'સબ સુખ લહૈં તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના...' હનુમાન ચાલીસાની આ પંક્તિનો શ્રદ્ધાળુઓ લગભગ પ્રતિ પળ ઉલ્લેખ કરતા હોય છે. આવતી કાલે ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતી છે. ભગવાન શ્રી રામના સાથી, સેવક, મિત્ર, સ્નેહી જે કહો તે, ખરેખર આજની યુવા પેઢી માટે શ્રેષ્ઠ આદર્શ છે. કોરોનાના ડરથી અત્યારે તો તમામ દેવી-દેવતાનાં ધર્મસ્થાનોને તાળાં લાગેલાં છે. કેટલાક ઉત્સાહી પૂજારીઓએ તો ઇષ્ટદેવને પણ માસ્ક પહેરાવ્યાં છે.
સમાજશાસ્ત્રીઓ કે ઇતિહાસકારોની દ્રષ્ટિએ વિચારીએ તો કોરોનાએ જે તબાહી મચાવી છે એ કુદરતનો ક્રમ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. કોરોના વાઇરસ કોણે સર્જ્યાં અને કયા દેશમાં કેટલી ખુવારી થઇ એ જુદો પ્રશ્ન છે. પરંતુ અભ્યાસીઓ કહે છે કે દર પચાસ-સો વરસે આવી મહામારી એકાદવાર આવી જાય છે અને વસતિ વધારાની સમસ્યાને દૂર કરી દે છે.
અંગ્રેજીમાં એક શબ્દ છે- એન્ટ્રોપી. (ENTROPY). સાવ સાદી સરળ ભાષામાં એનો અર્થ છે સર્જન અને વિસર્જન એક જ સિક્કાની બે બાજુ છે. કોઇ પણ ચીજ, વસ્તુ, પશુ-પંખી, વૃક્ષ-વનસ્પતિ કે માણસ- સર્જન થાય એ સાથે જ એના વિસર્જનની પ્રક્રિયા પણ અત્યંત ધીમી ગતિએ શરૂ થઇ જાય છે. ઓશો કહેતા કે બાળક જન્મે ત્યારેજ એના મૃત્યુનો આરંભ પણ થઇ જાય છે. દરેક બર્થ ડે પાર્ટી વખતે એ એટલો મૃત્યુની નિકટ જતો હોય છે.
અત્યારે કેટલાક વ્હૉટસ્ એપ સંદેશામાં એવા જ મતલબની વાત હોય છે કે માણસે કુદરત સાથે ચેડાં કર્યાં એટલે અત્યારે કુદરત બદલો લઇ રહી છે. એક કવિએ સરસ લખ્યું છે- 'સર્જન ને સંહાર, ઊભાં હારોહાર, અનંતને દરબાર...' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, જાતસ્ય હી ધ્રુવો મૃત્યુઃ જન્મ્યા એટલા જાવાના પરંતુ મહત્ત્વની વાત એ છે કે રોગના ચેપને (ઘણા લોકો સંક્રમણ કહે છે) ખાળવા આપણે ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ.
જો કે ઘણા લાંબા સમયથી આપણે ઘરમાં શાંતિથી બેસી રહેવાની ટેવ ભૂલી ગયાં છીએ. એટલે ગમે ત્યારે જાત પર કાબુ રહેતો નથી. વાહન લઇને બહાર ફરવા નીકળી પડીએ છીએ. એક મુદ્દો સમજવા જેવો છે. કોરોના કે એવા બીજા કોઇ પણ વાઇરસજન્ય રોગમાં રિબાઇ રિબાઇને મરવું એના કરતાં અગમચેતીનો અમલ કરીને સાજાસારા જીવતાં રહેવાનો આનંદ અનેરો હોય છે.
વ્હૉટ્સ એપ પર આવેલી એક વિડિયો ક્લીપમાં જેના ગળામાં કોરોનાનો ચેપ લાગી ગયો છે એવી એક બાળકીની ભયાનક ચીસો સંભળાતી હતી. પોતાને પણ એ ચેપ લાગી જશે એવા ડરે એનાં માતાપિતા કે અન્ય સ્વજનો એની પાસે જતાં નથી એવું બિહામણું દ્રશ્ય હતું. આવી વિડિયો ક્લીપ એક કરતાં વધુ વહેતી થઇ. એ જોયા પછી પણ જેમને ઘરમાં શાંતિથી રહેવાની પ્રેરણા ન મળે એવા શિક્ષિતોને ભણેલા અંગુઠાછાપ કહેવા પડે.
અલબત્ત, અખબારી અહેવાલો મુજબ વરસોથી રોજ કેટલાક કલાક ઘરની બહાર રહેવા ટેવાયેલા કેટલાક લોકોને હતાશા અને ક્લોસ્ટ્રો-ફોબિયા (બંધ જગ્યાનો ડર, ઘરમાં પૂરાઇ રહેવાનો ડર ) જેવા માનસિક વ્યાધિ પણ થયા. એમને મનોચિકિત્સાની જરૂર પડે એ સમજી શકાય. જો કે અધ્યાત્મ સાધના કરવા ઇચ્છુક લોકો માટે આ લૉક આઉટ વરદાન રૂપ બની રહે. એક વાત નોંધવા જેવી છે. જેમને ત્યાં પાળેલા શ્વાન કે બિલાડી છે એમને લૉક આઉટ સહેલાઇથી સદી ગયો છે. અનુભવી મનોચિકિત્સકો કહે છે કે પાળેલાં કૂતરાં-બિલાડી બ્લડ પ્રેસરને નોર્મલ રાખે છે, હાઇપર ટેન્શન કે સ્ટ્રેસને દૂર રાખે છે.
કોરોના કુદરતનો કોપ હોય કે માનવ સર્જિત આપત્તિ હોય, સવાલ એ છે કે આપણે ઘરમાં શાંતિથી બેસીને ઇન્ડોર ગેમ્સ રમીને, સારાં પુસ્તકો વાંચીને, સંગીત સાંભળીને કે ટીવી પર રામાયણ-મહાભારત જોઇનેય જીવતાં રહેવું છે કે અકાળે ચિરવિદાય લેવી છે ? એ આપણે જાતે નક્કી કરવાનું છે. દડો આપણી કોર્ટમાં છે. નિર્ણય આપણે જાતે કરવાનો છે.
Comments
Post a Comment