ગયા સપ્તાહે લંડનની કિંગ્સ મેડિકલ
કૉલેજ હૉસ્પિટલમાં 53 વર્ષની એક મહિલા વાયલિનવાદક ડેગમર
ટર્નરની છ કલાકની બ્રેઇન સર્જરી થઇ. એ દરમિયાન બેહોશીની દવા (એનેસ્થેશિયા)ની અસર
ઓછી થઇ જતાં એ ચાલુ એાપરેશને ભાનમાં આવી ગઇ. ડૉક્ટરોના કામમાં વિક્ષેપ ન પડે એવી
ભાવનાથી એણે તરત પોતાનું વાયલિન મંગાવ્યું અને એ વગાડતાં વગાડતાં સર્જરી પૂરી
કરાવી. આ સમાચાર તમે પણ કદાચ અખબારોમાં વાંચ્યા હશે.
યૂરોપ અમેરિકાની કેટલીક મોટી
હૉસ્પિટલોમાં મ્યુઝિક થેરપીના પ્રયોગો થાય છે. સંગીત સંભળાવીને દર્દીઓને ઝડપભેર
સાજા કરવાના પ્રયોગો થાય છે. ટોચના સર્જ્યન પણ ઓપરેશન કરતી વખતે ઓપરેશન થિયેટરમાં
મૃદુ સૌમ્ય સંગીત સાંભળતાં સાંભળતાં સર્જરી કરે છે. ડેગમર ટર્નરનો કિસ્સો આ
પ્રકારનો પહેલો કિસ્સો નથી. તમને જાણીને કદાચ નવાઇ લાગશે પરંતુ આવો સફળ પ્રયોગ છેક
2017માં બેંગાલુરુમાં થયો હતો. અભિષેક
પ્રસાદ નામના ગિટારવાદકના મગજની સર્જરી ચાલુ હતી ત્યારે એે પોતે પૂરેપૂરા હોશમાં
હતા અને ગિટાર વગાડતા હતા. 2017ના જુલાઇમાં આવો પ્રયોગ ભારતમાં થઇ ગયેલો પરંતુ આપણા મિડિયાએ એ તરફ પૂરતું
ધ્યાન નહોતું આપ્યું. જો કે બીબીસીએ આ સમાચારને
સારું કવરેજ આપ્યું હતું.
એવોજ એક પ્રયોગ 2018ના ડિસેંબરમાં સાઉથ આફ્રિકાના ડર્બન શહેરમાં થયો હતો.
ડર્બનની આર્થ લુથુલી હૉસ્પિટલમાં પ્રસિદ્ધ જાઝ સંગીતકાર મુસા મેંઝિની પર પણ છ
કલાકની બ્રેઇન સર્જરી થઇ હતી. એ છએ છ કલાક સુધી મુસા ભાનમાં હતો અને ગિટાર વગાડતો
રહ્યો હતો.
તમે પંડિત ભીમસેન જોશી કે પંડિત
જસરાજને ગાતાં જોયાં સાંભળ્યાં હોય તો ગાયનના અમુક તબક્કે એમની આંખો આપોઆપ મીંચાઇ
જાય છે અને એ ગાતાં ગાતાં ડોલી ઊઠે છે. અધ્યાત્મના ઉપાસકો જેને સમાધિ કહે છે એવી
સ્વરસમાધિ આ ગાયકો અનુભવે છે. એ ભાવસમાધિને શબ્દોમાં વર્ણવી શકાય નહીં.
વિચારવાનું આ છે- આ ઘટનાઓ સંગીતની
શક્તિ છે કે પછી ખડક જેવા અડગ મનોબળની છે ? તમે મોહર્રમના તાજિયા પ્રસંગે જોયું હશે. શ્રદ્ધાળુઓ પોતાના શરીર પર છરીના કે
તલવારના ઘા મારે છે. એમને કશું થતું નથી. સળગતા ધગધગતા કોલંસા પરથી લોકો ચાલ્યા
જાય છે.
એવું કરનારા લોકોમાં નાનાં નાનાં
બાળકો પણ હોય છે. એમને કોઇ ઇજા થતી નથી. અગાઉ ધીંગાણાં થતાં ત્યારે લડનારનું માથું
કપાઇ જાય એ પછી પણ ધડ (એને કબંધ કહે છે) લડ્યા કરતું.
આ કઇ શક્તિ છે જે માણસને ચોક્કસ
સંજોગોમાં આવાં જોખમી સાહસ કરવા પ્રેરે છે ? વાસ્તવમાં મન એ રીતે પોતાને કેળવી લે છે. આવી શક્તિ ધ્યાન કરનારા લોકોમાં પણ
આવે છે એવું સ્વામી મુક્તાનંદ પરમહંસે ગણેશપુરી આશ્રમમાં સિદ્ધ કરી બતાવ્યું હતું.
સંગીત તબીબી ઉપચારમાં સહાય કરે છે
એ હકીકત છે. સંગીત સાંભળતી ગાય વધુ દૂધ આપે છે અને સંગીત સાભળીને ફૂલછોડ સરસ રીતે
વિકસે છે એ હકીકત ભારતમાં તો દાયકાઓ પહેલાં પુરવાર થઇ ચૂકી હતી. યૂરોપ અમેરિકા હવે
એ વાત સ્વીકારે છે. આપણે ત્યાં તાનસેને દીપક રાગ ગાઇને દીવા પ્રગટાવ્યા અને
તાના-રીરીએ મેઘ-મલ્હાર ગાઇને તાનસેનનો દીપકજ્વર મટાડ્યો એવી કથાઓ છે.
સંગીત તબીબી
ઉપચારમાં સહાયરૂપ નીવડે છે એ હકીકત સ્વીકારીએ. પરંતુ સર્જરી દરમિયાન ગિટાર કે વાયલિન
વગાડવાની જે ઘટનાઓ છે એમાં દ્રઢ મનોબળ અને સ્વરસમાધિથી આવતી યોગનિદ્રા એમ બંનેનો
સમન્વય થાય છે. પૂરેપૂરા હોશમાં માણસ હોય અને વાઢકાપ થતી હોય ત્યારે એને વાઢકાપથી
થતી વેદનાનો જરા પણ અહેસાસ ન થાય એમાં સ્વરસમાધિ ઉપરાંત સંબંધિત વ્યક્તિના અજ્ઞાત
મનની શક્તિ પણ સમાન ભાગ ભજવે છે એવું નથી લાગતું ? સામાન્ય સંજોગોમાં સાદી ટાંચણી વાગે
તો પણ માણસ રાડ પાડી ઊઠે છે, જ્યારે અહીં તો છરી
વડે કલાકો સુધી વાઢકાપ થતી રહે છે. આ એક એવી વિરલ ઘટના છે જેમાં દર્દીનું મન અને
સંગીતના સ્વરો સાથે મળીને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય એવો ચમત્કાર સર્જે છે.
Comments
Post a Comment