્મી કપૂર અને દેવ આનંદની પર્સનાલિટી એકબીજાથી સાવ અલગ હતી.

આમ છતાં દેવ આનંદની આગળ ઢળતી-ઝૂકતી તાલના પણ લાખ્ખો દિવાના હતા. એક ખોડા દાંતના ખૂબીપૂર્વકના ઉપયોગ દ્વારા દેવ આનંદ મેગ્નેટિક (ચુંબકીય ) સ્મિત દ્વારા પ્રેક્ષકને આકર્ષી શકતો. શંકર જયકિસને દેવ આનંદના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવે એવી તર્જો તૈયાર કરી હતી. એક નાનકડો દાખલો આપું.


ફિલ્મ ગૂંજ ઊઠી શહનાઇ માટે સંગીતકાર વસંત દેસાઇએ રાગ બિહાગમાં આપેલું તેરે સૂર ઔર મેરે ગીત સાંભળો. ફિલ્મ કોહિનૂરનું સંગીતકાર નૌશાદે રાગ બિહાગમાં રચેલું ચલેંગે તીર જબ દિલ પર સાંભળો.

હવે અસલી નકલીમાં આ જ બિહાગ રાગમાં શંકર જયકિસને આપેલું તુઝે જીવન કી ડોર સે બાંધ લિયા હૈ.... ગીત સાંભળો. મુહમ્મદ રફી અને લતાજીએ ગાયેલું આ ગીત રોમાન્ટિક ડ્યુએટ હોવાની સાથોસાથ એમાં માધુર્ય અને પ્રેમી હૃદયના નાજુક સંવેદનોનો કેવો સ્પર્શ અનુભવાય છે ! દેવ આનંદે ભજવેલા પાત્ર માટે આ જ તર્જ હોઇ શકે એવો અહેસાસ થયા વિના રહેશે નહીં.

ખુદ દેવ આનંદે એ સમયે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહેલું કે શંકર જયકિસનનાં સંગીતે મને અનોખી તાજગીનો અહેસાસ કરાવ્યો. તો યહ બાત હૈ. કલાકારે ફિલ્મમાં જે પાત્ર રજૂ કર્યું હોય એને વધુ ઊઠાવદાર બનાવે એવું સંગીત પીરસવામાં શંકર જયકિસનનો જોટો જડવો મુશ્કેલ છે.

એની સાથે ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ....નું આ ગીત મૂકો- યે આંખે ઉફ્ફ યુમ્મા, યે સૂરત ઉફ્ફ યુમ્મા, પ્યાર ક્યૂં ન હોગા, યે અદાયેં ઉફ્ફ યુમ્મા... આ તર્જ આંખ બંધ કરીને સાંભળો તો શમ્મી કપૂર માટે પણ ફિટ થતી લાગે. દેવ આનંદને જે વિસ્મય થયું હતું એનું કારણ આવી તર્જો હતું.

ઉફ્ફ યુમ્મા સામે લવ મેરેજ ફિલ્મના આ ગીતને મૂકો. આમાં રોમાન્સની સાથોસાથ હળવાશ (રમૂજ ) પણ છે અને ક્રિકેટની ટર્મિનોલેાજી સાથે શૈલેન્દ્રે કરેલી કમાલ છે. પરદા પર દેવ આનંદ ડોન બ્રેડમેનની અદાથી બેટિંગ કરે છે ત્યારે એના ઓટોગ્રાફ માટે ધમાલ મચાવતા ચાહકોમાં હીરોઇન માલા સિંહા પણ છે.

હસરતે અક્ષરસઃ અહીં ચમત્કાર કર્યો છે. કદાચ પહેલીવાર હિન્દી ફિલ્મમાં હિંગ્લીશ (હિન્દી+ ઇંગ્લીશ ) ગીત આપ્યું. શી ને ખેલા હી સે આજ ક્રિકેટ, દિલ બેચારા એક નજર મેં હો ગયા એલબીડબલ્યુ... આ ગીતમાં ગીતકાર અને સંગીતકાર વચ્ચે પણ જાણે ક્રિકેટ રમાઇ રહી હતી. તમે અંતરાના શબ્દો સાંભળો અને એને માટે રચાયેલી તર્જ માણો તો છક થઇ જાઓ.

આવીજ હળવાશ અને છતાં થનગનાટ-સ્ફૂર્તિ અસલી નકલીના ગોરી જરા હંસ દે તુ હંસ દે તુ... ગીતમાં માણી શકાય છે.

ત્રણે ત્રણ ફિલ્મોનાં બદ્ધાં ગીતો હિટ હતાં અને આજે પણ એ સાંભળતાં દેવ આનંદે અનુભવેલી તાજગી કે એ દિવસોની યુવા પેઢીએ અનુભવેલો કેફ-નશો અનુભવી શકાય છે.

આ ત્રણ ફિલ્મો પછી શંકર જયકિસને છેક 1968માં દુનિયા અને કહીં ઔર ચલમાં દેવ આનંદ માટે સંગીત પીરસ્યું હતું. દુનિયાનાં ગીતો હિટ નીવડ્યાં હતાં. સમયને માન આપીને શંકર જયકિસને દેવ આનંદ માટે કિશોર કુમારનો કંઠ વાપર્યો હતો. આવતા સપ્તાહે અન્ય અભિનેતાનાં શંકર જયકિસનનાં ગીતોનો આસ્વાદ લઇશું.

Comments