એને યોગાનુયોગ ગણી લેવો કે ભારતીય સંગીતની દિવ્ય શક્તિ તરીકે સ્વીકારવું ? મજેદાર દ્વિધા છે



ખબરદાર...આગે મત બઢના વર્ના મારે જાઓગે... ઘનઘોર અંધકાર ભરી રાત્રે કાચી સડક પરથી પસાર થઇ રહેલી એક કારને દસ પંદર બુકાનીધારી કરડા ચહેરાવાળા ડાકુઓએ ઘેરી લીધી. સૂમસામ રાત્રે જંગલ વિસ્તારમાંથી નિરાંતે કાર ડ્રાઇવ કરી રહેલા અને ગીત  ગણગણી રહેલા ચાલકને બિહામણા ચહેરાવાળા  અને બેનાળી બંદૂકો ધરાવતા ડાકુઓએ ઘેરી લીધો. કારમાં ડ્રાઇવ કરી રહેલો હેન્ડસમ યુવાન એકલો હતો. એની તરફની બારી ઊઘડાવીને એને લમણે બંદૂક ધરી દીધી- નિકાલ કિતના માલ હૈ તેરે પાસ...વર્ના ફૂંક દેંગે...

મેરે પાસ તો પૈસે નહીં હૈ, આપ ચાહો તો મેરે કપડે ઊતરવા કે દેખ સકતે હો, પેલાએ નિર્ભયતાથી કહ્યું.  એના ચહેરા પર ભયનું નામનિશાન નહોતું એટલે ડાકુઓને નવાઇ લાગતી હતી. સામાન્ય સંજોગોમાં આ ડાકુઓને જોઇને જ ઘણાનાં કપડાં બગડી જતા. પરંતુ આ યુવાન તો બેધ઼ડક ઊભો હતો- બેખૌફ. ડાકુઓને નવાઇ લાગી. પૂછ્યું, કૌન હો, કહાં સે આયે હો, કહાં જા રહે હો ?  સંગીતકાર હું, સિતાર બજાતા હું, એક જલસે મેં બજાકર અપને ઘર સહરાનપુર જા રહા હું.

ગાડી મેં ક્યા હૈ ?  ડાકુઓએ પૂછ્યું. મેરી સિતાર હૈ ઔર બિદેશી શરાબ કી દો ચાર બોતલ હૈ.. શરાબનું નામ સાંભળીને ડાકુઓની આંખ ચમકી. કૉડ લેંગ્વેજમાં અંદર અંદર વાત કરીને કહ્યું, ચલે હમારે સરદાર કે પાસ...સિતાર ઔર શરાબ કી બોતલેં લે લો...એમ કહી ચારે બાજુથી પેલાને ધેરીને જંગલની ભીતર ક્યાંક લઇ ગયા. ત્યાં પોતાના સરદારની સામે એને રજૂ કર્યો. એ સંગીતકાર છે એ જાણી સરદારે ઇશારોથી શરાબના પ્યાલા ભરવાનું કહી, સંગીતકારને હુકમ કર્યો, કુછ સુનાઓ..

સંગીતકાર ઉત્તર ભારતના લોકસંગીત અને ઉપશાસ્ત્રીય રચનાનો અભ્યાસી હતો. કેટલાંક ગીતો ગાઇને, કેટલીક ધૂન સિતાર પર છેડીને એ તો મસ્તીમાં ગાતો-વગાડતો  રહ્યો. રાત  કપાતી રહી.  મળસ્કું થવા આવ્યું.

બહોત ખૂબ બહોત ખૂબ, સરદારે બિરદાવ્યો. તુમને તો વાકઇ કમાલ કર દિયા, હમને ઐસા સંગીત કભી સુના નહીં હૈ. તુમ બેશક ખાનદાની મૌશિકાર લગતે હો. હમ બહોત ખુશ હુએ. એમ કહીને સરદારે પોતાના હાથમાં રહેલી-- ચોરેલી કે કોઇને  લૂંટ્યા પછી એની હત્યા કરીને એ મૃતદેહ પરથી ઊતારી લીધેલી અસલી માણેક જડેલી એક વજનદાર જાડ્ડી સોનાની વીંટી સંગીતકાર તરફ લંબાવી. યહ હમારી તરફ સે છોટા સા નજરાના...કુબૂલ કર લો..

પછી પોતાના સાથીદારો તરફ જોઇને કહ્યું, ઇન કો બાઇજ્જત ચંબલ કી હદ કે બાહર હાઇવે તક છોડ આઓ...રસ્તેમ્ ઇન કી હિફાઝત કરના, કોઇ ઇન્હેં હૈરાન ન કરે. કહના, ડાકુ માધોસિંઘ કે મહેમાન હૈં..  ડાકુ માધોસિંઘનું નામ સાંભળીને પહેલીવાર સંગીતકાર પોતાના રેશમી લખનવી કૂર્તાની અંદર ધ્રૂજી ઊઠ્યો. જેમ તેમ સ્વસ્થતા જાળવી રાખી.

ડાકુઓએ કુલડીમાં ધરેલી ગરમા ગરમ ચા પીને એ પોતાના વળાવિયા ડાકુઓ સાથે રવાના થયો. 1950ના દાયકાની  વાત છે આ. એ દિવસિમાં ચંબલની કોતરોમાં ડાકુ માધો સિંઘસ મોહર સિંઘ, જર્નૈલ સિંઘ વગેરેની ફેં ફાટતી. પોતાને થયેલા અન્યાયના બદલા રૂપે એ બધા બહારવટે ચડ્યા હતા.વટેમાર્ગુંને લૂંટતા, રાક્ષસી અત્યાચારો કરતા અને પોતે કરેલી હત્યા લૂંટફાટના આંકડા અખબારોમાં છપાયેલા જોઇ-સાંભળીને પોરસ અનુભવતા.

એવા સમયે ઇમદાદ ખાની ઘરાનાના સિતારવાદક ઉસ્તાદ વિલાયત હુસૈન ખાનને થયેલા આ અદભુત અનુભવની વાત નમિતા દેવીદયાલે ઉસ્તાદજીની જીવનકથા સિક્સ્થ સ્ટ્રીંગ ઑફ ઉસ્તાદ વિલાયત ખાનમાં આલેખી છે. એ વીંટી ઉસ્તાદજીના પત્ની લીઝા હજુય પહેરે છે. ઉસ્તાદજી આ પ્રસંગમાં મરીમસાલો ભરીને પોતાના પૌત્રો-દોહિત્રોને કહેતા એમ આ પુસ્તકમાં લેખિકાએ ઉમેર્યું છે.

આ ઘટનાને ભારતીય સંગીતનો ચમત્કાર ગણવો કે ઉસ્તાદજીનું નસીબ એ એક મીઠ્ઠી દ્વિધા થઇ પડે એવી વાત છે. કલાકારોને જાતજાતના અનુભવો થતા હોય છે. એવા બીજા પણ કેટલાક અનુભવોની વાત ફરી ક્યારેક.

Comments

  1. વાહ ,સંગીત ઈશ્ચરના નાદબ્હમનું રૂપ છે

    ReplyDelete

Post a Comment