લગભગ નેવું વર્ષની ઉંમર હશે એમની. આયુર્વેદના ઊંડા અભ્યાસીને કંઠે સાંભળેલી આ ઉખાણું કે સમસ્યા છે. 'ખાય તેનો ખૂણો, સૂંઘે તેનાં કપડાં અને પીએ તેનું ઘર, ઇ ત્રણે બરાબર,' કહો જોઇએ શું ? એવી જ સરળ છતાં રસપ્રદ શૈલીમાં દાદા કહે, 'આ વ્યસન હોય એ કદી ઘરડો ન થાય કે કદી એને ઘેર ખાતર ન પડે, બોલો !' આ અને આવા બીજા ટુચકાઓનો સીધો ને સટ જવાબ છે- તમાકુ.
તમાકુ ખાનાર વ્યક્તિને તમે જુઓ તો એને થૂંકવા માટે ખૂણો જોઇએ. (એક રસપ્રદ કપલેટ એવું પણ સાંભળ્યું છે- 'છેલ વ્યસન છીંકણી ને રાજા વ્યસન હુક્કો, ગાંડું વ્યસન તમાકુ તમે જ્યાં ત્યાં થૂંકો...' ) તપખીર રૂપે સૂંઘતી વ્યક્તિના શર્ટના કોલર પર તમને તપખીરના ડાઘ દેખાય અને બીડી કે સિગારેટ રૂપે પીનાર ઓરડામાં જ્યાં ત્યાં ચપટી વગાડીને રાખ ખંખેરે.
પચાસ સાઠ વર્ષ પહેલાં સાદી તમાકુ અને ચૂનો મસળીને નીચલા હોઠ તળે ભરાવવાની પરંપરા હતી. પછી આવ્યા સુગંધી તમાકુના ગૂટકા.
અને હા. આ બંધાણી ઘરડો કેમ ન થાય ? એને ત્યાં ચોર કેમ ન આવે ? તો કહે, એ ઘરડો થાય એ પહેલાં એની છબીને ફૂલહાર ચડી જાય. એ વૈકુંઠવાસી થઇ જાય અથવા એને મોડી રાત સુધી સતત ખાંસતો સાંભળીને ચોરને એમ થાય કે આ તો હાળો હજુ જાગે છે, હાથ સાફ કરવા જતાં પકડાઇ જવાશે. એટલે એને ત્યાં ચોરી ન થાય.
છેલ્લા થોડા દિવસથી તમે અખબારો નિયમિત જોતાં હો તો પાન-તમાકુના પાર્લર પર સેંકડો માણસોની લાં..બી લાઇનના ફોટોગ્રાફ્સ જોયા હશે. એ બધા તમાકુની તલપના માર્યા લાઇનમાં ઊભા હતા.
માત્ર ભારતની વાત નથી, દુનિયાભરના દેશોમાં તમાકુની લોબી કદાચ સૌથી વધુ પાવરફૂલ રહી છે. અબજો રૂપિયાનું આંધણ આ લોકો જાહેરખબર પાછળ કરે છે. રૂપેરી પરદાના સુપરસ્ટાર્સ કને પબ્લિસિટી કરાવે છે. દાખડો એવો થાય છે કે અમુક તમુક સિગારેટ પીનાર 'મર્દ' જેવો દેખાય છે.
ગુજરાતી ભાષામાં એક સરસ રૂઢિપ્રયોગ છે- 'વાર્યા ન વળે એ હાર્યા વળે...' કોરોના વાઇરસના પગલે લોકડાઉન થતાં સૌથી વધુ બેચેની-અજંપો તમાકુના બંધાણીઓને થયો. તમાકુની એક પડીકી માટે વીસથી પચીસ રૂપિયા ખર્ચવા અનેક બંધાણી તૈયાર હતા. વ્હોટ્સ એપ પર એક રમૂજી સંદેશો વહેતો થયો હતો કે અમુક તમુક બ્રાન્ડનો ગૂટકો આપો તો એેક વર્ષના લોકડાઉન માટે અમે તૈયાર છીએ.
મોઢાના કેન્સરના સૌથી વધુ કેસ કદાચ ગુજરાતમાં થાય છે એવો એક અહેવાલ વચ્ચે પ્રગટ થયો હતો. લગભગ દરેક બંધાણી પોતાનો ઉલ્લેખ બહુવચનમાં કરીને છાતી ઠોકીને કહેતો હોય છે કે 'એવું બધું આપણને નો થાય હોં...' છતાં હકીકત એ છે કે પંદરથી પાંત્રીસ વર્ષના અસંખ્ય યુવાનો કેન્સરનો શિકાર બન્યા છે અને હજુય બની રહ્યા છે.
કોરોનાએ સર્જેલા લોકડાઉનનો સૌથી મોટો લાભ એ પણ થયો કે બેથી પાંચ ટકા લોકોનું તમાકુનું બંધાણ છૂટી ગયું. બાકી કેન્સર કે કોરોના, એક પણ ચેપ (ઇન્ફેક્શન- સંક્રમણ) તમાકુને હંફાવી શકે એમ નથી. શરાબ છોડવા માગતા લોકોને આલ્કોહોલિક એનોનિમસ જેવી સંસ્થાઓ મદદ કરે છે. તમાકુ છોડાવવા એવા પ્રયાસો થતા હોવાનું સાંભળ્યું નથી.
સરકાર લાખ વાના કરે, અનેક કાયદા ઘડે. લોકો પેાતે જાગૃત ન થાય, લોકો પેાતે ન સમજે ત્યાં સુધી કાયદા જખ મારે. ગરીબ માણસ બે પૈસાની ખાખી બીડી પીવે તો શ્રીમંત વ્યક્તિ પાંચસો પંચાવન (પપપ) છાપ સિગારેટ ફૂંકે. બંનેના આરોગ્યને તો નુકસાન તો સરખું જ છે. સમજુને ઇશારો ને ગધેડાને ડફણાં... થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો બાપલા !
Comments
Post a Comment