કોરોના, ભવિષ્યવાણીઓ , અજાયબ વ્હૉયસેપ સંદેશા, સૌથી શ્રેયસ્કર ઘરમાં વાસ, અન્યથા સર્વનાશ...!





કોરોનાકાંડના પગલે અત્યારે સૌને લૉકઆઉટના પગલે ઘરમાં ગોંધાઇ રહેવાની ફરજ પડી છે. સૌને જકડી રાખવા રામાયણ અને મહાભારત ે જેવી અત્યંત લોકપ્રિય ટીવી સિરિયલોનું પુનઃપ્રસારણ થઇ રહ્યું છે. દશરથનંદન રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત ઋષિ વશિષ્ઠે પોતાના તપોબળથી ઠરાવ્યું હતું અને છતાં રામે રાજ્યાભિષેકને બદલે 14 વર્ષ વનવાસ વેઠવાનો આવ્યો. મહાભારતમાં સહદેવ ત્રિકાળજ્ઞાની છે અને દ્રૌપદીનાં ચિરહરણ જેવી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ પોતાના કલ્પનાચક્ષુ સમક્ષ નિહાળે છે છતાં મૌન સેવવાની ફરજ પડે છે.

અહીં એક વિસ્મયજનક અનુભવ નોંધવો છે. કોરોનાકાંડ શરૂ થયો ત્યારથી વ્હૉટસ્ એપ પર કેટલાક અજાયબ સંદેશા ફરતા થયા. કોઇએ ચૌદ વર્ષના એક અત્યંત સોહામણા કિશોરના ફોટોગ્રાફ સાથે એવો સંદેશો મૂક્યો કે આ કિશોરે છેક ગયા વર્ષના પૂર્વાર્ધમાં આ મહામારીની આગાહી કરેલી. આ કિશોરે તેા ચાલુ વર્ષના ડિસેંબરમાં કોઇ નવો રોગચાળો ફેલાશે એવી આગાહી પણ કરી છે. આવી અગમનિગમની વાતોમાં રસ હોય એવા કેટલાક લોકોએ શિવપુરાણને ટાંકીને લખ્યું કે જુઓ, શિવપુરાણમાં પણ કોરોના વાઇરસની આગાહી છે. અન્ય કેટલાક લોકોએ ભક્ત કવયિત્રી મીરાંબાઇના ગુરુ સંત રવિદાસની પંક્તિઓ ટાંકી.

આ તમામ ભવિષ્યવાણી પ્રત્યે તેમજ આવી આગાહી કરનારા બધા માટે પૂરતા માન-આદર સાથે એક વાત કરવી છે. શિવપુરાણ જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ નથી.  સંત રવિદાસ જેવા સિદ્ધપુરુષોએ ક્યારે કયા સંદર્ભમાં આવાં કાવ્યો રચ્યાં એ આપણે જાણતા નથી. સારું છે કે કોઇ ભક્તે અત્યારે યોગાનુયોગે અત્યારે વિદેશી નજૂમી નોસ્ત્રે઼દેમસને યાદ નથી કર્યા કે નોસ્ત્રેદેમસે પણ આવી આગાહી કરેલી.

એક રસપ્રદ ઘટના નોંધવાની ઇચ્છા જાગે છે. 1979-80માં જનતા પક્ષને પછાડીને તેમજ ચૌધરી ચરણ સિંઘની સરકારને ગબડાવીને ઇંદિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એક એસ્ટ્રોલોજરે એવી આગાહી કરેલી કે હવે જો જો. ઇંદિરાજી બીજાં પચીસ વર્ષ રાજ કરશે અને દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડશે. દુર્ભાગ્યે તેમની આગાહી ખોટી પડી. 1984ના ઓક્ટોબરની 31મીએ ઇંદિરાજીના અંગરક્ષકોએ તેમની હત્યા કરી નાખી. તેમના વિશે આગાહી કરનારે ગણિતમાં ક્યાં સરતચૂક કરેલી ?

અત્યારે  (કલ્યાણજી આનંદજી ફેમ) સંગીતકાર કલ્યાણજીભાઇ યાદ આવે છે. એ કહેતા, જ્યોતિષ વિદ્યા તમને આવનારા સંકટથી વાકેફ કરે છે કે જો ભાઇ તારા રસ્તામાં ખાડો આવશે. એ પછી સાવધ રહેવાની જવાબદારી તમારી છે. ખાડો આવે ત્યારે તમે સાવધ હો તો ખાડામાં પડવા છતાં તમને ઓછો માર લાગે. કોરોનાની આગાહી જેમણે કરી એ સૌને થેંક્યુ કહીને સાવધ રહેવાની જવાબદારી આપણા સૌની થઇ જાય છે. એ સાવધાની કે અગમચેતી એટલે લૉક આઉટ. સાજાસારા રહેવું હોય અને બીજી પાંચ પંદર દિવાળી ઊજવવી હોય તો લૉક આઉટને માન આપવુ્ં જરૂરી બની રહે છે.

અધ્યાત્મમાં રસ હોય એવા સૌ માટે આ લૉક આઉટ વરદાન રૂપ સાબિત થઇ શકે. વિદ્રોહી ભક્ત કવિ કબીરનું એક પદ બહુ જાણીતું છે- 'મો કો કહાં ઢૂંઢે બંદે મૈં તો તેરે પાસ મેં, ના મંદિર મેં, ના મસ્જિદ મેં, ના કાબા કૈલાસમેં, મૈં તો તેરે પાસ મેં...' અત્યારે દેશનાં સૌથી શ્રીમંત ગણાતાં તિરુપતિ બાલાજી અને શિરડીના સાંઇબાબા જેવાં ધર્મસ્થાનો બંધ છે. ત્યારે ભગવાન શિવે (સ્કંદ પુરાણમાં) પાર્વતીને સંબોધીને કહેલી 'ગુરુગીતા' યાદ કરવા જેવી છે. આપણા સૌની ભીતર રહેલા આતમરામને ઓળખવાની આવી તક ફરી ક્યારે મળવાની ?
ભીતર દ્રષ્ટિ કરવા માટે આ લૉક આઉટ અનાયાસે આવી પડેલો સુવર્ણ અવસર છે. દૈનંદિન પ્રવૃત્તિઓની સાથોસાથ થો઼ડો સમય ભીતર ડોકિયું કરવા અને ધ્યાનમગ્ન થવા માટે ફાળવવાથી એક પૈસાનાય ખર્ચ વિના અનેકવિધ લાભ થવાની ગેરંટી છે. ટ્રાય એન્ડ ગેટ ધ બેસ્ટ ઓફ લાઇફ !

Comments