અગાઉ હિટ સંગીતનો અનુભવ મેળવી ચૂકેલા દેવ આનંદને શંકર જયકિસને આશ્ચર્યનો આંચકો આપ્યો....



'આય હેડ ઓલરેડી ટેસ્ટેડ સ્વીટ ફ્રૂટ્સ ઓફ હિટ મ્યુઝિક ઇન ધ પાસ્ટ વ્હેન આય સાઇન્ડ અમિયા ચક્રવર્તીઝ પતિતા...' મુલાકાતની શરૂઆતમાં જ દેવ આનંદ બોલી ઊઠ્યા હતા. (અમિયા ચક્રવર્તીની ફિલ્મ પતિતા કરી એ પહેલાં હું હિટ સંગીતનો સ્વાદ માણી ચૂક્યો હતો.) ગુરૂ દત્ત નિર્દેશિત બે ફિલ્મો બાજી (1951) અને જાલમાં એસ ડી બર્મને સંગીત પીરસ્યું હતું અને એ હિટ સાબિત થયું હતું.

પછી દેવ આનંદે કહ્યું કે હકીકતમાં એ દિવસોમાં નિર્માતા નિર્દેશક કેપ્ટન હતા, સ્ટાર સિસ્ટમ હજુ આવી નહોતી અને હું પણ અભિનેતા તરીકે ઘડાઇ રહ્યો હતો. શંકર જયકિસને મારા દોસ્ત રાજ કપૂરની ફિલ્મોમાં સ્ફૂર્તિદાયક સંગીત પીરસીને નવી હવા સર્જી હતી. પતિતામાં આ બંને શું કરે છે એ જોવા જાણવાની ઇંતેજારી મને હતી.

દેવ આનંદ સાથે પણ શંકર જયકિસને થોડીક ફિલ્મો કરી. આ બંને સંગીતકારોએ લગભગ સાઠ-બાસઠ ગીતો દેવ આનંદ માટે રચ્યાં એમ કહી શકાય. આવી મોટા ભાગની ફિલ્મોમાં દેવ આનંદે હીરો તરીકે મુખ્ય ભૂમિકા કરેલી. આ ફિલ્મો અન્ય બેનર્સની હતી અને એમાં ખુદ દેવ આનંદે કહ્યું એમ એ યુગ નિર્માતા-નિર્દેશકોનો હતો.

ફિલ્મ સર્જકે જે સંગીતકાર પસંદ કર્યા હોય એ કલાકારોએ સ્વીકારવાના રહેતા. જો કે અગાઉ કહેલું એમ શંકર જયકિસને દેવ આનંદને સંપૂર્ણ સંતોષ થાય એવું સંગીત પીરસ્યું હતું. દેવ આનંદ અને શંકર જયકિસન સર્વપ્રથમ ફિલ્મ પતિતામાં સાથે થયા.

1953માં આવેલી ફિલ્મ પતિતામાં અમીર-ગરીબ વચ્ચે પાંગરતા પ્રેમની અને સંજોગોની મારી બળાત્કારનો શિકાર બની ગયેલી યુવતીની કથા હતી. દેવ આનંદ અને ઉષા કિરણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનાં બઘાં ગીતો સરસ હતાં પરંતુ સૌથી યાદગાર ગીતો પૂરતી વાત મર્યાદિત રાખીએ તો ત્રણ ગીતો આજેય સંગીત રસિકોને આકર્ષતાં રહ્યાં છે.


શંકર જયકિસનનો જાદુઇ ભૈરવી અહીં એક અદ્ભુત પ્રણયગીતમાં માણવા મળે છે. ગરીબ ઘરની યુવતીને જ્યારે અનાયાસે સહાય મળે છે અને જીવનમાં પહેલીવાર પ્યારનો અહેસાસ થાય છે ત્યારે કેવો શબ્દાતીત આનંદ અનુભવે છે એ હસરત જયપુરીએ લખેલા ગીતમાં અનુભવાય છે.  એ ગીત એટલે યાદ કિયા દિલ ને કહાં હો તુમ...

