'તમે જાણો છો, બધાં મંદિરો કેમ બંધ છે, કારણ કે બધા ભગવાન હૉસ્પિટલોમાં સફેદ એપ્રન પહેરીને કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરવા ગયા છે...! ' રવિવારે 22 મી માર્ચે મળેલા અસંખ્ય વ્હૉટ્સેપ સંદેશામાં સૌથી શ્રેષ્ઠ સંદેશો આ હતો. રવિવારનો જનતા કર્ફ્યૂ લોકોને ભયભીત કરવા માટે નહોતો, અગમચેતી રૂપે હતો. ભય તો વિશ્વવ્યાપી છે. આપણાં ઉપનિષદોમાં તો સુર્ય-ચંદ્ર-અગ્નિ અને વાયુ પણ સર્જનહારના ભયથી કામ કરે છે એવો એક શ્લોક છે. 'ભયાત્ તસ્યાગ્નિ તપતિઃ ભયાત્ તપતિ સૂર્યઃ' ... વગેરે.
અષાઢ વદની મેઘલી રાત્રે અંધકારમાં માર્ગ પરથી જઇ રહેલો માણસ રસ્તામાં પડેલા દોરડાને સાપ સમજીને ભયનો માર્યો ઢળી પડે એવું બની શકે. અહીં વાત થોડી જુદી કરવી છે. સવારે સાત વાગ્યાથી સ્વૈચ્છિક કર્ફ્યૂ પાળનારા કેટલાક લોકો સાંજે પાંચ વાગ્યે થાળી વગાડવા ટાણે સડકો પર આવી ગયા. અમદાવાદ અને રાજકોટમાં આવું બન્યું. એવું કેમ થયું ? એ સમજવા જેવું છે.
ગુજરાતમાં કેટલાંક સ્થળે ધ્યાનખંડો સ્થાપવામાં આવ્યાં છે. દરેક ઓરડીમાં એક નાનકડી બારી હોય. ઓરડીમાં બેઠેલી વ્યક્તિને બે ટાઇમ ભોજન અને ચા-પાણી આપવા માટે આ બારી હોય. એ સિવાય અંદર છાપાં, પુસ્તકો, ટેલિવિઝન કે મોબાઇલ ફોન ન હોય. આવા આશ્રમોના સંચાલકો કહે છે કે મોટા ભાગના લોકો અર્ધા કલાક, કલાકમાં ભયભીત થઇ જાય છે. ઘંટડી વગાડીને કહે છે કે મને બહાર કાઢો. આવું કેમ બનતું હશે ?
એના કારણમાં અધ્યાત્મના અભ્યાસીઓ કહે છે કે માણસ પોતાની જાતથી પણ ડરે છે. એકલો રહી શકતો નથી. એટલે જ આધુનિક યુગના સ્ટ્રેસ અને માનસિક તનાવને ઘટાડવા અધ્યાત્મવાદીઓ કહે છે કે રોજ પંદર મિનિટ તમારી જાત સાથે વીતાવો. વધુ સમય વીતાવી શકો તો સારું. પરંતુ એટલું ન કરી શકો તો પંદર મિનિટ તો જાત સાથે અચૂક વીતાવો. સુખાસનમાં શાંતિથી બેસો. મનમાં આવતા વિચારોને શાંતિથી સાક્ષીભાવે જોયા કરો.
મોટા ભાગના લોકોને આ કવાયત ખૂબ આકરી લાગે છે. કેમ તો કે માણસ એકાંત માણવાની કળા ભૂલી ગયો છે. એક ક્ષણ પણ એકાંત સહી શકતો નથી. એ સંજોગોમાં સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યાના દસ કલાક એણે કેવી રીતે વીતાવ્યા હશે ? એ માનસિકતા સમજાય તો સાંજે લોકો કેમ શેરીમાં નીકળી પડ્યા એ સમજવાનું બહુ મુશ્કેલ નથી.
રવિવારના જનતા કર્ફ્યૂએ અન્ય એક વાત સ્પષ્ટ કરી કે ગંભીર કટોકટી સિવાય આપણે શિસ્તમાં માનતા નથી. એ દ્રષ્ટિએ કોરોનાનો ઉપકાર માનવો જોઇએ કે દુનિયાભરના લોકોને રાતોરાત શિસ્તબદ્ધ રીતે જીવવાની ફરજ પાડી. સ્વચ્છતા, સંયમ અને શિસ્ત રોજબરોજના જીવનમાં કેટલાં બધાં ઉપયોગી છે એ પણ આજના સોશ્યલ મિડિયાના યુગમાં આ રોગચાળાએ માણસને દાખવ્યું. માંસાહારની તુલનાએ શાકાહાર આરોગ્ય માટે કેટલો બધો ઉપકારક છે એ પણ આ રોગચાળાએ સમજાવ્યું.
સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના એક સંબોધન પર લાખ્ખો લોકો શેરીમાં સત્યાગ્રહ કરવા નીકળી પડતા. કોરોનાના ભયથી કે ગમે તેમ, હાલના વડા પ્રધાનના સૂચનના પગલે કરોડો લોકોએ જનતા કર્ફ્યૂ પાળ્યો એ પણ મહત્ત્વની ઘટના છે. જો કે મોદી ભક્તો તરત પ્રચાર કરવા માંડશે કે જુઓ જુઓ, અમારા નેતા ગાંધીજીની બરાબરીના છે કે નહીં ? આપણે રાજકારણની વાત કરવી નથી. આ ગંભીર રોગચાળા સામે ટકી રહેવું હોય તો
શિસ્તપાલન અનિવાર્ય છે. એક સિનિયર ડૉક્ટરના વ્હૉટ્સ એપ સંદેશામાં યોગ્ય રીતે સમજાવેલું કે આપણે બધા સુપરમેન કે આયર્નમેન નથી. ચેપ સામે સાવચેત રહેવું જરૂરી છે. મેડિકલ સાયન્સમાં કહે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સારવાર કરતાં સાવચેતી વધુ સારી. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો મિત્રો !
કેટલાક મિત્રોએ ભવિષ્ય પુરાણનો હવાલો આપીને અને સાધુ-સંતોએ કરેલી કહેવાતી ભવિષ્યવાણીને લગતા વ્હૉટ્સ એપ સંદેશા પણ મોકલ્યા. સાધુ-સંતોની વાણી ક્યારેય વિનાશકારી કે નેગેટિવ આગાહી કરતી નથી એ હકીકત છે.
Comments
Post a Comment