જો એ યુવાન કુસ્તીબાજ પહેલવાન કે બેરિસ્ટર થયો હોત તો આપણને બહુ મોટી ખોટ પડી હોત !



 મુંબઇના વિલે  પારલે ઉપનગરમાં જુહુ સ્કીમ રોડનંબર છ પર જ્યાં ચિત્રલેખાના જગમશૂહર નવલકથાકાર તંત્રી હરકિસન મહેતા રહેતા એના બીજા છેડે આનંદન બંગલામાં મન્ના ડે રહેતા ત્યારે લેખક દંપતીને મન્ના ડેનો ઇન્ટરવ્યૂ કરવાની તક મળી હતી. લગભગ 45થી પચાસ વર્ષ પહેલાંની એ યાદગાર તસવીર.
-------------------------------------------------------------------------------------------------------------------------


     એ દિવસોમાં પશ્ચિમ બંગાળ ફક્ત  બેંગાલ સ્ટેટ તરીકે ઓળખાતું. લગભગ 1935-36ની આસપાસની વાત છે. રાજ્યમાં અખિલ બેંગાલ કુસ્તી ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઇ હતી. આ એ સમયની વાત છે જ્યારે આજનો બાંગ્લા દેશ પણ બંગાળ રાજ્યનો એક અવિભાજ્ય હિસ્સો હતો. સમગ્ર રાજ્યના ખૂણે ખૂણેથી યુવાન પ્રતિભાઓ કલકત્તા આવવા નીકળી હતી.

એવો એક યુવાન કલકત્તાનો પણ હતો. સતત મેદાની રમતો અને અનુભવી કુસ્તીગુરુના અખાડાનો એ ટોચનો કુસ્તીબાજ હતો. સ્પર્ધા શરૂ થઇ. એ યુવાન જોતજોતાંમાં સેમી ફાઇનલ સુધી પહોંચી ગયો. એના ગુરુના આનંદનો પાર નહોતો. હવે ફાઇનલ જીતે એટલે પોતાનો આ શષ્ય રાજ્યનો સર્વોત્તમ કુસ્તીબાજ બની જશે એવા વિચારે ઉસ્તાદજી સાતમા આસમાનમાં વિહરતા હતા.

    પરંતુ વિધાતાને કદાચ આ વાત મંજૂર નહોતી. ફાઇનલના દિવસે આ યુવાન પોતાના દોસ્તો સાથે સ્ટેડિયમ જવા માટે બસમાં ચડ્યો. તે દિવસે પેસેંજર્સનો ધસારો ભારે હશે કે બીજા કોઇ કારણે, બસનો કંડક્ટર અપસેટ હતો. એમાં આપણા કથાનાયક સાથે એની બોલાચાલી થઇ ગઇ. ભાવિ કુસ્તીબાજનો પિત્તો ગયો. પેલાને ફટકાર્યો. એવો ફટકાર્યો કે પેલાનો ચહેરો લોહીથી ભરાઇ ગયો.

બસના ડ્રાઇવરે એક પોલીસ સ્ટેશન પાસે બસ રોકવાનો પ્રયાસ કર્યો. અંગ્રેજ રાજ હતું. પોલીસની દંડાબાજીથી ડરી ગયેલા પેલા યુવાને બસ ધીમી પડતાં બસમાંથી ઠેકડો માર્યો અને સીધો ઘરભેગો થઇ ગયો. કુસ્તીની ફાઇનલ સુધી પહોંચી જ ન શક્યો. વિધાતા જરૂર મલકી હશે...

વ્યાયામથી સુગઠિત કાયા હોવા છતાં એ વિજેતા કુસ્તીબાજ ન બની શક્યો. ઘર પરિવારમાં વધુ એક લમણાફોડ એની કસોટી કરવાની હતી. એનો એક મોટોભાઇ વડીલ કાકાના આદેશને માથે ચડાવીને  ડોક્ટર બન્યો હતો. બીજો એક મોટોભાઇ એ જ માથાભારે કાકાના આદેશને માથે ચડાવીને એંજિનિયર બન્યો હતો.

હવે કાકાની  ઇચ્છા આ 'કુસ્તીબાજ'ને મહંમદ અલી ઝીણા જેવો બેરિસ્ટર બનાવવાની હતી. પરંતુ આ યુવાન મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતો. કાળો કોટ પહેરીને ખોટાનું સાચું અને સાચાનું ખોટું કરવાની એની જરાય ઇચ્છા નહોતી. પરિવારના અન્ય સભ્યોની સહાયથી એણે વડીલ કાકા સામે સવિનય વિરોધ કર્યો.

