ખરું પૂછો તો રાગા - જાઝ સ્ટાઇલ શંકર જયકિસન માટે સાવ સહેલું હતું. એનું કારણ સમજવા જેવું છે. પંડિત રવિશંકરે વિદેશી સંગીતરસિકો ભારતીય સંગીત માણી શકે એ માટે વિવિધ રાગની નાનીનાની બંદિશો (ગતો) તૈયાર કરી. એવું તો ફિલ્મ સંગીતકારો પહેલેથી કરતા આવ્યા છે. શાસ્ત્રીય રાગ આધારિત ફિલ્મ ગીત ત્રણથી સાડા ત્રણ મિનિટનું હોય. એટલે પંડિત રવિશંકરે જે પ્રયોગ કર્યો એ તો ફિલ્મોમાં થતો જ આવ્યો હતો. આ હકીકત ધ્યાનમાં રાખીને શંકર જયકિસને આવો પ્રયોગ કરવાની તક ઝડપી લીધી એમ કહી શકાય.
રાગા - જાઝ સ્ટાઇલમાં સરેરાશ પાંચથી છ મિનિટના અગિયાર રાગો રજુ થયા. ભારતીય સંગીતમાં સવારથી રાત સુધીના રાગોનું સમયચક્ર છે. રાગા-જાઝ સ્ટાઇલ આલ્બમમાં રાગોની પસંદગી જોતાં એમ લાગે છે કે શરુમાં
સવારથી રાત સુધીના રાગો લેવાની યોજના હશે. પાછળથી એ વિચાર પડતો મુક્યો હશે. એ વિશે વિગતે વાત કરવા અગાઉ અન્ય એક મુદ્દો સમજી લઇએ. શંકર જયકિસનના ઓર્કેસ્ટ્રામાં એકસો સાજિંદા હતા એ વાત આપણે અગાઉ કરી હતી. રાગા જાઝ સ્ટાઇલ માટે શંકર જયકિસનને માત્ર દસેક સાજિંદાની જરૂર હતી. એ પસંદગી
ખરેખર વિકટ હતી. દાખલા તરીકે તબલાવાદકોમાં બનારસ ઘરાનાના પંડિત સામતાપ્રસાદ, રાગ આધારિત ફિલ્મ ગીતોમાં તબલાં વગાડનારા ઉસ્તાદ અબ્દુલ કરીમ, સતાર, શ્રીકાંત, પંડિત રમાકાંત મોરે વગેરે હતા. શંકર પોતે આલા દરજ્જાના તબલાવાદક હતા. આમ છતાં સંગીતકારોએ ઊંડો વિચાર કરીને પંડિત રમાકાંત મોરેને પસંદ કર્યા. આ રીતે દરેક સાજ વિભાગમાંથી કલાકારોની પસંદગી કરી.
જે જે કલાકાર પસંદ કર્યા એમનાં વિશે આપણે આલ્બમના રાગોની વાત કરતી વખતે કરીશું. દરેક કલાકારે આ આલ્બમને યાદગાર બનાવવા માટે રીતસર પરસેવો પાડ્યો હતો. ઓછામાં ઓછા ટેકમાં ફાઇનલ રેકોર્ડિંગ થઇ જાય એની તકેદારી સંગીતકારો ઉપરાંત આ સાજિંદાઓએ પણ રાખેલી એ હકીકત તો આલ્બમની રચનાઓ સાંભળતાં તરત સમજાઇ જાય છે. સાજિંદાની પસંદગીમાં સંગીતકારોની સૂઝબૂઝ અનુભવી શકાય છે.
પ્રાતઃકાલીન રાગ મિયાં કી તોડીથી આરંભ થાય છે. આ રાગ તાનસેને બનાવ્યો હોવાની માન્યતા છે. શંકર જયકિસન અગાઉ ફિલ્મ બસંત-બહારમાં આ રાગ અજમાવી ચૂક્યા હતા. તમને એ ગીત યાદ હશે. દુનિયા ન ભાયે, મોંહે અબ તો બુલા લે, ચરણો મેં, ચરણો મેં... રાગ તોડીમાં સંગીતકારોએ એક અનોખો કહેવાય એવો પ્રયોગ કર્યો. દેશના સર્વોત્તમ સિતારવાદકોમાં જેમની ગણના થતી હતી એવા ઉસ્તાદ રઇસખાનની સાથે પંડિત રમાકાન્ત મોરેએ તબલા પર અને લેસ્લી ગોડિન્હોએ ડ્રમ પર સંગત કરી.
રાગ તોડી સિતાર પર છેડાયો છે. મેવાતી અને ઇન્દોર ઘરાનાના સિતારવાદક ઉસ્તાદ રઇસ ખાને તોડી છેડ્યો છે. આ કલાકારના પિતા સિતાર-સુરબહારના ઉત્તમ સાધક હતા અને માતા ઉત્તમ ગાયિકા હતાં. એટલે રઇસખાનના સિતારવાદનમાં ગાયન અને તંતકારી બંનેની ખૂબીઓ માણવા મળતી. ઉપરાંત તેમણે પોતાના મામા (ઇમદાદખાની ઘરાનાના) ઉસ્તાદ વિલાયત ખાનની કેટલીક ખૂબીઓ આત્મસાત કરી હતી. આમ રઇસખાનનુ સિતારવાદન ફિલ્મસંગીતના અન્ય સિતારવાદકો (પંડિત જયરામ આચાર્ય, પંડિત અશોક ભગતરામ, વગેરે) કરતાં અલગ તરી આવતું હતું.
સિતારની પાછળ બાંસુરી અને સેક્સોફોન સાથે બાસ ગિટાર જેવાં વાદ્યો રાગની સંગત કરે છે અને વિદેશી સ્ટાઇલન કહેરવામાં બંદિશ આગળ વધે છે. સ્વરોનો ઝંઝાવાત રઇસ ખાનની સિતારમાં અનુભવાય છે.
બીજી રચના પણ પ્રાતઃકાલીન રાગ ભૈરવની છે. ભારતીય સંગીતના જે આદિ છ રાગો છે એમાંનો એક ભૈરવ છે. આ છ આદિ રાગો ભગવાન શંકરે રચ્યા હતા એવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. આ રાગમાં આપણે ફિલ્મ જાગતે રહોની (સંગીત - સલિલ ચૌધરી ) અમર રચના જાગો મોહન પ્યારે સાંભળી છે, માણી છે. આ ગીત લતાજીએ ગાયું છે. આ રાગના પણ અન્ય પ્રકારો છે. જેવા કે અહીર ભૈરવ, શિવમત ભૈરવ, આનંદ ભૈરવ, વગેરે. એની વાત હવે પછી.
Comments
Post a Comment