પૂજારીજી બેડરૂમમાં કેમ પૂજા કરે છે ? પડોશીની વિમાસણ




'આ પૂજારીજી બેડરૂમમાં કેમ પૂજા કરે છે ?' ચૈત્ર સુદ નોમ, રામ નવમી, બીજી એપ્રિલ 2020. સમય સવારે લગભગ 11 વાગ્યે. એક પાડોશીએ અમારા ફ્લેટમાં પ્રવેશતાં સરોજને સવાલ કર્યો. 'કયા પૂજારી ? શેની પૂજા?' સરોજે સામો સવાલ કર્યો. જવાબમાં પેલા બહેને કહ્યું કે મેં બેડરૂમમાં એક દાઢીવાળો પુરુષ જોયો. સરોજ હસી પડી. કહે કે એ તો અજિત છે... છેલ્લા એક માસથી બિછાનામાં છે એ દરમિયાન દાઢી વધી ગઇ.

તો આમ વાત છે. લૉક આઉટ દરમિયાન ક્યારેક આવી રમૂજી ઘટના પણ બની જાય ખરી. બન્યું એવું કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં હું પડી ગયો. પછડાયા પછી તરત ઊભો થઇ ગયો. સાંજે અગમચેતી રૂપે એકાદ બે સ્થાનિક ડૉક્ટરને દેખાડ્યું. બે એક્સ રે લીધા. એક્સ રે જોનારા ડૉક્ટરોએ કહ્યું, 'કંઇ નથી. મૂઢ માર વાગ્યો લાગે છે. આયોડેક્સ લગાડજો. આરામ થઇ જશે.'

ભૈ' આરામ તો થયો નહીં. પીડા તો વધતી ચાલી. સાથળ સોજી ગયો. એવામાં અમારી સંગીત મિત્ર બિનલ ભાવસાર મળવા આવી. એના સૂચનને સ્વીકારીને સિનિયર ઓર્થોપેડિક સર્જ્યન ડૉક્ટર હિતેશભાઇ મહેતાની એપોઇન્ટમેન્ટ લઇને મળવા ગયા. હિતેશભાઇએ જર્મનીમાં એમ. એસ.ની ડિગ્રી લીધી છે. અઢી દાયકાનો અનુભવ છે. પોતાના ક્ષેત્રમાં બનતી લેટેસ્ટ બાબતોથી પરિચિત રહે છે. પોતે વસાવેલી લેટેસ્ટ મશીનરી દ્વારા માત્ર બે મિનિટમાં શોધી કાઢ્યું કે જાંઘના મૂળ (Root of the hip) માં નાનકડું ફ્રેક્ચર થયું છે.

જો કે તેમણે એક પોઝિટિવ વાત કરી કે પરમાત્માએ તમને બચાવી લીધા. 'પડી ગયા પછી પાંચ છ દિવસે બતાવવા આવ્યા છો. પરંતુ તૂટેલું હાડકું એની જગ્યાએ જ છે. ખસી ગયું હોત તો મોટું ઓપરેશન કરવું પડ્યું હોત. ફ્રેક્ચર એવી જગ્યાએ છે કે પ્લાસ્ટર લાગે નહીં. તમારે તમામ દૈનંદિન પ્રવૃત્તિ (ખાના,પીના, લઘુ શંકા, ગુરુ શંકા, સ્નાન ઇત્યાદિ) પલંગ પર રહીને કરવાનાં. એક માસ સુધી સંપૂર્ણ આરામ કરવાનો. ડાબો પગ વજન મૂકીને લટકાવી રાખવાનો. એક માસ પછી દેખાડવા આવવાનું.' હિતેશભાઇને મળીને અમે ઘેર આવ્યા.

મારી 'શયન-સાધના' શરૂ થઇ. સરોજના કામનો બોજ વધ્યો. મને બિછાનામાં જોઇને ઘરનોકરને પાનો ચડ્યો હશે. સરોજને કહે, 'પગાર વધારી આપો. પરવડતું નથી. આવતી કાલથી નહીં આવું.' ખરેખર બીજા દિવસથી આવતો બંધ થયો. આમ સરોજના કામમાં ઔર વધારો થયો. સાફસફાઇ, વાસણ, રસોઇ અને મારી સેવાચાકરી. કપડાં ધોવાનું વોશિંગ મશીન છે. છતાં એને તો ચોવીસ કલાક ઓછા પડવા માંડ્યા. બાકી હતું તે કોરોનાનો ડર અને કેર વધ્યો એટલે લૉક આઉટ આવ્યો. સદ્ભાગ્યે અમારાં પાડોશી વિજય કંસારા અને રૂપલબહેન સતત સરોજને શાકભાજી-અનાજ વગેરે લાવવામાં મદદ કરતા.