આ લેખક જે ગીતને ફિલ્મનુ બેસ્ટ ગીત માને છે એ ગીત એટલે લતાજીના કંઠે રજૂ થયેલું 'કિસી ને અપના બના કે મુઝ કો મુસ્કુરાના સીખા દિયા, અંધેરે ઘર મેં કિલ્સીમનુને હંસ કે ચિરાગ જૈસે જલા દિયા....' આ ગીતનું ઓરકેસ્ટ્રેશન જાણ્યે અજાણ્યે ઘર આયા મેરા પરદેશી.. ગીમત યાદ કરાવી દે એવું હતું.

ખાસ કરીને એમાં લાલા ગંગાવણે અને દત્તારામે ઢોલકી-ઢોલક પર જે લચકદાર કહેરવો વગાડ્યો એ સાંભળનાર પર ભૈરવીની બંદિશ સાથે ગજબના કામણ કરે છે. શૈલેન્દ્રે રચેલા પ્રેમના નાજુક શબ્દોને સંગીતકારોએ રમતિયાળ તર્જ વડે જીવંત  કર્યા હતા.

રાગ પહાડીની ઝલક દર્શાવતું એક રોમાન્ટિક ડ્યુએટ પણ બેમિસાલ બની રહ્યું. અહીં શંકર જયકિસને એસ ડી બર્મનનો (ફિલ્મ બાજી અને જાલ)નો પ્રયોગ અજમાવી લીધો. દેવ આનંદ માટે હેમંત કુમારનો કંઠ વાપર્યો હતો. હેમંતદા અને લતાજીએ ગાયેલું એ સદાબહાર ગીત આ રહ્યું, 'યાદ કિયા દિલને કહાં હો તુમ, ઝૂમતી બહાર હૈ કહાં હો તુમ, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ...'

તર્જમાં પ્યાર સે પુકાર લો જહાં હો તુમ શબ્દોનું પુનરાવર્તન પ્રણયભાવનાને સઘન બનાવે છે. આ બંને ગીતો રસિકોને સ્વરનો કેફ અનુભવાવે એવાં બન્યાં છે.


તો એક ગીત મજબૂર માનવીના મનોભાવને વ્યક્ત કરે છે. 'અંધે જહાં કે અંધે રાસ્તે જાયેં તો જાયેં કહાં...' તલત મહેમૂદે ગાયેલું આ ગીત મજબૂરીથી દેહના સોદા કરતી વેશ્યાની કૂખે જન્મેલા પાત્ર (અભિનેતા આગા) પર ફિલ્માવાયું છે. આ પાત્ર બળાત્કારનો ભોગ બનીને આપઘાત કરવા જતી નાયિકા (ઉષા કિરણ)ને બચાવી લઇને આશ્રય આપે છે.

ગીતકાર શૈલેન્દ્રે અહીં પરમાત્માને સંબોધીને પાત્રની દુર્દશા રજૂ કરી છે. 'દુનિયા તો દુનિયા, તૂ ભી પરાયા, હમ યહાં ના વહાં...' આ ગીતની દરેક પંક્તિમાં દીન-દુઃખીના દિલનો પોકાર અનુભવાય છે.


એવુંજ ઔર એક અદ્ભુત ગીત તલતના કંઠે રજૂ થયું છે. એની વાત આપણે અગાઉ કરેલી. ઇંગ્લીશ કવિ શેલીના અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોસ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ થોટ.... અહીં એનું સચોટ પુનઃસર્જન શૈલેન્દ્રે કર્યું છે. 'હૈ સબ સે મધુર વો ગીત જિન્હેં હમ દર્દ કે સૂર મેં ગાતે હૈં...' દેવ આનંદે વાતવાતમાં પરોક્ષ રીતે સ્વીકારેલું કે પતિતાનું સંગીત મારા માટે વિસ્મયજનક આનંદદાયી સાબિત થયું હતું.


Comments