ચીંથરે વીંટ્યુ રતન એટલે લડ્ડુ- સની હિન્દુસ્તાની છાબડે ઢાંક્યું રતન ક્યાં સુધી છૂપું રહી શકે ?


  મહાભારતમાં એકલવ્ય નામના ભીલબાળની કથા આવે છે. ગુરુ દ્રોણે એને ધનુર્વિદ્યા શીખવવાની ના પાડી ત્યારે ગુરુની  મૂર્તિ  બનાવીને ગુરુ સામે બેઠાં છે અને પોતે શીખે છે એવા દ્રઢ સંકલ્પ સાથે એ અર્જુનનો બરાબરિયો થયો. મહાભારતની આ કથા જેને ગળે ન ઊતરે એને સની હિન્દુસ્તાની ઉર્ફે લડ્ડુની સંઘર્ષકથા જણાવવી જોઇએ. રવિવારે 23 ફેબ્રુઆરીએ રાત્રે કરોડો લોકોની સામે પંજાબના એક ગરીબ પણ ટેલેન્ટેડ યુવાને ગાયું અને  ઇન્ડિયન આઇડલનો વિજેતા બની ગયો. ખરેખર વિસ્મયજનક ઘટના હતી. ઘર પરિવારમાં સૌ એને લડ્ડુ કહે છે.



રેલવેના પાટા પર ચાલીને ભટિન્ડા રેલવે સ્ટેશન પર જતો અને બૂટ પોલિશ કરતો સની પૂર્વજન્મનો કોઇ યોગભ્રષ્ટ સંગીતકાર હોવો જોઇએ. એ સિવાય નુસરત ફતેહ અલી ખાનની ગાયકી ગળામાં ઊતરે શી રીતે ? બુલેટ ટ્રેનની ઝડપે નુસરત ફતેહ અલી ખાન સરગમો ગાતા. ભલભલા શાસ્ત્રીય ગવૈયા એ લયમાં સરગમ ગાતાં હાંફી જતા હોય  છે.  સની સાવ આસાનીથી એ સરગમો ગાતો હતો. એમાંય ઇન્ડિયન આઇડલની દસમી સિરિઝના વિજેતા સલમાન અલી સાથે ગાયું ત્યારે સંગીતકાર હિમેશ રેશમિયાએ એકસો ટકા યોગ્ય રીતે સનીને કહ્યું, સલમાન પેઢીઓથી ગવૈયા રહેલા સંગીતકારપરિવારનો છે. સલમાન દૂધ પીતો બાળક હતો ત્યારથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લઇ ચૂકેલો છે. એની સાથે સંગીતની પદ્ધતિસરની કોઇ તાલીમ વિના તેં જુગલબંધી કરી એ જેવી તેવી સિદ્ધિ નથી...મારા કરતાં વધુ મોટો તારો કોઇ ફેન નહીં હોચ...

ભારતીય સંગીત ગુરુમુખ વિદ્યા ગણાય છે. ગુરુના ચરણમાં બેસીને ગુરુ જે ગાય તે પોતાના ગળામાં અથવા સાજમાં ઊતારવાનું હોય છે. સનીએ એકલવ્યની જેમ નુસરત ફતેહ અલી ખાનને સાંભળી સાંભળીને પોતાના ગળામાં ઊતાર્યા છે. એક અજોડ ઘટના છે. કારણ કે નુસરત ફતેહ અલી ખાનની ગાયન શૈલી લોઢાના ચણા ચાવવા જેવી ગણાય. અમીર ખુશરોથી શરૂ થયેલા મનાતા અને ભારતીય સંગીતના સૌથી પ્રાચીન મનાતા કવ્વાલ બચ્ચે ઘરાનાના ગાયકોની ગાયનશૈલી અત્યંત અઘરી છે. 


એમ કહેવાય છે કે કવ્વાલ બચ્ચેના મોંમાં તાળવામાં ખાડો પડી જાય એટલી હદે લોકો રિયાઝ કરતા હોય છે. એવો એક રિયાઝ ચિલ્લા રિયાઝ તરીકે ઓળખાય છે. ચિલ્લા રિયાઝ કરનાર વ્યક્તિ એક  ઓરડામાં ચાલીસ દિવસ સુધી પૂરાઇ જાય. માત્ર દૈનંદિન પ્રવૃત્તિ -સ્નાન આદિ અને બે સમયના ભોજન પૂરતી બહાર આવે. બાકી ચોવીસે કલાક રિયાઝ કરવાનો. એમાં પણ વિવિધ લયકારીમાં સરગમો ગાવાની. આ રિયાઝ આજે તો  બહુ ઓછા સાધકો કરે છે. આ એક તપસ્યા છે.

સંગીતકાર આરડી બર્મનને મળવાનું થયું ત્યારે એમણે એક બહુ મહત્ત્વની વાત કરી હતી. એણે કહ્યું, સંગીતની સાધના કરવી હોય તો કાં તમે ફકીર હોવા જોઇએ અને કાં કરોડપતિ બાપને ત્યાં જન્મ્યા હોવા જોઇએ. ઇન્ડિયન આઇડલનો વિજેતા બન્યો એ પહેલાંની સનીની સ્થિતિ ફકીર જેવી જ હતી. કદાચ એ એટલેજ નુસરત ફતેહ અલી ખાનની ગાયકીમાં એ ભાન ભૂલી જતો હશે. એ ગાયકીમાં સંપૂર્ણપણે તન્મય. પોતાનો સંઘર્ષ, પરિવારની કંગાળ સ્થિતિ, માતાનો પુરુષાર્થ વગેરે ભૂલવા એ નુસરતની ગાયકીમાં ખોવાઇ જતો હશે. એ તપસ્યા અને એ રિયાઝ એને ગ્રાન્ડ ફિનાલેમાં ફળ્યા. એ એકલવ્ય જેવો સિદ્ધ થયો. પોતાની નમ્રતાથી એ કરોડો લોકોનાં દિલ જીતી શક્યો. તમે નોંધ્યું હોય તો જ્યારે એની પ્રશંસા થાય ત્યારે એ ધરતી પર માથું  ટેકવીને આભાર વ્યક્ત કરતાં કરતાં નમસ્કાર કરતો. એની એ નમ્રતા સદૈવ ટકી રહે એવી પરમાત્માને પ્રાર્થના !

Comments