આપણે તો ભૈ, પહેલાજ દિવસે માથાના વાળ કઢાવી નાખ્યા. એક માસમાં તો કેવી હાલત થઇ જાય ! માથું તેલવાળું હતું એટલે પસીનો અને ધૂળ ભેગાં થઇનો કોઇ સમસ્યા સર્જે એ પહેલાં વાળને રજા આપી. પછી ઘરની લાયબ્રેરી ખોલાવી. સંગીતનાં અને અધ્યાત્મનાં પુસ્તકો કઢાવ્યાં. ભાલેજથી પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજીએ મુક્તાનંદ વચનામૃતના ચાર ભાગ મોકલ્યા. શરૂઆત કરી પંડિત જસરાજની જીવનકથા 'રસરાજ'થી. બે ત્રણ વાર વાંચી. પછી આવ્યા સંતુરસમ્રાટ પંડિત. શિવકુમાર શર્મા- 'અ જર્ની વીથ હન્ડ્રેડ સ્ટ્રીંગ્સ...' પણ બે વાર વાંચી. સિતારનો આકાર-ઘાટ અને વગાડવાની શૈલી બદલાવનારા ઉસ્તાદ વિલાયત હુસૈન ખાનની જીવનકથા 'સિક્સ્થ સ્ટ્રીંગ' અને 'કોમલ ગંધાર' પણ બબ્બે ત્રણ ત્રણ વાર વાંચી.

 પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની જીવનકથા બે વાર વાંચી. અમારા પૂજ્ય દાદુ લેફ્ટનંટ કર્નલ સી. સી. બક્ષીનાં કેટલાંક પુસ્તકો ફરી ફરીને વાંચ્યાં. ઓશોનાં બે ત્રણ પુસ્તકો એક કરતાં વધુ વખત વાંચ્યાં. હરીશ ભીમાણીએ લખેલા સ્વરકિન્નરી લતા મંગેશકર વિશેના પુસ્તકનો ડૉક્ટર શરદ ઠાકરે કરેલો અનુવાદ ફરી વાર માણ્યો.

દરમિયાન, ગુજરાતી ટાઇપિંગ જાણતા એક મિત્ર અઠવાડિયે એકવાર આવતા અને મારી કૉલમોનું મેટર લેપટોપ પર કમ્પોઝ કરી આપતા. સરોજ વાંચી જાય. સરોજ પણ ગુજરાતી ભાષા સાથે એમ.એ. થઇ છે. એ મેટર ચેક કરી લે પછી ઇ મેલથી ગુજરાત સમાચારને મોકલી આપે. ફોન્ટ કન્વર્ઝન ગુ.સ.નો સ્ટાફ કરી લે. આવું કરવામાં ક્યારેક સરતચૂક થઇ જાય ખરી. ગઇ કાલના સિનેમેજિકમાં જ એવી એક ગડબડ થઇ ગયેલી. જાણકાર મિત્રોએ ફોન કરીને ધ્યાન દોર્યું અને કહ્યું કે પુસ્તક થાય ત્યારે સુધારી લેજો. થેક્યુ દોસ્તો! 

દરમિયાન, દૂરદર્શન પર રામાનંદ સાગરનું રામાયણ અને બી આર ચોપરાનું મહાભારત ફરી શરૂ થયાં. સરોજને એમાં રસ પડવા માંડ્યો. હું મારા વાંચનમાં અને એ ટીવી- દર્શનમાં. આજે ચોથી એપ્રિલે હજુ એકસો ટકા સારું થયું નથી. લૉક આઉટ છે એટલે હિતેશભાઇને મળવા જવાય એમ નથી. દરમિયાન, સદૈવ મારી મુશ્કેલીમાં મારી સાથે રહેતા દોસ્ત વિવેક મહેતાએ સદ્વિચાર પરિવારમાંથી વૉકર લાવી આપ્યું. અર્ધાંગિની રજા આપે તો એકાદ બે દિવસમાં વૉકર વડે ઘરમાં ચાલતાં શીખવાનું શરૂ કરીશ.


આ એક મહિનામાં સરોજે જે રીતે મને સાચવ્યો છે એ માટે એની જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી. જો કે કામ ઘણાં અને મારી અપેક્ષાઓ વધુ એટલે વચ્ચે વચ્ચે ગુસ્સે થઇ જાય ખરી. પણ એમાં મારો વાંક  વધુ હોય. સિડની (એાસ્ટ્રેલિયા)થી જ્યોતિબહેને મારી તબિયતના સમાચાર જાણ્યા પછી યોગ્ય રીતે કહ્યું કે પાડ માનો પરમાત્માનો કે ઘાત ગઇ. સાવ સાચ્ચી વાત જ્યોતિબહેન, બહુ મોટી ઘાત ગઇ.....
અને હા, પેલા પૂજારી હવે દાઢી કાઢી નાખવાના છે એટલે પાડોશમાં ગેરસમજ ન થાય  કે પૂજારી બેડરૂમમાં શું કરે છે !
(મારો અને સરોજનો ફોટો ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)માં લેવાયેલો છે. એક મિત્ર ગોપાલ ભાટિયાએ લીધો હતો. ગયા નવેંબરમાં અમે ત્ર્યંબકેશ્વર ગયાં હતાં ત્યારે શિયાળો ચાલતો હતો એટલે ગરમ કપડાંમાં સજ્જ છીએ એ સહજ. થેંક્યુ ગોપાલ !)

Comments