'આવા સમર્પિત કલાકાર માટે નીત નવીન કરવાની પ્રેરણા મળે કે નહીં, તમે જ કહો....'




શાસ્ત્રીય સંગીત હોય કે લોકસંગીત, નાટ્ય સંગીત હોય કે પાશ્ચાત્ય સંગીત, સંગીતના સમકાલીન પ્રવાહોથી શમ્મી કપૂર સતત વાકેફ રહેતો. એનેા એક સચોટ દાખલો અનાયાસે હાથ લાગી ગયો. તમારી સાથે વહેંચું છું. ફિલ્મ તીસરી મંજિલનું સંગીત આર. ડી. બર્મનને મળ્યું, એ પછી શમ્મી કપૂર સાથે આરડીની બેઠક મળી. આરડીએ 'દિવાના મુઝ સા નહીં...' ગીતના મુખડાનું પહેલું અર્ધું ચરણ ગાયું- 'દિવાના મુઝ સા નહીં...'

તરત શમ્મી કપૂરે પંચમને હાથના ઇશારે અટકાવ્યો. પંચમે જે નેપાળી લોકગીત પરથી તર્જ બાંધી હતી એ લોકગીતનું મુખડું શમ્મી કપૂરે પોતે ગાયું અને પંચમને કહ્યું કે આ નેપાળી લોકગીત મને આખું આવડે છે. આ રહેવા દે. આ ગીતની બીજી કોઇ તર્જ તારી પાસે તૈયાર હોય તો મને સંભળાવ. પંચમ સ્તબ્ધ થઇ ગયા. પંચમની બાયોગ્રાફીના પુસ્તકમાં આ ઘટના નોંધાયેલી છે. (પુસ્તકનું નામ આર. ડી. બર્મન- ધ મેન એન્ડ ધ મ્યુઝિક. લેખકો- અનિરુદ્ધ ભટ્ટાચાર્જી અને બાલાજી વિટ્ટલ પૃષ્ઠ-47).

પોતાના કામને સતત સમર્પિત આવા કલાકાર માટે સંગીત તૈયાર કરતી વખતે સંગીતકારે કેટલા બધા સાવધ અને જાગ્રત રહેવું પડે એની કલ્પના કરો. જયકિસને એક ઇન્ટરવ્યૂમાં કહેલું, 'અમે શમ્મી કપૂરના દરેક ગીતની સિચ્યુએશન સમજી લઇને ત્રણથી ચાર તર્જો બનાવતા. એ પસંદ ન કરે એ તર્જ પણ અમે અમારી મ્યુઝિક બેંકમાં સાચવી રાખતા. એ તર્જ ક્યારેક શમ્મી કપૂરની જ બીજી કોઇ ફિલ્મમાં કામ લાગી જતી.



જંગલી પછી શમ્મી કપૂરની પ્રોફેસર ફિલ્મ આવી. આ ફિલ્મની કથા એવી હતી કે શમ્મી કપૂરને ઊછળકૂદ કે ડાન્સ કરવાની તક જવલ્લેજ મળે. પોતાની પુત્રીઓને ભણાવવા માટે સરમુખત્યાર જેવી એક પ્રૌઢ મહિલા (લલિતા પવાર)ને મોટી વયના અધ્યાપકની જરૂર છે.
કામ શોધી રહેલો બેકાર શમ્મી કપૂર સફેદ વાળની વીગ અને દાઢીમૂછ પહેરીને વૃદ્ધ જેવા ગેટપમાં આવે છે. એક પુત્રી (કલ્પના) યુવાન શમ્મીના પ્રેમમાં પડી જાય છે. પરંતુ પછી કથામાં એવો વળાંક આવે છે કે વિધવા પ્રૌઢ મહિલા પોતે પુત્રીઓના 'વયસ્ક' (પન અભિપ્રેત છે) અધ્યાપકના એકપક્ષી પ્રેમમાં પડી જાય છે.

