માત્ર છ સાત વર્ષનો એ કિશોર સ્કૂલમાં જતી વખતે ગ્રામોફોન અને રેકર્ડ વેચતી એક દુકાન પાસે સંમોહિત થઇને ઊભો રહી જતો. કિરાના ઘરાનાના સ્થાપક મનાતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાને ગાયેલી એક ઠુમરી 'પિયા બિન નાહીં આવત ચૈન...' સાંભળીને આ કિશોર ત્યાં ઊભો રહી જતો. આવું સ્વર્ગીય સંગીત તો શીખવું જોઇએ એવો વિચાર એના મનમાં દ્રઢ થઇ જતો. સંગીત શીખવા માટે એક દિવસ ઘર છોડીને નાસી ગયો. પાછળથી એ શાસ્ત્રીય સંગીતનો યુગસર્જક કલાકાર બન્યો. નામ ભારત રત્ન પંડિત ભીમસેન જોશી. જે ઠુમરી પંડિતજી બાળવયે સાંભળીને ઘેલા થઇ ગયેલા એ ઠુમરી એક નાનકડા હળવા રમતિયાળ રાગ ઝિંઝોટી પર આધારિત હતી. ખમાજ થાટનો આ રાગ વાદ્યસંગીત માટે ખૂબ ઉપયોગી ગણાય છે. ક્વચિત કોઇ કલાકાર આ રાગમાં બડા ખ્યાલ પણ ગાય ખરા.
ફિલ્મ સંગીતકારોએ પણ આ રાગનો સારો ઉપયોગ કર્યો છે. માત્ર એકાદ બે દાખલા જોઇતા હોય તો નોંધી લો. છૂપ ગયા કોઇ રે દૂર સે પુકાર કે (ફિલ્મ-ચંપાકલી, ગાયિકા લતાજી, સંગીત હેમંત કુમાર), ઘુંઘરુ કી તરહ બજતા હી રહા હું મૈં (કિશોર કુમાર, ચોર મચાયે શોર, રવીન્દ્ર જૈન)... આપણે વાત શંકર જયકિસનનાં ગીત-સંગીતની કરી રહ્યા છીએ. આ બંને જણ વિવિધ રાગ-રાગિણીને એવા આત્મસાત કરી ચૂક્યા હતા કે પરસ્પર વિરોધી લાગે એવા ભાવ ધરાવતા ગીતોમાં પણ એક રાગ ખૂબીપૂર્વક રજૂ કરતા. સાહિત્ય અને ખાસ તો કવિતા માટે સંસ્કૃત સાહિત્યમાં એક અદ્ભુત પંક્તિ છે- ક્ષણૈઃ ક્ષણૈઃ યં નવતામ્ ઉપૈતિ તદૈવ રૂપં રમણીયતાયામ્... ક્ષણે ક્ષણે જે પોતાનું સ્વરૂપ બદલે છે અને જે અદ્ભુત રીતે રમણીય લાગે છે તે...
શંકર જયકિસને રાગ ઝિંઝોટીનો જે કલાત્મક ઉપયોગ કર્યો છે એ તમને પણ રોમાંચિત કરી દેશે. આવો, આપણે શંકર જયકિસને અજમાવેલા રાગ ઝિંઝોટી આધારિત ગીતોનો આસ્વાદ માણીએ. ફિલ્મ બસંત બહાર (1956)ની વાત કરતી વખતે આપણે ઝિંઝોટી આધારિત એક ગીત નાયિકાના કંઠે માણ્યું હતું. પ્રિયપાત્રે અન્ય નાયિકાને ત્યાં રાત ગુજારી એને મીઠ્ઠો ઠપકો આપતાં ગવાયેલું એ ગીત એટલે 'જા જા રે જા, બાલમવા, સૌતન કે સંગ રાત બિતાયી, કાહે કરત અબ જૂઠી બતિયાં...' લતાજીએ અત્યંત મૃદુ હરકતો દ્વારા આ ગીતને સદાબહાર બનાવ્યું હતું. આ ગીત સોળ માત્રાના તીનતાલમાં નિબદ્ધ હતું. 'જા જા રે જા...' એટલાજ શબ્દોને લતાજીએ જે રીતે એક કરતાં વધુ વખત લાડ લડાવ્યા હતા એ તમે પણ માણ્યું હશે. રાગ ઝિંઝોટીમાં શંકર જયકિસનનો આ પ્રથમ પ્રયોગ.
બીજો પ્રયોગ એટલે આ ગીત. 'જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ, ચાંદની આયી ઘર જલાને, સૂઝે ન કોઇ મંજિલ...' ફિલ્મ છોટી બહન (1959) માટે આ ગીત આઠ માત્રાના તાલ કહેરવામાં હતું અને આ ગીત શંકર જયકિસને અભિનેતા રહેમાન માટે મૂકેશ પાસે ગવડાવ્યું હતું. અહીં રાગ ઝિંઝોટી એક હતાશ અને ગમગીન વ્યક્તિના મનોભાવોને રજૂ કરે છે. ગીતના અંતરામાં 'બન કે તૂટે...' શબ્દોમાં પીડા વધુ ઘુંટાયેલી હોય એ રીતે સ્વરો ગૂંથાયેલા અનુભવાય છે. બીજા અંતરામાં પણ પહેલા બે ત્રણ શબ્દો આ રીતે વેદનાને ઘુંટતા અનુભવાય છે.
ઝિંઝોટીનો ત્રીજો અને અત્યંત સંવેદનશીલ પ્રયોગ મુહમ્મદ રફીના સૌથી યાદગાર ગણાતા ગીતમાં શંકર જયકિસને કર્યો. શમ્મી કપૂરને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ પગલા કહીં કા (1970) માટે રફીએ ગાયેલું આ ગીત રફીના જન્મ દિને અને પુણ્યતિથિએ યોજાતા સ્ટેજ પ્રોગ્રામમાં મસ્ટ બની રહ્યું છે. યાદ આવ્યું ને તમને ? 'તુમ મુઝે યું ભૂલા ન પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે...' કથા નાયકના મનની વાત આ ગીત દ્વારા નાયિકાના મન સુધી પહોંચે છે આશા પારેખના ચહેરા પર એના યોગ્ય પ્રતિભાવ ઉમટે છે. એ શબ્દોમાં રહેલો મર્મ સમજીને આંસુ વહાવે છે.
ક્યા જાદુ બિખેરા હૈ શંકર જયકિસનને..... વાહ્ !
Comments
Post a Comment