વરસો પહેલાં લોકસાહિત્યના ડાયરામાં એક રચના સાંભળી હતી. યાદશક્તિના આધારે લખું છું, ભૂલચૂક લેવી દેવી. "આંખો જો ઊંચી હોય તો આરાધના કહેવાય, આંખો જો નીચી હોય તો લજ્જા કહેવાય, આંખો જો સીધી હોય તો નિર્દોષતા કહેવાય, આંખો જો તિરછી હોય તો નખરા કહેવાય..." આંખ પુરુષની હોય કે સ્ત્રીની હોય, મનોચિકિત્સકો આંખને આત્માની બારી કે દર્પણ કહે છે. અનુભવી પોલીસ અધિકારીઓ કહે છે કે ગુનેગાર ક્યારેય અમારી સાથે આંખ મેળવીને વાત કરતો નથી.
ગયા સપ્તાહે મુંબઇ હાઇકોર્ટના એક વિદ્વાન ન્યાયમૂર્તિ જસ્ટિસ ચવ્હાણે સરસ ઓબ્ઝર્વેશન રજૂ કર્યું. તેમણે એક કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલને કહ્યું કે દરેક સ્ત્રીને પરમાત્માએ આગવી સૂઝ આપી છે. કઇ વ્યક્તિ પોતાને કેવી દ્રષ્ટિથી જુએ છે એનો ખ્યાલ સ્ત્રીને તરત આવી જાય છે.
આમિર ખાનની ફિલ્મ દંગલની એક અભિનેત્રી વિમાનમાં મુંબઇ આવી રહી હતી ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં બેઠેલા એક વેપારીએ આ અભિનેત્રીને અણછાજતો સ્પર્શ કર્યો એનો કેસ જસ્ટિસ ચવ્હાણની કોર્ટમાં ચાલી રહ્યો હતો. બચાવ પક્ષના વકીલે કહ્યું કે અજાણતામાં વેપારીનો હાથ ફરિયાદીને અડી ગયો હશે, બાકી વેપારી એક ઇજ્જતદાર માણસ છે. અભિનેત્રીને બદઇરાદાથી સ્પર્શ કરવાનો હેતુ નહોતો.
એના જવાબમાં જસ્ટિસ ચવ્હાણે આ ઓબ્ઝર્વેશન રજૂ કર્યું હતું. જાણ્યે અજાણ્યે જસ્ટિસ ચવ્હાણે એક સનાતન સત્ય રજૂ કર્યું હતું. તમે પણ વિચારજો. કોઇ પણ પુરુષ પોતાની સામે કઇ દ્રષ્ટિથી જુએ છે એ સ્ત્રી તરત સમજી જાય છે. એજ રીતે બસ, ટ્રેન કે વિમાનમાં આગળની બેઠક પર કોઇ સ્ત્રી બેઠી હોય અને પાછલી બેઠક પરનો પુરુષ એને તાકી રહ્યો હોય તો ગરદનની પાછળ આંખ હોય એ રીતે સ્ત્રીને ખબર પડી જાય છે કે પાછળથી કોઇ એને તાકી રહ્યું છે.
શક્ય છે, સગીર વયની બાળામાં આટલી સમજ કદાચ ન હોય. સગીર બાળાઓ પર રેપની ઘટનાઓ વધી રહી છે એનું એક કારણ આ હોઇ શકે. ચોકલેટ કે આઇસક્રીમની લાલચ આપનારા અન્કલની આંખમાં સળવળતા વાસનાના સાપોલિયાં એને કદાચ ન સમજાય એવું બને. પરંતુ પુખ્ત વયની સ્ત્રી તો સામે ઊભેલા માણસની આંખ પરથી વરતી જતી હોય છે કે આ માણસ કઇ દ્રષ્ટિથી મને નીરખી રહ્યો છે. એ તરત સભાન થઇ જાય છે અને એની બોડી લેંગ્વેજ તરત બદલાઇ જાય છે. ખાસ કરીને લાંબા રેશમી વાળ ધરાવતી સ્ત્રીએ અંબોડો વાળ્યો હોય તો એ તરત ઓઢી લઇને અંબોડાને ઢાંકી દે છે.
એક મિત્રનો શુક્ર પાવરફૂલ હશે કે કોણ જાણે. પરંતુ એની સાથે ઑફિસમાં ઘણી સહકર્મચારી વાત કરવા આતુર રહેતી. અન્ય એક પુરુષ કર્મચારીએ આ મિત્રને પૂછ્યું કે આટલી બઘી છોકરીઓ તારી સાથે વાત કરવા કેમ ઉત્સુક હોય છે ? પેલાએ જવાબમાં કહ્યું, નજર ચોખ્ખી હોય તો કોઇ પણ સ્ત્રી તમારી સાથે વાત કરવા તૈયાર હોય છે. પેલાનું મોં પડી ગયું. કેટલીકવાર ઑફિસના ઉપરી કઇ રીતે પોતાની સાથે વર્તે છે એના પરથી પણ સ્ત્રી સામાનો ઇરાદો સમજી જતી હોય છે.
ટૂંકમાં કહેવાનો હેતુ એટલો જ કે સ્ત્રીને ભગવાને સિક્સ્થ સેન્સ અર્થાત્ છઠ્ઠી જ્ઞાનેન્દ્રીય પણ આપેલી છે. સ્ત્રીને રમકડું કે ભોગવિલાસનું સાધન સમજનારા લોકોને આ વાતની સમજ હોતી નથી. પુરુષની દ્રષ્ટિ કે સ્પર્શ પાછળ રહેલી ભાવના સ્ત્રી તરત પારખી લે છે. આ એક કુદરતી બક્ષિસ છે.
100% true
ReplyDelete