ડઝનબંધ ફ્લોપ પછી જંગલીના સંગીતે શમ્મી કપૂરની ઇમેજ અને કારકિર્દી બંનેને જબરદસ્ત બૂસ્ટ આપ્યો




 ગયા શુક્રવારે આપણે વાત કરેલી કે ડઝનબંધ ફ્લોપ ફિલ્મો આપ્યા પછી સુબોધ મુખરજીની ફિલ્મ જંગલીથી શમ્મી કપૂર રાતોરાત સ્ટાર બની ગયો. અહીં એક વાત યાદ આવે છે. ઘણું કરીને જિતુભાઇ મહેતાને મોઢે સાંભળેલી. આ વાતનો સાર એટલોજ કે જંગલી જોયું ત્યારે પાપા પૃથ્વીરાજ કપૂર ખડખડાટ હસી પડ્યા હતા અને  હળવા મિજાજમાં બોલેલા કે શમ્મી ઇસ ફિલ્મ મેં ચિમ્પાન્ઝી જૈસા લગતા હૈ... જંગલી ફિલ્મ જોઇ હોય તો આ રમૂજી ટકોર સાચ્ચી લાગે. જો કે આ ફિલ્મથી શમ્મી કપૂરની ઇમેજ અને કારકિર્દી બંનેને જબરદસ્ત વેગ મળ્યો એ હકીકત છે. શમ્મી કપૂરની આ સોલો ફિલ્મ હતી.

 ઉજાલામાં તો પાછળથી સંવાદોના શહેનશાહ તરીકે પંકાયેલા 'જાની' રાજકુમાર શમ્મીની સાથે સહકલાકાર હતા. શમ્મી કપૂરની ફિલ્મોના સંગીતની વાત કરતી વખતે આ મુદ્દો પણ ધ્યાનમાં લેવો પડે. બે ચાર ફિલ્મોમાં શમ્મી કપૂર સાથે અન્ય કલાકાર પણ પેરેલલ રોલમાં હતો. જેમ કે ઉજાલામાં રાજ કુમાર અને દિલ તેરા દિવાનામાં મહેમૂદ. આશરે પચાસ ફિલ્મોમાં શમ્મી કપૂર સોલો હીરો હતો અને વીસેક ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કરેલો.
     શમ્મી કપૂરની ફિલ્મોની ઔર એક બાબત આપણે યાદ રાખવી પડશે. એ છે ફિલ્મોનાં ટાઇટલ્સ. જંગલીથી શરૂ થયેલી વિચિત્ર ટાઇટલ્સની પરંપરા લાંબા સમય સુધી ચાલી. એવાં ટાઇટલ્સમાં જાનવર, બદ્તમીઝ, લાટસાહેબ, બ્રહ્મચારી, પ્રિન્સ, રાજકુમાર, પગલા કહીં કા... વગેરે.


 જો કે શમ્મી કપૂરનાં ગીતોની વાત કરતી વખતે એક વાત સદા ધ્યાનમાં રાખવી પડે કે આ માણસ સતત તરવરિયો, થનગનતો અને ઉત્સાહના અખૂટ ધોધ જેવો હતો. એનાં રોમાન્ટિક ગીતની સાથોસાથ એનાં ગમગીન ગીતોમાં પણ એક પ્રકારની આભા રહેતી. આપણે એનાં ગમગીન ગીતોમાં પણ એ ખૂબી અનુભવી છે. એવા માત્ર એક બે ગીતો યાદ કરીએ તો પણ આ ખૂબીનો અહેસાસ થયા વિના નહીં રહે. એવું એક ગીત એટલે દિલ કે ઝરોખે મેં તુઝ કો બિઠાકર અને બીજું તુમ મુઝે યું ભૂલા ન પાઓગે...
     શમ્મી કપૂરની કારકિર્દીની સાથોસાથ શંકર જયકિસને જાણ્યે અજાણ્યે પાર્શ્વગાયક મુહમ્મદ રફીની કારકિર્દીને પણ જબરદસ્ત વેગ આપ્યો. રાજ કપૂર માટે મૂકેશ અને  દેવ આનંદ માટે કિશોર કુમાર ફિટ ગાયક છે એવી ખરીખોટી માન્યતા વચ્ચે શંકર જયકિસને મુહમ્મદ રફીને શમ્મી કપૂર માટે લગભગ અનિવાર્ય ગાયક તરીકે ઠસાવી દીધા.



