દેવ આનંદ માટે અન્ય ફિલ્મોમાં પણ સદાબહાર સંગીત પીરસ્યું, છતાં નવકેતને કદી સાઇન ન કર્યાં




ગયા શુક્રવારે આપણે દેવ આનંદ માટે શંકર જયકિસને પીરસેલા સંગીતની વાતનો આરંભ કરેલો. આજે એ વાતને આગળ વધારીએ. ગયા સપ્તાહે ઇશારો કરેલો કે દેવ આનંદ હિટ સંગીતનો અનુભવ એસ ડી બર્મન સાથે કરી ચૂક્યા હતા એટલે શંકર જયકિસને  સુપરહિટ સંગીત પીરસ્યું છતાં દેવ આનંદે પોતાના બેનર તળે બનેલી ફિલ્મોમાં કદી શંકર જયકિસનને તક ન આપી.

અલબત્ત, એમ તો હમ દોનોમાં સુપરહિટ સંગીત આપવા છતાં દેવ આનંદે (એસ ડી બર્મનના સહાયક તરીકે કામ કરી ચૂકેલા) જયદેવને વચન આપ્યું હોવા છતાં કદી બીજી ફિલ્મ આપી નહોતી.

ખેર, આપણે અહીં આગળ વધીએ. પતિતા પછી દેવ આનંદ માટે શંકર જયકિસને ફિલ્મ લવ મેરેજ, જબ પ્યાર કિસી સે હોતા હૈ અને અસલી નકલી જેવી કેટલીક ફિલ્મોમાં ખરા અર્થમાં સુપરહિટ સંગીત પીરસ્યું. દેવ આનંદની અભિનય કારકિર્દીને પણ એથી જબરો બૂસ્ટ મળ્યો એ હકીકત સ્વીકારવી રહી.


લવ મેરેજના એક ગીતની વાત આપણે કરેલી. રાગ કીરવાણીમાં સ્વરબદ્ધ ગીત કહે ઝૂમ ઝૂમ રાત યે દિવાની...ની વાત આપણે કરી ગયા. આમ તો આ ફિલ્મનાં તમામ ગીતો હિટ હતાં પરંતુ મારે અહીં શંકર જયકિસનની એવરગ્રીન ભૈરવી પર આધારિત ગીતની વાત ખાસ કરવી છે.

લવ મેરેજનું એ ગીત એટલે અફલાતુન રોમાન્ટિક ડ્યુએટ. અહીં શંકર જયકિસને દેવ આનંદ માટે મુહમ્મદ રફીનેા કંઠ પસંદ કર્યો છે. સાથે લતાજી છે. એ ગીતમાં પ્રકૃતિને સંબોધીને પ્રેમની વાત કરી છે. સ્વરગૂંથણી એવી અદ્ભુત છે કે રાગરાગિણી નહીં જાણતો સિનેરસિક પણ ડોલવા માંડે.

એ ગીત એટલે આ- 'ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં, કહીં ઢલ ના જાયે રાત તૂટ ન જાયે સપને...' અહીં એક દિવ્ય કલ્પના કરી છે. પ્રિયજન સાથે હોય ત્યારે સમય ઝડપથી વીતી જતો લાગતો હોય છે એટલે ચાંદને કરેલા સંબોધનમાં ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં... શબ્દો રિપિટ કર્યા છે. પ્રણયનો ઉન્માદ આ રીતે વ્યક્ત કર્યો છે. મિલનની પળ વીતી ન જાય એની વીનવણી છે. રાત વીતી જાય તો સપનાં વિખેરાઇ જાય. સપનાં તો રાત્રે જ આવે ને !


કેટલાક વિદ્વાનો રફીના કંઠે ગવાયેલા ટીન કનસ્તર પીટ પીટ કર ગલા ફાડ કર ચીલ્લાના.. ગીત માટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે એ ઓ પી નય્યરને જવાબ આપવા માટે રચાયેલું આ ગીત હતું. એ વિવાદ વિશે ફરી ક્યારેક વિગતે વાત કરીશું.

આજે વાત આગળ વધારીએ. જબ પ્યાર કિસી સે હોતા હૈ.. ફિલ્મમાં ઠીક ઠીક લાંબા છંદમાં હસરત જયપુરીએ એક રોમાન્ટિક ગીત આપ્યું. પરંતુ તમે તર્જ સાંભળો તો સંગીતકારોએ જે રીતે એને ન્યાય આપ્યો છે એ સાંભળીને આફ્રીન થઇ જવાય.

ફિલ્મ સંગીતકારોના માનીતા રાગ પહાડીની ઝલક ધરાવતું એ ગીત એટલે સૌ સાલ પહલે મુઝે તુમ સે પ્યાર થા, આજ ભી હૈ, ઔર કલ ભી રહેગા, સદિયોં સે તુઝ સે મિલને જિયા બેકરાર થા, આજ ભી હૈ ઔર કલ ભી રહેગા... ગીત સીધા સાદા કહેરવા તાલમાં સાંભળનારને પોતાની સાથે ઓતપ્રોત કરી દે છે. હિમાલય પરથી ઝંઝાવાતી સ્પીડે ધસી આવતી ભાગીરથી ગંગા મેદાની પ્રદેશમાં જે રીતે શાંત-સૌમ્ય રીતે વહે છે એ રીતે આ ગીતની સૂરાવલિ વહેતી હોવાનો અહેસાસ કરાવે છે.

એવીજ ઔર એક પહાડી ધૂન ટાઇટલ ગીતમાં છે. અહીં લય ઝડપી છે.  જિયા હો જિયા હો જિયા કુછ બોલ દો, અરે ઓ, દિલ કા પરદા ખોલ દો...અહીં પણ તમે ગીતના છંદનો વિચાર કરો તો આગલા ગીત જેવીજ ઇફેક્ટ વર્તાશે. બંને ગીતો રફીના કંઠમાં છે.

બાય ધ વે, દેવ આનંદ અને શંકર જયકિસન સાથે નાસિર હુસૈને કરેલી આ એકમાત્ર ફિલ્મ હતી. બાકી નાસિર હુસૈન શમ્મી કપૂરને હીરો તરીકે વધુ પસંદ કરતા. (આવતા શુક્રવારે દેવ આનંદનાં ગીતોની વાત પૂરી કરીશું.)

Comments