આ ફિલ્મમાં છ ગીતો હતાં. એમાં શમ્મી કપૂર એટલે કે મુહમ્મદ રફીને બે સોલો મળેલા. પ્રિયપાત્રોનાં મીઠ્ઠાં રીસામણાં-મનામણાંની વાત આપણે અગાઉ કરેલી. એવું એક ગીત અહીં રફીના કંઠમાં છે- 'ખુલી પલક મેં જૂઠા ગુસ્સા, બંધ પલક મેં પ્યાર, જીના ભી મુશ્કિલ હાય, મરના ભી મુશ્કિલ...આંખોં મેં ઇકરાર કી ઝલકી, હોટોં પે ઇનકાર જીના ભી મુશ્કિલ હાય મરના ભી મુશ્કિલ...' આ ગીતમાં ખરેખર તો રફીનો સ્વરલગાવ માણવાનો છે.

જે હલકથી રફી 'જીના ભી મુશ્કિલ હાય, મરના ભી મુશ્કિલ..' ગાય છે એ અદાયગી કાબિલ-એ-દાદ છે. રાગ પહાડીની ઝલક ધરાવતું આ ગીત સાંભળો તો તર્જ પરથી ખ્યાલ આવી જાય કે શમ્મી કપૂર માટે બન્યું છે. ક્યારેક એવું લાગે કે રફીએ શમ્મી કપૂરના વ્યક્તિત્વ અને પાત્રને જીવંત કરવાની શમ્મી કપૂરની શૈલીને પૂરેપૂરી આત્મસાત કરી લીધી છે.

આ સોલો જેવીજ હળવી તર્જ રફીના બીજા સોલોની છે. એ સોલો એટલે 'અય ગુલબદન, ફૂલોં કી મહક કાંટોં કી ચુભન, તુઝે દેખ કે કહતા હૈ મેરા મન કહીં આજ કિસી સે મુહબ્બત ના હો જાયે
...'

શાસ્ત્રીય બંદિશની વાત કરીએ તો આ ફિલ્મમાં શંકર જયકિસને પોતાના લાડકા શિવરંજની રાગમાં એક સરસ ડ્યુએટ આપ્યું છે. લતાજી અને રફીએ ગાયેલુ્ં એ સદાબહાર ગીત એટલે 'આવાઝ દે કે, હમેં તુમ બુલાઓ, મુહબ્બત મેં ઇતના, ન હમ કો સતાઓ....' દસ માત્રાના ઝપતાલમાં આ ગીત સાથે જે કર્ણમધુર વાદ્યવૃન્દ (ખાસ કરીને સેક્સોફોનના પીસ) અને કાઉન્ટર મેલોડી સેબાસ્ટિયને સર્જી છે એ અદ્ભુત છે.



શાસ્ત્રીય સંગીત નહીં જાણતા સિનેરસિકો પણ આ ગીત સાંભળીને થોડીવાર માટે તો સ્થળકાળનું ભાન ભૂલી જાય એવી આ તર્જ છે. આ સર્જન સો એ સો ટકા શંકર જયકિસનનું છે.
યાદ રહે કે આ તર્જમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, સીધી કે આડકતરી રીતે રાજ કપૂર ક્યાંય નથી.
એક ઇન્ટરવ્યૂમાં શમ્મી કપૂરે કહેલું, આ ગીત માટે ત્રણેક તર્જ શંકર જયકિસને તૈયાર કરી હતી. આ તર્જ સાંભળ્યા પછી મને એમ લાગ્યું કે સૌથી સારી તર્જ આ છે. પરમાત્માની મહેરબાનીથી મારું અનુમાન સાચું ઠર્યુ. આ ગીત હિટ નીવડ્યું. આજે પણ સંગીત રસિકો એને ઉમળકાભેર યાદ કરે છે. (ક્રમશઃ)

Comments