પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઇસ્લામી દેશોમાં પણ કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જી દેનારી ટીવી સિરિયલ રામાયણ 28 માર્ચ શનિવારથી ફરી દૂરદર્શન પર રજૂ થવા માંડી છે. ડઝનબંધ હિટ ફિલ્મો આપનારા રામાનંદ સાગરે આ સિરિયલ બનાવી હતી અને એમાં આપણા ગરવા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીએ લંકેશ રાવણના રોલમાં શિવ તાંડવ સ્તોત્ર કંઠસ્થ કરીને સિરિયલના તમામ સભ્યોને દંગ કરી દીધા હતા. યોગાનુયોગે ગુરૂવાર બીજી એપ્રિલે ચૈત્ર સુદ નોમે રામ નવમી છે. મહાકાવ્ય તરીકે પંકાયેલા રામાયણમાં એક દ્રષ્ટિએ જુઓ તો આદર્શોની ભરમાર છે. આ અર્થઘટન આમ આદમી માટે શબ્દાર્થ દ્વારા લીધું છે. રામાયણના ગૂઢાર્થની વાત અધ્યાત્મના સાધકો પૂરતી મર્યાદિત વાત છે.
અહીં આદર્શ પુત્ર છે, આદર્શ ભાઇ છે, આદર્શ પત્ની છે, આદર્શ ગુરુ છે, આદર્શ શિષ્ય છે, આદર્શ મિત્ર છે, આદર્શ સેવક છે..... આદર્શોની ભરમાર છે. આવા કેટલાક આદર્શોની વાત કરીએ. થોડી વાર પહેલાં જેને કહેવામાં આવ્યું કે તારો રાજ્યાભિષેક કરવાનો છે, એને હવે કહેવામાં આવે છે કે ના, તારે તો ચૌદ વર્ષ વનમાં જવાનું છે ત્યારે આંખનું મટકુંય માર્યા વિના 'જેવી તમારી આજ્ઞા' પિતાજી, એમ કહીને રાજવૈભવ ત્યજીને ચાલતો થતો પુત્ર એટલે ખુદ ભગવાન રામ. આજે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે ત્યારે આદર્શ પુત્ર શોધવા એ રેતીમાં ખાંડ શોધવા જેવી દુર્ગમ સમસ્યા છે.
આદર્શ ભાઈની વાત કરીએ તો એક કરતાં વધુ ભાઇ રામાયણમાં મળી આવે. મોટાભાઇ અને ભાભીને મદદરૂપ થવા તાજો પરણેલો લક્ષ્મણ પત્ની ઊર્મિલાને સમજાવીને રામ સાથે વન ભણી ગતિ કરે છે, તો ભરત રામની પાદુકા સિંહાસન પર મૂકીને રામના પ્રતિનિધિ તરીકે અયોધ્યામાં શાસન કરે છે. અહીં વિશ્વામિત્ર આદર્શ ગુરુ છે જે રામને ધનુર્વિદ્યા શીખવે છે અને ગુરુદક્ષિણા તરીકે અસુરો (અસામાજિક તત્ત્વો) ને નષ્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.
અહીં આદર્શ પત્ની છે. સીતામાતા પતિ સાથે દરેક કષ્ટ સહન કરે છે, એક કરતાં વધુ વખત અગ્નિપરીક્ષા પણ આપે છે. કસોટીઓ અસહ્ય બની જાય ત્યારે 'ભવોભવ તમેજ પતિ તરીકે મળજો પરંતુ વિરહ વેદના ન મળો', એવી ઇચ્છા વ્યક્ત કરીને ઘરતીમાં સમાઇ જાય છે.
સીતામાતાની વેદના પામી-અનુભવી ચૂકેલા ઘણી ભારતીય ભાષાના કવિઓએ રામાયણને 'સીતાયન' તરીકે કલ્પીને સીતાનો મહિમા ગાયો છે. ગુજરાતી ભાષામાં એવો અજોડ પ્રયોગ નીનુ મઝમુદારે કરેલો. એ પ્રયોગ જબરદસ્ત લોકપ્રિય નીવડ્યો હતો. નીનુભાઇના ગાયક-સંગીતકાર પુત્ર ઉદય મઝમુદાર પાસે કદાચ એ સીડી સ્વરૂપે હશે. આ એક બાબતમાં રામ સીતા પાસે ઊણા ઊતરે છે. રામ આદર્શ રાજા તરીકે પંકાયા, પણ આદર્શ પતિની વ્યાખ્યામાં એકસો ટકા ફિટ બેસે નહીં. ગીતકાર-સંગીતકાર અવિનાશભાઇએ પણ 'રામ તમે સીતાજીની તોલે ન આવો...' ગીત રચ્યું હતું. પ્લેબેક સિંગર આશા ભોંસલેએ આ ગીત ગાયું હતું.
આદર્શ મિત્રની વાત કરીએ તો સુગ્રીવ અને આદર્શ સેવકની વાત કરીએ તો પવનપુત્ર હનુમાનને યાદ કરવા પડે. આ બંને વાનર હતા ખરા ? એનો જવાબ વિવિધભાષી ચિંતકોએ નકારમાં આપ્યો છે. ચિંતકોની દ્રષ્ટિએ પવનપુત્ર એટલે મારા તમારા જેવા મનુષ્યો. આપણે સૌ પ્રાણવાયુના આધારે જીવીએ છીએ. સંશોધકો કહે છે કે ઇશાન ભારતમાં નાગભૂમિ વિસ્તારના લોકો નાગ પ્રજા તરીકે ઓળખાય છે એવું જ કંઇક રામસેના માટે કહી શકાય.
અધ્યાત્મના ઉપાસકો માણસના ચંચળ મનને વાનર સાથે સરખાવે છે. તમે નિયમિત જપ કરતા હો તો ખ્યાલ હશે, કેટલીક વાર જપ ચાલુ હોય અને મન અનેક વિચારોમાં ગૂંથાઇ જાય એમ બને. આવું બને ત્યારે જપ યંત્રવત્ થઇ જાય. જપની વાત નીકળી છે ત્યારે રામાયણના રચયિતા વાલ્મીકિને અવશ્ય યાદ કરવા જોઇએ. નારદે રામનામનો જપ કરવાનું કહેલું, વાલ્મીકિ 'મરા', 'મરા' કરતાં જપમગ્ન થઇ ગયા અને પરમ સત્યનો સાક્ષાત્કાર કરી શક્યા.
માણસ અને પશુ-પક્ષીના સહજીવનની કલ્પના કરીએ તો રામ-સીતાને ખાતર પોતાના પ્રાણની આહૂતિ આપનારા જટાયુને સંભારવો પડે. એ સમયે માણસ અને પ્રકૃતિના અન્ય પરિબળો વચ્ચે અનેરું સાયુજ્ય હતું. આજે આપણે પ્રકૃતિથી વિખૂટા પડી ગયા છીએ એટલે વિનાશક વાઇરસ આપણા પર તૂટી પડે છે.
Comments
Post a Comment