આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એક શાસ્ત્રીય ગાયક બેલડીને ત્યાં અમદાવાદના સુખી પરિવારની એક પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતી મળવા ગઇ. ગાયકને પ્રણામ કરીને થોડી ઔપચારિક વાતો પછી વિનંતી કરીઃ મને તમારી શિષ્યા બનાવો, ગાયકી શીખવો. જ્યેષ્ઠ ગવૈયાએ કહ્યું, ગાના શીખના હૈ તો અચ્છી ખુરાક ખાઓ. દૂધ-મલાઇ-રબડી ખાયા કરો... રાત કો પાની મેં ભીગોકર સુબહ ઊઠકર બાદામ ખાઓ... તબિયત બનાઓ.. આજે ટોચના કલાકારોમાં ગણના પામેલી એ યુવતી યાદ કરતાં કહે છે કે મને તો મલાઇ ખાવાની વાતથી જ આકરું લાગેલું. બાપ રે, મલાઇ ખાવાની !
હવે આ સત્યઘટના માણો. ડોલતા ડુંગરા જેવી કદાવર કાયા અને મખમલી કંઠ ધરાવતા ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબના જીવનની ઘટના છે. એક પ્રોગ્રામ માટે એ મુંબઇ પધાર્યા. ખાન સાહેબ આવ્યા છે એવી જાણ થતાં સ્થાનિક કલાકારો અને સંગીતપ્રેમીએા મળવા આવ્યા. યજમાનના બંગલે ભીડ જામી ગઇ. સંગીતની વાતો અને સંભારણાં તાજાં કરાયાં. આંખના પલકારામાં કલાકો વીતી ગયા.
જમવાનો સમય થયો. યજમાને વિશિષ્ટ સંકેત દ્વારા ખાન સાહેબને જણાવ્યું કે ભોજન તૈયાર છે. હવે જુઓ મજા. ખાનસાહેબે હાજર રહેલા લોકોને કહ્યું, 'આપ બારહખડી તો જાનતે હી હોંગે. ક ભગવાન કિસન કા, ખ ખાને કા ઔર ગ ગાને કા. અબ યદી આપ સભી કો મેરા ગાના સુનના હો તો ગ સે પહલે ખ કો આને દો. આપ ભી અપને અને ઘર જાકર ખાના ખાઇ કે આ જાઓ. ઔર યહાં મુઝે ભી થોડા ખા લેને દો.'
હસતાં હસતાં ભીડ વિખેરાઇ ગઇ. જાણીને નવાઇ લાગે કે બડે ગુલામ અલી ખાન જેવા ટોચના ઘણા કલાકારોને સ્વાદિષ્ટ ભોજન વિના ચાલતું નહોતું. સાથોસાથ એ પણ ખરું કે ઘણા કલાકારો પોતાના ગળાની ખૂબ કાળજી રાખતાં હોય છે. પ્રોગ્રામના આગલા દિવસથીજ અમુક ચીજો ખાવાનું ટાળે છે. કેટલાક કલાકારોને અમુક ચીજ ફાવતી નથી. પંડિત જસરાજજી ખાટું ખાવાનું ટાળે છે. પંડિત ભીમસેન જોશી વ્યવહારુ હતા. ફાઇવ સ્ટાર થાળી પણ ચાલે અને સાદાં શાક-ભાખરી હોય તો પણ ચાલે.
અહીં ઔર એક સરસ વાત યાદ આવી. 1950થી 1980 દરમિયાન એક કરતાં વધુ પેઢીની અભિનેત્રીઓ માટે વિવિધ ભાવને રજૂ કરતાં હજારો ગીતો ગાનારી લતા મંગેશકરને કોણ ભૂલી શકે ! એજ રીતે દુનિયાભરમાં સંતવાણીના હજારો પ્રોગ્રામ કરનારા ભજનસમ્રાટ અનુપ જલોટા ! તમે જાણીને હેરાન થઇ જશો કે લતાજી અને અનુપ જલોટા, બંનેને લીલાં મરચાં અચૂક ખાવા જોઇએ. મરચાં જેટલાં તીખાં એટલો આ બંનેને ભોજનમાં વધુ આનંદ આવે. હવે તો જો કે લતાજી આવરદાના દસમા દાયકામાં પ્રવેશ્યાં છે એટલે સ્વાસ્થ્યને અનુરૂપ ભોજન કરે છે.
વાત બડે ગુલામ અલી ખાનની થતી હતી. ખાન સાહેબ વિવિધ વાનગીઓના ખૂબ શૉખીન હતા. એમના સમકાલીન એવા બીજા યુગસર્જક ગવૈયા ઉસ્તાદ અમીર ખાન પણ ખાવાની બાબતમાં ભારે હઠાગ્રહી હતા. એમના પટ્ટશિષ્ય પંડિત અમરનાથે 'ઇંદોર કે મસીહા' નામે ખાન સાહેબની જીવનકથા લખી છે. એમાં જણાવ્યા મુજબ જે જે શહેરમાં પ્રોગ્રામ હોય તે તે શહેરની કઇ હૉટલની કઇ વાનગી વખણાય છે એની ખાનસાહેબને જાણ રહેતી. દિલ્હીમાં અમુક હૉટલ, કલકત્તામાં અમુક હૉટલ.
યજમાનને ફરમાન કરે, ફલાણી હૉટલમાંથી અમુક વાનગી મંગાવો તો મજા આવી જાય. રોજ મિષ્ટાન્ન તો જોઇએ જ. રસપ્રદ વાત એ છે કે જન્મથી રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હોવા છતાં આ બંને ભગવાન કૃષ્ણના ચાહક હતા અને બેધડક કહેતા, કાના બિના ગાના ક્યા..!
એકધારી કોરોના કોરોના કોરોનાની વાતો વચ્ચે આ થોડો ચેન્જ ઑફ સબ્જેક્ટ- ક કાનાનો, ખ ખાનાનો અને ગ ગાનાનો....!
Enjoyed...
ReplyDelete