આમ તો આપણે અગાઉ એક કરતાં વધુ વખત વાત થઇ છે કે એકજ રાગ તમે પંડિત ભીમસેન જોશીના કંઠે સાંભળો, ઉસ્તાદ અમીર ખાનના કંઠે સાંભળો કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની બાંસુરી પર સાંભળો, અરે ક્યારેક આમાંના જ એક કલાકાર દ્વારા જુદા જુદા સંગીત સમારોહમાં એક રાગ સાંભળો. દરેક વખતે જુદો અનુભવ થશે.
આ વાત માત્ર શાસ્ત્રીય સંગીત પૂરતી મર્યાદિત નથી, ફિલ્મ સંગીતમાં પણ એવો અનુભવ થઇ શકે. એક સાવ નાનકડો દાખલો લો. મન તડપત હરિ દર્શન કો આજ... (ફિલ્મ બૈજુ બાવરા- સંગીત નૌશાદ), જાન-એ-બહાર હુશ્ન તેરા બેમિસાલ હૈ... (ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા, સંગીત-રવિ), અંખિયન સંગ અંખિયાં લાગી આજ... (ફિલ્મ બડા આદમી, સંગીત- ચિત્રગુપ્ત). આ ત્રણે ગીતો રાગ માલકૌંસમાં છે. ત્રણે ગીતનો કેન્દ્રવર્તી વિચાર અલગ છે.
શંકર જયકિસને આવા સંખ્યાબંધ સફળ પ્રયોગ કર્યા છે. આજે આ બંને દ્વારા અજમાવાયેલા રાગ કીરવાણીની વાત કરવી છે. સૌ પ્રથમ આ રાગની એક વિચિત્રતાની વાત. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ વિવિધ રાગ-રાગિણીના જનક તરીકે જે થાટ વ્યવસ્થા સ્થાપી એમાં આ રાગ ક્યાંય ફિટ બેસતો નથી. એનું કારણ એ કે આ રાગમાં ગંધાર અને ધૈવત કોમળ આવે છે અને એનો સમાવેશ કરી શકાય એવો કોઇ થાટ નથી. પાશ્ચાત્ય સંગીતમાં આવી એક મેલોડી છે ખરી.
બીજી વાત. કીર સંસ્કૃત શબ્દ છે. કીર એટલે પોપટ. પોપટના ટહૂકા જેવો રાગ તે કીરવાણી. હવે શંકર જયકિસને આ રાગમાં કરેલા પ્રયોગોની વાત. એવો સર્વપ્રથમ પ્રયોગ કર્યો ફિલ્મ ચોરી ચોરીમાં (1956). અહીં ગીતના શબ્દો પ્રણય સૂચિત છે. પરંતુ પ્રણય વ્યક્ત કરવા માટે પ્રકૃતિને નિમિત્ત બનાવી છે- 'યે રાત ભીગી ભીગી યે મસ્ત ફિઝાયેં, ઊઠા ધીરે ધીરે, વો ચાંદ પ્યારા પ્યારા, ક્યોં આગ સી લગા કે, ગુમસુમ હૈ ચાંદની, સોને ભી નહીં દેતા, મૌસમ કા યહ ઇશારા...'
શબ્દોનો જાદુ અહીં છે. 'ઊઠા ધીરે ધીરે વો ચાંદ...' દૂર ક્ષિતિજમાંથી ચંદ્ર ધીરે ધીરે આકાશમાં આવ્યો છે એટલું કહે ત્યાં તો 'ગુમસુમ હૈ ચાંદની..' અને 'સોને ભી નહીં દેતા..' આવી જાય છે. આમ પ્રણય પ્રગટે છતાં હજુ મિલન પ્રત્યક્ષ થયું નથી એવી ભાવના જાગૃત થાય છે. એ બંને વાત અનેરા શબ્દો દ્વારા ગીતકારે ગૂંથી લીધી છે અને શંકર જયકિસને રાગ કીરવાણીમાં આ ભાવના જીવંત કરી છે.
એવું બીજું ગીત ત્રણ વર્ષ પછી 1959માં મળે છે. આ ફિલ્મનો હીરો દેવ આનંદ અને હીરોઇન માલા સિંહા છે. ફિલ્મ લવ મેરેજ. કથાનાયક ક્રિકેટર છે. અહીં પ્રણયની ઉત્કટ ભાવના જરા જુદી રીતે વ્યક્ત થઇ છે. આપણા રાજવી કવિ કલાપીની એક પંક્તિ ટાંકું તો અસ્થાને નહીં ગણાય- 'માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો'. અહીં એ લ્હાવાની વાત છે. 'કહે ઝૂમ ઝૂમ રાત યે સુહાની, પિયા હૌલે સે છેડો દુબારા, વહી કલ કી રસીલી કહાની...' શી નાજુક સંવેદના કવિએ પ્રગટ કરી છે ! ક્યા બાત હૈ, ક્યા બાત હૈ જી...
અને પ્રણયની ત્રીજી સંવેદના એટલે વિરહનાં ગીત. ફિલ્મ દિલ એક મંદિર. (1963 ) અહીં એક ડૉક્ટર વીતી ગયેલા પ્રણયના દિવસોને યાદ કરીને નિસાસો નાખે છે- 'યાદ ન જાયે, બીતે દિનોં કી, જા કે ન આયે વો દિન, દિલ ક્યોં ભૂલાયે, ઉન્હેં દિલ ક્યોં ભૂલાયે...' જુઓ રાગ કીરવાણીની આ વિરહ વેદના. સૌથી પહેલા ગીતમાં હજુ પ્રણય પ્રગટું પ્રગટું થાય છે, બીજા ગીતમાં માણ્યું તેનું સ્મરણ કરવાની પ્રિયતમાની વિનંતી છે અને ત્રીજા ગીતમાં છૂટી પડી ગયેલી પ્રિયતમાને યાદ કરીને નખાતો નિસાસો છે. ત્રણે સંવેદનો માટે શંકર જયકિસન રાગ કીરવાણી વાપરે છે. પહેલા બે ગીતમાં મધ્ય લયમાં વાગતો કહેરવો તાલ છે અને ત્રીજા ગીતમાં તાલ કહેરવો છે પરંતુ એનો લય ઘીમેા પડી જાય છે. કથાનાયક વીતી ગયેલા દિવસો યાદ કરીને આંસુ સારે છે.
એક રાગમાં એક કરતાં વિવિધ સંવેદનો રજૂ કરતાં ગીતોની વાત બે ત્રણ રાગ (ભૂપાલી, ઝિંઝોટી અને કીરવાણી) દ્વારા આપણે કરી. બીજા રાગો પર આધારિત ગીતોની વાત દ્વારા આ મુદ્દો લંબાવી શકાય. પરંતુ હવે બસ. ઇટ્સ ઇનફ. હવે આપણે ટ્રેક બદલાવશું. કોઇ બીજા મુદ્દા પર આવીશું. રાઇટ ?
Comments
Post a Comment