સંગીતની સમજ, ડાન્સની આગવી છટા અને ફિલ્માંકનની સૂઝ શમ્મી કપૂરનાં ગીતોને યાદગાર બનાવી શકી



છેલ્લા બે એપિસોડથી આપણે શમ્મી કપૂર અને શંકર જયકિસન વિશે વાત કરી રહ્યા હતા. વચ્ચે ડી.ઓ ભણસાલીને શ્રદ્ધાંજલિ પણ અપાઇ ગઇ. દેશી-વિદેશી સંગીતની આગવી સમજ, ડાન્સની પોતાની વિશિષ્ટ છટા અને ફિલ્મની કથાને પૂરક નીવડે એ રીતે ફિલ્માંકન કરાવવાની આપબળે કેળવેલી સૂઝના પગલે શમ્મી કપૂરનાં શંકર જયકિસને સ્વરબદ્ધ કરેલાં ગીતો યાદગાર બની રહ્યાં.

ઉટાંગપટાંગ જેવાં નામ ધરાવતી ફિલ્મો પણ મધમીઠી તર્જો અને સાંભળતાં સાંભળતાં પગના ઠેકા આપવાનું મન થાય એવા લયના કારણે આગવી છાપ પાડી ગયાં. દિલીપ કુમાર, સગ્ગા મોટાભાઇ રાજ કપૂર અને દેવ આનંદ જેવા ત્રણ ત્રણ દિગ્ગજો વચ્ચે પણ શમ્મી કપૂર અભિનેતા તરીકે કાઠું કાઢી શક્યો એમાં શંકર જયકિસનના સંગીતનો ફાળો અમૂલ્ય હતો.

આ હકીકત શમ્મી કપૂરે એક કરતાં વધુ ઇન્ટરવ્યૂમાં સ્વીકારી હતી. આપણે દરેક કલાકારનાં ગીતસંગીતની ઝલક માણવાની હોવાથી આજના છેલ્લા એપિસોડમાં શમ્મી કપૂરની બાકીની ફિલ્મોના સંગીતની ઊડતી ઝલક માણીને સ્વરયાત્રા આગળ વધારીએ.



ફિલ્મની કથામાં પોતાને ડાન્સ કરવાનો સ્કોપ હોય કે ન હોય, પોતાનાં ગીતો સિનેરસિકો ગણગણતા થઇ જાય એટલી કાળજી શમ્મી કપૂર સદૈવ રાખતો. એન ઇવનિંગ ઇન પેરિસ વખતે રાજ કપૂરે જયકિસનને હળવા સૂરે ટકોર કરેલી કે શમ્મી કપૂર ગીત સંગીતની બાબતમાં મારી સાથે કોમ્પિટિશન કરે છે કે શું ?

જયકિસને હસીને વાત ટાળી નાખી. હકીકતમાં શમ્મી કપૂર પોતે જ્યારે જ્યાં તક મળે ત્યારે શંકર જયકિસનની એક અને અજોડ ભૈરવીમાં એકાદ ગીત રાખવાનો આગ્રહ સેવતો. એમ કરવામાં એના મનમાં ભલે રાજ કપૂર સાથેની સ્પર્ધાનો ભાવ નહીં હોય, પરંતુ એનાં ભૈરવી આધારિત ગીતો પણ હિટ સાબિત થતાં હતાં.

માત્ર બે ગીતને લઇએ. દિલ તેરા દિવાના અને એન ઇવનિંગ ઇન પેરિસનું ટાઇટલ ગીત સાંભળો. એમાં શંકર જયકિસનની ભૈરવી ઉપરાંત શમ્મી કપૂરની ડાન્સ સ્ટાઇલનો સુભગ સમન્વય માણી શકાય છે.



એ જ રીતે શક્ય હોય ત્યાં એકાદ રાગ આધારિત ગીત અને એકાદ પાશ્ચાત્ય શૈલીનું ગીત પણ ઉમેરાઇ જાય એવો આગ્રહ શમ્મી કપૂર સેવતો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે શંકર જયકિસનની સર્જન પ્રતિભાનો શક્ય તેટલો વધુ કસ શમ્મી કપૂર સૌજન્યતાપૂર્વક કાઢતો.
એકાદ બે દાખલા જોવા હોય તો આ રહ્યા- ફિલ્મ જાનવરમાં સુમન કલ્યાણપુર પાસે ગવડાવાયેલું ગીત મેરે સંગ ગા, ગુનગુના, કોઇ ગીત સુહાના... રાગ રાગેશ્રી પર આધારિત હતું. તો આ જ ફિલ્મમાં મુહમ્મદ રફીએ ગાયેલું મેરી મુહબ્બત જવાં રહેગી, સદા રહી હૈ, સદા રહેગી રાગ શુદ્ધ કલ્યાણ પર આધારિત હતું.  અગાઉ આપણે વાત કરેલી કે ફિલ્મ બ્રહ્મચારીનું રફીએ ગાયેલું ગીત દિલ કે ઝરોખે મેં તુઝ કો બિઠાકર... ગીત રાગ શિવરંજની પર આધારિત હતું.

સામી બાજુ આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર... (બ્રહ્મચારી) અને ધડકને લગતા હૈ મેરા દિલ તેરે સામને, ઐસા લગતા હૈ કિ અબ હમ ગયે કામ સે... જેવાં ગીતોમાં પૂર્વ-પશ્ચિમના ફ્યૂઝન જેવા પ્રયોગો પણ થયા. ફિલ્મ સર્જક અથવા- અને ફિલ્મનો હીરો સંગીતની સમજ ધરાવતો હોય ત્યારે કેવું યાદગાર સર્જન થાય છે એના ઉત્તમ દાખલાઓમાં શમ્મી કપૂરને પણ મૂકવો પડે.



અગાઉ કહેલું કે એના ગમગીન (સેડ) ગીતોમાં પણ એક અલગ છટા અનુભવાતી. દેવ આનંદ કે ધર્મેન્દ્રને તમે રડતાં જુઓ તો તમે મલકી ઊઠો એવા વરવા લાગે. શમ્મી કપૂર માટે એવું કહી શકાય નહીં. એના સેડ ગીતોમાં પણ એક અલગ આભા રહેતી. જેમ કે તુમ મુઝે યું ભૂલા ન પાઓગે...(ફિલ્મ પગલા કહીં કા). આમ અલ્લ્ડ, બળવાખોર અને ડાન્સીંગ નાયક કહો કે વર્સેટાઇલ અભિનેતા કહો, શમ્મી કપૂર દરેક પાત્રમાં છવાઇ જતો.

એની કોઇ ફિલ્મ સુપરહિટ નહીં નીવડી હોય અથવા બોક્સઓફિસ છલકાવી નહીં શકી હોય, પણ એનું પોતાનું પાત્ર અને શંકર જયકિસનનાં સંગીતને દસમાંથી દસ માર્ક આપવા પડે એવી આ ત્રિપુટી (શમ્મી કપૂર, શંકર અને જયકિસન) હતી.

આવતા શુક્રવારથી શંકર  જયકિસન અને અન્ય અભિનેતાનાં ગીતસંગીતની વાત શરૂ કરીશું. મંજિલ દુર છે, સંભારણાં ઘણાં છે એટલે દરેક કલાકારની માત્ર ઝલક મેળવીને સંતોષ માનવો પડશે.

Comments