સંગીત રસિકોને શંકર જયકિસનનું એ અદ્ભુત અને અભૂતપૂર્વ પ્રદાન એટલે રાગાઃ જાઝ સ્ટાઇલ



શંકર જયકિસને કારકિર્દીના મધ્યાહ્ને કરેલો પ્રયોગ એટલે રાગાઃ જાઝ સ્ટાઇલ,  આજે તો ફ્યૂઝનના નામે ઢગલાબંધ અને રેઢિયાળ પ્રયોગો થઇ રહ્યા છે. ફ્યૂઝનનો સૌથી પહેલો અને સફળ  પ્રયોગ એટલે શંકર જયકિસનનું આ સાહસ. ફરી એકવાર પંડિત રવિશંકરને યાદ કરીને આગળ વધીએ. આજે પંડિત અજય ચક્રવર્તી કે પંડિત જસરાજ દુનિયાના કોઇ પણ દેશમાં એક રાગ અડધો પોણો કલાક ગાય તો વિદેશીઓ એકાગ્રપણે સાંભળે છે અને ખુલ્લા દિલથી બિરદાવે પણ છે.

એનો યશ અલબત્ત, પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબર ખાનને ઘટે છે. 1950ના દાયકાની આખરે આ બંને કલાકારો પહેલીવાર અમેરિકા પહોંચ્યા ત્યારે પંડિતજીએ લાંબો વિચાર કર્યો હતો. એ વિચારનો સાર એટલોજ કે વિદેશીઓ પહેલીવાર ભારતનું શાસ્ત્રીય સંગીત લાંબો સમય સુધી સહન કરી શકે ખરા ? અગાઉ પંડિતજી પોતાના મોટાભાઇ અને પ્રખર ડાન્સ બેલે મેકર ઉદય શંકર સાથે વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હતા. એવા એક વિદેશ પ્રવાસ દરમિયાન જ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબનો પરિચય થયો હતો અને રવિશંકર મોટાભાઇના ડાન્સ બેલે ગ્રુપને છોડીને સિતારવાદન શીખવા ભારત પાછા ફર્યા હતા. થોડો સમય વિદેશમાં રહ્યા હોવાથી એમને વિદેશીઓનાં રસરુચિનો આછોપાતળો ખ્યાલ હતો.

પંડિતજીએ એક  નવો પ્રયોગ કર્યો. અગાઉના જમાનામાં એચએમવીની રેકર્ડ આવતી એમાં બડા બડા ઉસ્તાદો ત્રણથી પાંચ મિનિટની શાસ્ત્રીય બંદિશ ગાતા. પંડિતજીએ કેટલાક ચુનંદા રાગ પસંદ કર્યા અને એની પાંચ પાંચ દસ દસ મિનિટની બંદિશો વિદેશી શ્રોતાઓ સમક્ષ રજૂ કરવા માંડી. ધીમે ધીમે એ પ્રયોગ જબરદસ્ત સફળતાને વર્યો. ત્યારબાદ પંડિતજી અને અન્ય કલાકારો પ્રસ્તુતિનો સમય વધારતા ચાલ્યા. આજે હવે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા કે પંડિત શિવકુમાર શર્મા કલાકો સુધી વિદેશી સંગીત રસિકોને બેઠકોમાં જકડી રાખી શકે છે. એનો યશ પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબર ખાનને ઘટે છે.

પંડિતજીએ જે પ્રયોગ 1950 ના દાયકાની આખરે વિદેશમાં કર્યો એવો એક પ્રયોગ 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં શંકર જયકિસને કર્યો. શંકર જયકિસનના ઊંડા અભ્યાસી ડૉક્ટર પદ્મનાભ જોશી જેવા કેટલાક લોકો જાણે છે. શંકર જયકિસનના આ પ્રયોગની રેકર્ડ એચએમવીએ બહાર પાડી એ ગરમાગરમ દાલવડાની જેમ ચપોચપ ઊપડી ગઇ હતી. આજે પણ સંખ્યાબંધ સંગીત રસિકો પાસે એ રેકર્ડ છે. તમને રસ પડે તો તમે પણ એમેઝોન કે ફ્લીપકાર્ટ પરથી મંગાવી શકો છો.

આ સર્જન વિશે વિગતે વાત કરવા અગાઉ એની પૂર્વતૈયારીની વાત. ફિલ્મ સંગીત માટે એકસો સાજિંદા વાપરનારા આ બંને જણે ઓછામાં ઓછા સાજિંદાને સાથે રાખીને આ પ્રયોગ કરવાની યોજના ઘડી હતી. નંબર બે, દેશી અને વિદેશી બંને પ્રકારના સાજ આ પ્રયોગમાં વાપર્યા હતા. નંબર ત્રણ, અહીં  ભારતીય રાગોને વિદેશી જાઝ શૈલીમાં રજૂ કરવાના હતા.

નાઉ વ્હૉટ ઇઝ જાઝ ? તદ્દન સરળ શબ્દોમાં કહેવું હોય તો અમેરિકામાં વસતા આફ્રિકી સંગીતકારો અને અમેરિકી સંગીતકારોએ ભેગા મળીને કરેલા સંગીતના એવા પ્રયોગો જે સ્વર અને લય બંને દ્રષ્ટીએ સંગીત નહીં જાણનારા લોકોને પણ આનંદ આપે. એમાં પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને સુગમ સંગીત ત્રણેનો ત્રિવેણી સંગમ. આવી સમજ અમેરિકાના એ સમયના ટોચના જાઝ સંગીતકારો ચાર્લી પાર્કર (1920-1955), લુઇસ આર્મસ્ટ્રોન્ગ (1901-1971), ઇલા કે એલા ફિટ્ઝગેરાલ્ડ (1919-1996) વગેરેએ મિડિયાને આપી હતી. ટોચના દસ જાઝ સંગીતકારોમાં અડધો અડધ બિનગોરા આફ્રિકી સંગીતકારો હતા જે અમેરિકામાં વસી ગયા હતા.

શંકર જયકિસને ભારતીય રાગોમાંથી કેટલાક રાગ-રાગિણી પસંદ કર્યા અને એને જાઝ સંગીતના વિદેશી લયવાદ્ય ડ્રમના તાલ સાથે રજૂ કરીને ચમત્કાર સર્જ્યો.  કયા કયા રાગ પસંદ કરેલા અને પોતાના 100 સાજિંદામાંથી કયા સાજિંદાને સાથે રાખીને સર્જન કર્યું એની વાત આવતા શુક્રવારે. ત્યાં સુધી ધીરજ રાખજો.

Comments