વેલ-સેટ, નવોદિત, હીરો કે કોમેડિયન- દરેકની કારકિર્દીને વેગ મળે એવું સંગીત પીરસ્યું !



રાજ કપૂરની બરસાતથી સંગીતકાર તરીકેની પોતાની કારકિર્દી શરૂ કરનારા શંકર જયકિસન મેરા નામ જોકર સુધી રાજ કપૂર સાથે રહ્યા. રાજ કપૂરની દરેક ફિલ્મમાં સુપર-ડુપર સંગીત પીરસ્યું. એક એકથી ચઢિયાતાં ગીતો આપ્યાં. પરંતુ બહુ જલદી આ બંનેને સમજાઇ ગયું હતું કે પોતાના પરસેવાનો પૂરેપૂરો યશ રાજ કપૂરને મળે છે. ફિલ્મોદ્યોગમાં ખરી-ખોટી એવી છાપ પડવા માંડી હતી કે નામ ભલે શંકર જયકિસનનું  હોય, પોતાની થફિલ્મનું સંગીત તો રાજ કપૂરજ પોત્તે તૈયાર કરે છે. એટલે 1950ના દાયકામાંજ આ બંનેએ વિનય-વિવેકભેર રાજ કપૂરની પરવાનગી મેળવીને ફ્રી લાન્સીંગ શરૂ કરી દીધેલું. એના દ્વારા આ બંનેએ પોતાની સર્જન શક્તિ પુરવાર કરી દીધી હતી.

આપણે અગાઉ વાત કરેલી કે રાજ કપૂર તો પક્કો બિઝનેસમેન હતો. જયકિસનની ચિરવિદાય પછી એણ જોયું કે શંકરજીને શારદા માટે પક્ષપાત છે અને શંકરજીને સાથે રાખવાથી અને એમની વાત માનવાથી લતાજી સાથેના પોતાના સંબંધોને પ્રતિકૂળ અસર થાય એમ છે. એટલે રાજ કપૂરે શંકરજીને પડતા મૂક્યા અને બૉબીમાં લક્ષ્મીકાંત પ્યારેલાલને અજમાવ્યા. એ પછી ધરમ કરમમાં આરડી બર્મનને અજમાવ્યા અને છેલ્લે લાવ્યો રવીન્દ્ર જૈનને. આપણે એ વિવાદમાં પડ્યા વિના આગળ વધીએ.

સૌથી મહત્ત્વની વાત એ કે શંકર જયકિસને જામી ગયેલા (વેલ-સેટ) કલાકારોની સાથોસાથ નવોદિત કહેવાય એવા કલાકારો માટે પણ સંગીત પીરસ્યું. હીરોલોગને ધ્રૂજાવતા કોમેડિયન મહેમૂદ જેવા માટે પણ સંગીત પીરસ્યું. દરેકની કારકિર્દીને વેગ મળે અને યશ મળે એવું સંગીત આ બંને પીરસતા રહ્યા. શંકર જયકિસનના દિવાના ચાહક સ્નેહલ પટેલના શબ્દોમાં કહીએ તો 'આ બંનેએ કદી વાણિયાગીરી કરી નહીં.'
અહીં એક દાખલો લઇએ. 1953માં જીવનજ્યોત ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનારા શમ્મી કપૂરે અર્ધો ડઝન ફ્લોપ ફિલ્મો આપી. એ પછી દિલ દે કે દેખોથી થોડો જામ્યો. આ ફિલ્મનું સંગીત પણ ગાજ્યું. એ પછી તુમ સા નહીં દેખાનું સંગીત પણ ગાજ્યું.

એ જોતાં એસ મુખરજીની જંગલી ફિલ્મ કરી ત્યારે શમ્મી કપૂર દિલ દે કે દેખો કે તુમસા નહીં દેખાના સંગીતકારને લેવાનું સૂચન કરી શક્યો હોત. જો કે ફિલ્મ સર્જનના અનુભવી એસ મુખરજી એ સૂચનને ફગાવી દે એવી પૂરેપૂરી શક્યતા હતી. મુખરજીએ જંગલીમાં શંકર જયકિસનને લીધા અને રાતોરાત શમ્મી કપૂર ટોચના કલાકારોની હરોળમાં આવી ગયો. એની ડાન્સીંગ હીરોની ઇમેજ પણ દ્રઢ થઇ. આવુંજ અન્ય વેલ સેટ કલાકારો માટે પણ કહી શકાય.

દેવ આનંદ સાથે શંકર જયકિસને લવ મેરેજ ફિલ્મ કરી એ પહેલાં દેવ આનંદ હિટ સંગીતનો સ્વાદ ચાખી ચૂક્યા હતા. રાજ કપૂરની જેમ દેવ આનંદ પણ સંગીતના મર્મી હતા. લાહોર કૉલેજમાં ભણતા ત્યારે કૉલેજના વાર્ષિક સમારોહમાં સાયગલનાં ગીતો ગાતા. સંગીત સમજતા હતા. અગાઉ આપણે વાત કરેલી કે વાયલિનવાદન શીખતા હતા પણ રાજ કપૂરે આર કેનો લોગો બનાવતી વખતે વાયલિનને સાથે રાખ્યું એ સાથે દેવ આનંદે વાયલિન શીખવાનું જતું કર્યું.

 દેવ આનંદની જે ફિલ્મોમાં શંકર જયકિસનનું સંગીત હતું એ સાંભળ્યા પછી દેવ આનંદને ફરિયાદનો એક શબ્દ પણ કહેવાની તક આ બંનેએ આપી નહોતી. સૌથી વધુ મહત્ત્વની વાત તો એ કે આ બંનેએ દેવ આનંદ માટે તલત મહેમૂદ, હેમંત કુમાર અને મુહમ્મદ રફીનો કંઠ વાપરીને એવી મીથ તોડી કે દેવ આનંદને માત્ર કિશોર કુમારનો કંઠ જ સ્યૂટ થાય છે.

આમ હવે આપણે શંકર જયકિસનના રાજ કપૂર સિવાયના અન્ય કલાકારો સાથેના કામની વાત કરવાના છીએ. એવા કલાકારોની સંખ્યા પણ સારી એવી છે. અભિનયના બેતાજ બાદશાહ ગણાયેલા દિલીપ કુમાર કે જ્યુબિલી કુમારના હુલામણા નામે પંકાયેલા રાજેન્દ્ર કુમાર, સુનીલ દત્ત, જમ્પીંગ જેક તરીકે ગવાયેલા જીતેન્દ્ર વગેરેની કારકિર્દીને વેગ આપનારા શંકર જયકિસનના સંગીતને હવે આપણે માણવાના છીએ. એમાં પણ જ્યારે જ્યાં તક મળશે ત્યાં આ કલાકારો માટે શંકર જયકિસને અજમાવેલા રાગ-રાગિણીને પણ માણીશું. તો મિલતે હૈં અગલે શુક્રવાર કો.... તબ તક કે લિયે આજ્ઞા દીજિયૈ...!

Comments