રાજ કપૂરની બરસાત ફિલ્મથી કારકિર્દી શરૂ કરનારા સંગીતકાર શંકર જયકિસને ફ્રી લાન્સીંગ શરૂ કર્યું ત્યારે સૌથી મોટો બ્રેક શમ્મી કપૂરને મળ્યો હતો. શમ્મી કપૂર માટે આ બંનેએ આશરે સવાસો હિટ ગીતો આપ્યાં. એ ગીતોમાં શુદ્ધ શાસ્ત્રીય ગીતો, ડાન્સ ગીતો અને પાશ્ત્યાત્ય શૈલીનાં ગીતોનો પણ સમાવેશ થયો હતો.
આ ગીતોની વાત કરવા અગાઉ થોડી આડવાત જરૂરી બની જાય છે. રાજ કપૂર સાથે આત્મીય સંબંધો હતા ત્યારે નરગિસ શમ્મી કપૂર માટે વિદેશી સંગીતની રેકર્ડસ્ મંગાવી આપતી. ક્યારેક શમ્મી કપૂર પોતે પણ મુંબઇના રિધમ સેન્ટર પર જઇને નરગિસના ખાતામાં લખાવીને વિદેશી સંગીતકારોની રેકર્ડસ્ લઇ આવતો. બીજી બાજુ શમ્મી કપૂર ભારતીય શાસ્ત્રીય સંગીત પણ ખૂબ સાંભળતો.
આમ રાજ કપૂરની તુલનાએ શમ્મી કપૂર પૂર્વ અને પશ્ચિમ બંને સંગીતનો જબરો અભ્યાસી થઇ ગયો હતો. રૉક એન રોલ, પોપ સંગીત અને બીટલ્સની શૈલીથી પણ એ સારી પેઠે વાકેફ થઇ ચૂક્યો હતો.
કેટલાક સમીક્ષકો શમ્મી કપૂરની ડાન્સ શૈલીને એલ્વિસ પ્રિસ્લીની શૈલી સાથે મૂકી દઇને અજાણતામાં શમ્મી કપૂરને અન્યાય કરી બેસે છે. અલબત્ત, શમ્મી કપૂર એલ્વિસ પ્રિસ્લીથી ખૂબ પ્રભાવિત થયો હતો એ હકીકત છે. પરંતુ એની ડાન્સ શૈલી એની પોત્તાની હતી. ભલે સંગીતકાર અન્ય કોઇ સંગીતકાર હોય. ફિલ્મ ચાઇના ટાઉન, દિલ દે કે દેખો, કશ્મીર કી કલી કે જંગલી, એન ઇવનિંગ ઇન પેરિસ યા બ્રહ્મચારી અને બદ્તમીઝમાં એને ડાન્સ કરતાં જુઓ. પછી એલ્વિસ પ્રિસ્લીની કોઇ વિડિયો ક્લીપ જુઓ. ત્યારબાદ શમ્મી
કપૂરની ડાન્સ શૈલી વિશે તટસ્થ વિચારો.
એની ઘણી ફિલ્મોની સહકલાકાર આશા પારેખે પણ કહ્યું કે શમ્મી કપૂર કોઇ ડાન્સ ડાયરેક્ટરની મદદ વિના પોતાનાં સ્ટેપ્સ પોતે જાતે તૈયાર કરતો હતો. એને ભારતનો એલ્વિસ પ્રિસ્લી કહેનારા જાણ્યે અજાણ્યે શમ્મી કપૂરને અન્ડર એસ્ટિમેટ કરે છે. આશા પારેખનો અભિપ્રાય મહત્ત્વનો છે કારણ કે આશા પારેખ પોતે ક્લાસિક્લ ડાન્સર રહી ચૂક્યાં છે.
ઔર એક વાત જાણવા જેવી છે. શમ્મી કપૂરે પોતે સ્ક્રીન નામના અંગ્રેજી સાપ્તાહિકને આપેલા ઇન્ટરવ્યૂમાં જયકિસન વિશે કેટલીક પેટછૂટી વાતો કરેલી. એનો સાર એટલોજ હતો કે જયકિસન અને પોતે સરખે સરખી ઉંમરના હતા અને પૃથ્વી થિયેટર્સનાં નાટકોના દિવસથી બંને વચ્ચે જિગરજાન દોસ્તી હતી. આ દોસ્તી કેવી હતી એ વિશે બોલતાં શમ્મી કપૂરે એક સરસ વાત કરેલી.
એના જ શબ્દોમાં કહું છું- 'તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નજર ના લગે...' ગીતની તર્જ મને ગમી ગયેલી અને મેં જયકિસન પાસે માગી હતી પરંતુ જયકિસને એ તર્જ માટે અન્ય નિર્માતાને જબાન આપી દીધેલી. એટલે એણે મને ના પાડી. અમારી વચ્ચે રીતસર ઝઘડો થઇ ગયો.... પરંતુ જબાનના પાક્કા જયકિસને નમતું ન આપ્યું....
લેખક અજિત પોપટ શમ્મી કપૂર સાથે એમની ડાન્સ શૈલીની વાતો કરી રહ્યા છે.
---------------------------------------------------------------------------------------------------------------------------
'જો કે મને બીજીવાર અદ્ભુત તક મળી ગઇ. એ ઓચિંતો મારી પાસે આવ્યો ત્યારે રડું રડું થઇ ગયો હતો. મને કહે, શમ્મી, આ તર્જ સાંભળ. મેં ખૂબ મહેનત કરીને બનાવી પરંતુ ફલાણા હીરોએ નકારી કાઢી. એ કહે છે કે મારી પર્સનાલિટી સાથે આ ગીતની તર્જ ફિટ બેસતી નથી. મેં (શમ્મી કપૂરે) કહ્યું, કંઇ વાંધો નહીં... તારી એ તર્જ હું વાપરીશ. તમે કલ્પના કરી શકો છો, કઇ તર્જ હતી એ ? 'આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર, સબ કો માલૂમ હૈ ઔર સબ કો ખબર હો ગઇ...' તમે સૌ જાણો છો, આ. ગીત કેવું ગાજ્યું હતું. આજે પણ પાર્ટી સોંગ તરીકે આ ગીત અવારનવાર સાંભળવા મળે છે...'
અહીં શમ્મી કપૂરની જયકિસન સાથેની દોરસ્તીને જરા જુદી રીતે મૂલવવી જોઇએ. સંગીતકાર ઓ પી નય્યરે ફિલ્મ કશ્મીર કી કલીમાં અને આર ડી બર્મને તીસરી મંઝિલમાં જબરદસ્ત હિટ નીવડેલું સંગીત પીરસ્યું હતું. આમ છતાં શમ્મી કપૂરે શંકર જયકિસનનો સાથ કદી છોડ્યો નહોતો. એ સતત આ બંને સાથે કામ કરતો રહ્યો હતો. હવે પછીના એકાદ બે એપિસોડમાં શમ્મી કપૂરાનાં ગીતોની ઝલક માણીશું....
Comments
Post a Comment