રાગા-જાઝ સ્ટાઇલ- બંદિશ અને વાદ્યોના સંકલનમાં પૂર્વ-પશ્ચિમનું મિલન સંગીતકારોએ સિદ્ધ કરી બતાવ્યું

     રાગ ભૈરવથી બંદિશના સ્વરૂપે નવું પરિમાણ સિદ્ધ કર્યું. સિતાર તો રહી જ, પરંતુ હવે શંકર જયકિસને સર્જનને નવો આકાર આપવા માંડ્યો. અહીં એક આડવાત. ભારતીય સંગીતમાં અઢળક તાલ વૈવિધ્ય છે. તાલની સંખ્યા બહુ મોટી છે અને એમાંના કેટલાક તો 9,11, 19, 27 જેવી વિષમ માત્રાના તાલ છે. કેટલાક તાલમાં પાછા પેટાતાલ જેવા કાયદા અને તિહાઇઓ છે. તાલની પહેલી માત્રા પર પાછાં ફરતી વખતે તકિટ ધાન ધા, તકિટ ધાન ધા, તકિટ ધાન ધા.. જેવા જે ત્રણ ટુકડા આવે એને સંગીતની ભાષામાં તિહાઇ કહે છે. એમાં પણ પાછું વૈવિધ્ય છે જેમ કે કિટતક ગદીગન ધા, કિટતક ગદીગન ધા, કિટતક ગદીગન ધા...

     પાશ્ચાત્ય સંગીતની તાલ પદ્ધતિમાં આવું વૈવિધ્ય ઓછું છે. મોટે ભાગે ચાર (ફોર બાય ફોર) કે ત્રણ (થ્રી બાય થ્રી) માત્રાના તાલમાં તમને સિમ્ફની સાંભળવા મળે. શંકર જયકિસને પણ રાગા- જાઝ સ્ટાઇલમાં ચાર અને ત્રણ માત્રાના તાલ અજમાવ્યા છે. ખરી ખૂબી રાગની બંદિશને વિવિધ વાજિંત્રોમાં વહેંચી દેવામાં જોવા મળે છે. એ પ્રકારે રજૂઆતની શરૂઆત આ બંને સંગીતકારે ભૈરવથી કરી. અહીં પાછી એક વેરાયટી આ બંનેએ અજમાવી. મહેફિલના શુદ્ધ શાસ્ત્રીય રાગો ઉપરાંત  ઉપશાસ્ત્રીય રાગ અને કર્ણાટક સંગીતનો એકાદ રાગ પણ અજમાવ્યો.

  તોડી અને ભૈરવ પછી આપણા સૌનો માનીતો રાગ માલકંસ આવે છે. (મન તડપત હરિ દર્શન કો આજ-ફિલ્મ બૈજુ બાવરા), ત્યારબાદ સાઉથનો રાગ કલાવતી (ખુદ તો બદનામ હુએ હમ કો ભી બદનામ કિયા (ચંદા ઔર બીજલી ), તિલક કામોદ (હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે - દિલ એક મંદિર), મિયાં મલ્હાર (ભયભંજના સુન.. બસંત બહાર), બૈરાગી (ગમ ઊઠાને કે લિયે મૈં તો જિયે જાઉંગા - મેરે હુઝૂર), જયજયવંતી -(મનમોહના બડે જૂઠે- સીમા). મિશ્ર પીલુ (મુરલી બૈરન ભયી રે કનૈયા તોરી- નઇ દિલ્હી) શિવરંજની (જાને કહાં ગયે વો દિન- મેરા નામ જોકર) અને ભૈરવી (સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની- સીમા).