 એટલેજ શમ્મી કપૂરે રફી સાહેબના અવસાન પછી આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું તો ઋષીકેશ-હરિદ્વાર હતો. એક રિક્શામાં જઇ રહ્યો હતો ત્યારે રિક્શાચાલકે કહ્યું કે આપ કી આવાઝ ચલી ગઇ. મેં કહ્યું કે મેરી આવાઝ કો ક્યા હુઆ હૈ ? મેરી આવાઝ તો હૈ, તુમ સે બાત કર રહા હું. ત્યારે રિક્શાવાલાએ ફોડ પાડ્યો કે મુહમ્મદ રફી નહીં રહે...વે જન્નતનશીં હો ચૂકે હૈં.. એ સાંભળીને મારું હૈયું એક ધબકારો ચૂકી ગયું... હું સ્તબ્ધ થઇ ગયો. પથ્થરની પ્રતિમા જેવી મારી સ્થિતિ થઇ ગઇ. મારા ઉતારે પહોંચીને હું નાના બાળકની જેમ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો.

   તો યહ બાત હૈ. શમ્મી કપૂરની કારકિર્દીની સાથોસાથ શંકર જયકિસને મુહમ્મદ રફીની કારકિર્દીને ધરખમ વેગ આપ્યો. ઊજાલામાં મોટા ભાગનાં ગીતો મન્ના ડેએ ગાયાં હતાં. સુબોધ મુખરજીની જંગલીથી શમ્મી કપૂર અને રફીની જોડી જામી. જોરદાર જામી. જંગલીમાં શંકર જયકિસને ત્રણ પ્રકારનાં ગીતો આપ્યાં- શાસ્ત્રીય રાગ આધારિત, લોકસંગીત આધારિત અને વેસ્ટર્ન સ્પર્શ આધારિત. સદાબહાર ગણાયેલું ગીત 'ચાહે કોઇ મુઝે જંગલી કહે, કહને દો જી કહતા રહે...' ભૈરવીમાં હતું. એમાં સિંહગર્જના જેવી યા...હુ...ની ડણક હતી. આ ડણક આ ગીતની આગવી ઓળખ બની રહી.

  જંગલીનું બીજું યાદગાર ગીત 'અહસાન તેરા હોગા મુઝ પર દિલ ચાહતા હૈ વો કહને દો...' રાગ યમન કલ્યાણ પર આધારિત હતું. આ ગીત મૂળ માત્ર રફી સાહેબના કંઠમાં હતું. એક અહેવાલ મુજબ લતાજીએ પણ જયકિસન પાસે એવી ઇચ્છા વ્યક્ત કરી કે મારે પણ આ ગીત ગાવું છે એટલે આપણને બે વર્ઝન મળ્યાં. લોકસંગીત પર  આધારિત બે ગીત એટલે 'જા જા જા મેરે બચપન કહીં જા કે છૂપ નાદાં...' અને 'દિન સારા ગુજારા તોરે અંગના, અબ જાને દે મુઝે મોરે સજના...' અને પાશ્ચાત્ય સંગીતની ઝલક ધરાવતું ગીત એટલે અય્યય્યા કરું મૈં ક્યા સુકુ સુકુ... વરસો પછી અય્યય્યા કરું મૈં ક્યા... ગીતની અસર ફિલ્મ ધરમ કરમમાં આરડી બર્મનના સંગીતમાં જોવા મળેલી.

   આપણે શમ્મી કપૂરની દરેક ફિલ્મનાં ગીતોનો આસ્વાદ લેવાના નથી, માત્ર ઝલક માણવાના છીએ એ ભૂલાય નહીં. આજે આટલું જ.

Comments