પરિવારના અન્ય સભ્યોની સમજાવટ કામ કરી ગઇ. આ વ્યાયામવીરને કાયદાના ખાં બનાવવાની પોતાની યોજના કાકાએ પડતી મૂકી. આપણે સૌ પેલા બસ કંડક્ટર અને સરમુખત્યાર જેવા પેલા કાકાના ઓશિંગણ છીએ. આ બંને સજ્જનોએ આપણા સૌ પર બહુ મોટો ઉપકાર કર્યો છે. તમે ન માનતા હો તો હવે આગળ વાંચો. એ કુસ્તીબાજ યુવાન એટલે કોણ ? એ જાણવાની તમારી ઉત્સુકતા સમજાઇ શકે છે. વાંચો આગળ.

 અય મેરે પ્યારે વતન અય મેરે બિછડે ચમન... (ફિલ્મ કાબુલીવાલા), અય મેરી જોહરાજબીં, તુઝે માલુમ નહીં... (ફિલ્મ વક્ત), લાગા ચુનરી મેં દાગ છૂપાઉં કૈસે... (દિલ હી તો હૈ), એક ચતુર નાર કર કે સિંગાર... (પડોસન), યે રાત ભીગી ભીગી... અને આ જા સનમ મધુર ચાંદની મેં હમ.. (ચોરી ચોરી), ફૂલ ગેંદવા ન મારો... (દૂજ કા ચાંદ), કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા (ઉપકાર) અને કિસ ને ચિલમન સે મારા... (બાત એક રાત કી. બાય ધ વે, ચિલમન  એટલે તીરછી નજર).. જેવાં અસંખ્ય ગીતોની ભેટ આપણને આપી જનારા પ્રબોધ ચંદ્ર ડે ઉર્ફે મન્ના ડેની આ વાત છે.

 સંગીત પ્રત્યેનું એમનું સમર્પણ કેવું કે આવરદાના દસમા દાયકામાં પણ રોજ બે કલાક રિયાઝ કરતા અને પોતાના  91મા જન્મદિને કલકત્તામાં હાર્મોનિયમ વગાડીને બે કલાક ગીતો ગાયાં હતાં. એક ગુજરાતી તરીકે ગૌરવની વાત એ છે કે પોતાની આત્મકથામાં મન્ના ડેએ મૂકેશ ગીતકોશ જેવાં પુસ્તકો આપનારા સંગીત રસિક હરીશ રઘુવંશીનો પણ આભાર માન્યો છે. જય હો...!

લોકડાઉનનો લાભ ઊઠાવીને કેટલાંક પુસ્તકો ફરી ફરીને વાંચવાની તક ઝડપી લીધેલી. એવાં પુસ્તકોમાં મન્ના ડેની આત્મકથાનો પણ સમાવેશ થયો હતો. આ પુસ્તકમાં બીજી પણ કેટલીક રસપ્રદ વાતો છે. જેમ કે મન્ના ડે રૂઢિચુસ્ત બંગાળી પરિવારના નબીરા અને એમનાં પત્ની સુલોચના મલયાલમભાષી. ડે પરિવારે તો મન્ના માટે એક યુવતી પસંદ કરી રાખેલી. એ યુવતી સાથે મન્નાની બેઠક પણ યોજાઇ હતી. પરિવારે એ યુવતી સાથે સગપણ કરવા દબાણ કર્યું ત્યારે મન્નાએ ધડાકો કર્યો કે હું તો એક સાઉથ ઇન્ડિયન યુવતીને પ્રેમ કરું છું. મન્ના ડેની માતાએ પુત્રને સપોર્ટ કર્યો એટલે મન્ના પોતાની પસંદગીની યુવતી સાથે પરણી શક્યા. આ તો ઉત્તર દક્ષિણની પ્રેમકથા બની રહી.

Comments

  1. Ajit, good know your wife is also a writer. some time give me opertunity to read her articles also.
    In 1971 I was medical intern & had gone to West Bengole (coochh bihar, dInhata) for about 8wks to serve Refugees med. camps. Cholera was the main killer. we use to have daily OPD. of around 5-700 pt.s. Language was another hurdle, but it was lovely experience. we were about 6-8 kmts from border. All those songs you mentioned are my favourite. Nice to read after a long time.

    ReplyDelete

Post a Comment