    આ અગિયાર રાગને વેસ્ટર્ન જાઝ સ્ટાઇલથી પ્રસ્તુત કરવામાં સિતારવાદક ઉસ્તાદ રઇસ ખાન ઉપરાંત અગાઉ જણાવેલું એમ તબલાં પર પંડિત રમાકાંત મોરે અને ડ્રમ પર લેસ્લી ગો઼ડિન્હો હતા. બાસ (ગિટાર) પર એડી ટ્રેવાસની સાથે ઇલેક્ટ્રીક ગિટાર પર એનીબલ કેસ્ટ્રો તથા દિલીપ નાઇકે સાથ આપ્યો, પિયાનો પર શંકર જયકિસનની કાયમી પિયાનો વાદક લુસીલા પછેકો હતી, બાંસુરી પર સુમંત રાજ અને સેક્સોફોન પર મનોહારી સિંઘ સાથે ટ્રમ્પેટ પર જ્હૉન પરેરા હતો. આરંભે તબલાંની જે  તિહાઇની વાત કરી એવી તિહાઇ પણ વચ્ચે વચ્ચે ગોઠવી છે જે શંકરજીના તબલાં પરના કાબુની અસર ધરાવે છે.

   આ બધાંને સાચવનારો સ્વરોનો એક જાદુગર સેબાસ્ટિયન ડિસોઝા હાજર હતો. મ્યુઝિક એરેંજરની જવાબદારી હંમેશની જેમ સેબાસ્ટિયને સંભાળી. બંદિશની કઇ સૂરાવલિ કોણે કેવા ફોર્સથી કે મૃદુતાથી છેડવાની છે એ સેબાસ્ટિયનની સૂઝ પર શંકર જયકિસને છોડ્યું હતું. સેબાસ્ટિયનની એસ્થેટિક સૂઝબૂઝ કેવી હતી એ સમજવા માટે તમારે આ આલ્બમ સાંભળવું પડે.

   પૂર્વ પશ્ચિમના સાયુજ્ય જેવું આ આલ્બમ પંડિત રવિશંકરને પણ મોકલવામાં આવ્યું હતું. આ આલ્બમ સાંભળીને એ આફ્રીન થઇ ગયા હતા અને એની નકલ યહૂદી મેન્યુહીનને મોકલી હતી. એ પણ આ બંનેના સર્જનથી મુગ્ધ થઇ ગયા હતા અને પંડિતજી મારફત આ બંનેને શાબાશી મોકલી હતી. આ આલ્બમ આજે સીડીના રૂપે ઉપલબ્ધ છે.

  ઉસ્તાદ અમીર ખાન કહેતા એમ 'ઘણીવાર બડા બડા ઉસ્તાદો અડધા પોણા કલાકની આલાપચારી પછી પણ ક્યારેક રાગની હવા બાંધી શકતા નથી ત્યારે આ બંનેએ ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપવા ઉપરાંત રાગા- જાઝ સ્ટાઇલ દ્વારા પોતે પાશ્ચાત્ય શૈલીથી ભારતીય રાગદારી સર્જવામાં પણ જરાય ઊણા ઊતરતા નથી એ હકીકત પુરવાર કરી' આપી હતી.

   સૌથી મોટી વાત તો એ હતી કે વૈશ્વિક સંગીતમાં પલટાઇ રહેલા પવનને આ બંને સૌથી પહેલા પારખી શક્યા હતા. યૂરોપ અમેરિકાના દેશોમાં ફ્યૂઝન સંગીત જામી રહ્યું હતું એનો આ બંને બહુ વહેલો ખ્યાલ આવી ગયો હતો. આવો પ્રયોગ કરીને પોતે પણ ફ્યૂઝન સર્જી શકે છે અને આ ક્ષેત્ર સફળતાથી ખેડી શકે છે એ હકીકત પુરવાર કરી હતી. એ દ્રષ્ટિએ જુઓ તો આ બંને પોતાના સમકાલીન સંગીતકારો કરતાં ઘણા આગળ હતા.

 આવો પ્રયોગ કરવાનું બીજા કોઇ ફિલ્મ સંગીતકારને કેમ ન સૂઝ્યું ? એવો સવાલ આપણને થાય. એમ પણ કહી શકાય કે આ બંને પોતાના સમય કરતાં ઘણા આગળ હતા. એ તો 1971માં જયકિસનનું અકાળ અવસાન થયું અને શંકરજી એકલા-અટુલા પડી ગયા. નહીંતર આ બંને આવા બીજા અનેક પ્રયોગો કરી શક્યા હોત.

Comments