ભારતીય રાગરાગિણીને પ્રસંગના ભાવને અનુરૂપ ઢાળવાની ગજબની હથોટી આ બંનેમાં ગજબની હતી

    રાગા- જાઝ સ્ટાઇલની વાત પૂરી કર્યા પછી આગળ વધીએ એ પહેલાં આપણે જ્યાંથી વાત અધૂરી મૂકી હતી ત્યાં પાછાં ફરીએ. અગાઉ તમને જણાવેલું કે ભારતીય સંગીતમાં ઉત્તર-દક્ષિણ (કર્ણાટક સંગીત) મળીને 38 હજારથી વધુ રાગરાગિણી છે. ફિલ્મ સંગીતનો ઉદ્દેશ સાત્ત્વિક મનોરંજન પીરસવાનો હોય છે. એટલે આંગળીને વેઢે ગણાય એટલા મહેફિલના રાગ તરીકે ઓળખાતા રાગોનો વપરાશ વધુ થતો રહ્યો છે. પીલુ, પહાડી, ભૈરવી, શિવરંજની, માલકંસ, તિલક કામોદ જેવા આઠ દસ રાગો ફિલ્મ સંગીતમાં વધુ વપરાતા રહ્યા છે. એમાં અપવાદ રૂપ કેટલાક રાગોની વાત કરી શકાય. અપવાદને બાજુ પર રાખીને વાત આગળ વધારીએ.

   શંકર જયકિસન માટે ખરી-ખોટી એવી છાપ પડી ગયેલી કે એ બંને ભૈરવી અને શિવરંજની જેવા રાગો પર જ ગીતો રચે છે. એ વાત આ બંનેએ પત્રકારો સાથે વાદવિવાદ કે દલીલો કર્યા વિના પોતાના કામ દ્વારા ખોટી સાબિત કરેલી. એમની કલ્પના શક્તિ કેવી અખૂટ હતી એના બે ચાર દાખલા માણવા જેવા છે. બાળક સંગીત ક્લાસ જોઇન કરે ત્યારે પહેલોજ રાગ ભૂપાલી શીખવવામાં આવે સા, રે, ગ, પ અને ધ આ પાંચ સ્વરો દ્વારા બનતા ભૂપાલીમાં શંકર જયકિસને લગભગ ચાર- પાંચ ગીતો આપ્યાં. આ બધાં ગીતો યાદગાર બન્યાં, હિટ નીવડ્યાં.

   ભૂપાલી આધારિત દરેક ગીતનો ભાવ અલગ હતો. દાખલા તરીકે અંગત કારણથી ઘર ત્યજીને નીકળેલી યુવતી મુક્ત ગગન તળે જે રીતે પોતાના મનની લાગણી વ્યક્ત કરે છે એ ગીત તમને યાદ હશે- 'પંછી બનું ઊડતી ફિરું મસ્ત ગગન મેં આજ મૈં આઝાદ હું દુનિયા કે ચમન મેં...' (ફિલ્મ ચોરી ચોરી) આ ગીતની સામે આમ્રપાલીનું આ ગીત મૂકો- 'નીલ ગગન કી છાંવ મેં, દિન રૈન ગલે સે મિલતે હૈં, દિલ પંછી બન ઊડ જાતા હૈ, હમ ખોયે ખોયે રહતે હૈં...'  પ્રિય પાત્રની યાદમાં દિલ કેવો મીઠ્ઠો અજંપો વેઠે છે એનો ભાવ અહીં બંદિશમાં સરળ રીતે ઊપસી આવ્યો છે. એમાંય પંક્તિ પૂરી કર્યા પછી લતાજી જે ભાવવાહી રીતે આલાપ લે છે એ રસિકજનને મુગ્ધ કરી દે છે.

 હવે આ બંને ભાવથી તદ્દન જુદા સંવેદનને રજૂ કરતાં આ બે ગીતો માણોઃ પહેલું ગીત પ્રિયપાત્ર પાસે વિદાય માગતી વેળા, બીજે દિવસે અચૂક મળવાનો વાયદો કરતી નાયિકાની વાત રજૂ કરે છે. 'સાયોનારા સાયોનારામ, વાદા નિભાઉંગી સાયોનારા, ઇઠલાતી ઔર બલખાતી, કલ  ફિર આઊંગી સાયોનારા...' (ફિલ્મ લવ ઇન ટોકિયો) અને આ ગીત કરતાં સાવ જ જુદા પ્રકારે નાયકના દિલની વાતને રજૂ કરતી ફિલ્મ દિવાનાની આ બંદિશ માણોઃ 'અય સનમ જિસ ને તુઝે ચાંદ સી સૂરત દી હૈ, ઉસી માલિકને મુઝે ભી તો મુહબ્બત દી હૈ...'

   મજેદાર વાત આ છે- રાગ એક જ છે. તાલ બદલાય છે. પંછી બનું ઊડતી ફિરું..માં ખેમટો છે, નીલ ગગન કી છાંવ મેં કહેરવો છે, સાયોનારામાં વેસ્ટર્ન સ્ટાઇલમાં કહેરવો વગાડ્યો છે અને અય સનમ જિસ ને...માં દાદરો તાલ વાપર્યો છે. ચારે ગીતમાં નોખનોખા ભાવ રજૂ કર્યા છે. ચારે ગીતો સુપરહિટ નીવડ્યાં છે. ચારમાંનાં ત્રણ ગીત લતાજીને ભાગે આવ્યાં છે અને એક ગીત મૂકેશના કંઠે રજૂ થયું છે.

  સંગીતકારની ખૂબી અહીં છે. પાંચ સાત વર્ષનાં બાળકને પહેલા વર્ષના પહેલા રાગ તરીકે જે શીખવવામાં આવે એવા પાંચ સ્વરના રાગમાં કેટલું બધું વૈવિધ્ય આ બંનેએ સર્જ્યું છે એ વિશે વિચાર કરીએ ત્યારે વિસ્મય અનુભવાય. એક પણ ગીતની બંદિશની બીજા ગીતમાં જરા અમથી છાંટ સુદ્ધાં વર્તાતી નથી. આ છે શંકર જયકિસન..! હજુ બીજા એકાદ બે એપિસોડમાં આ પ્રકારે એક રાગમાં અનેક છટાની વાત કર્યા પછી આપણે વિષયાંતર કરીશું. તો મિલતે હૈં અગલે શુક્રવાર કો, તબ તક કે લિયે બંદે કો ઇજાજત દીજિયે... સાયોનારા...સાયોનારા...

Comments

Post a Comment