ભૈરવીની ત્રણ મનમોહક છટા એટલે બસંત બહારનાં એ બાકીનાં ગીતોે....!






ભારતીય સંગીતમાં ભૈરવી એકમાત્ર રાગિણી એેવી છે જેમાં સપ્તકના બારેબાર સ્વરોનો કલાત્મક ઉપયોગ કરી શકાય. સાત શુદ્ધ સ્વરો ઉપરાંત રે, ગ, ધ, અને ની, એ ચાર કોમળ સ્વરો અને મ તીવ્ર. કુશળ સંગીતકાર કે ગવૈયો હસતાં રમતાં બારે સ્વરોની ફિરત કરી બતાવે. એક રમૂજી વાત કરીએ ? આયુર્વેદમાં દૂધ અને ડુંગળી કે દૂધ અને લસણ વિપરીત આહાર ગણાય છે. આ બંને સાથે લેવાથી ચામડીના રોગો થઇ શકે એમ કહેવાય છે. ભારતીય સંગીતમાં એનાથી ઊલટું છે. ખાસ કરીને ઉપશાસ્ત્રીય રચનામાં, જે તે રાગના વર્જ્ય સ્વરો પણ ગીતનું સૌંદર્ય વધારી શકે, ગીતમાં એવી છટા ઉમેરી દે કે સાંભળનાર આહ્ કરી ઊઠે. ફિલ્મ બસંત બહારનાં બાકી રહેલાં ત્રણ ગીતોમાં એ ખૂબી અનુભવાય છે. હેટ્સ ઑફ ટુ શંકર જયકિસન એમ બોલી ઊઠાય.
અભિનેત્રી નીમ્મી તાનપુરા પર બેસીને ગાતી હોય અને અભિનેત્રી કુમકુમ ડાન્સ કરવાની સાથોસાથ ગાતી હોય એવી રચના એટલે 'કર ગયા રે મુઝ પે જાદુ, સાંવરિયા કર ગયા રે મુઝ પે જાદુ..' આ ગીતમાં લતા અને આશા બંને બહેનોનું ડયુએટ છે. બંને સગ્ગી માજણી બહેનો છે છતાં બંનેની ગાયનશૈલી અલગ બની રહી એ બંનેના રિયાઝ ઉપરાંત કુદરતની કમાલ ગણવી રહી. આ ગીતની તર્જ ભૈરવીની એક છટા છે. બીજી છટા બીજાં ગીતમાં છે. બંને ગીતોમાં એક સંવેદન કોમન છે એમ કહીએ તો ચાલે. એ છે 'યે ક્યા કિયા રે...' આ તમે મારી સાથે શું કર્યું ?  
ભૈરવીની બીજી છટા બીજા ગીતમાં છે. અહીં આગવી ખૂબીપૂર્વક ગીતકારે અદ્વૈતની ભાવના પ્રણયનો આધાર લઇને રજૂ કરી છે. શબ્દોમાં બે દિલોના ઐક્યની વાત સહજ રીતે પ્રસ્તુત કરી છે. 'નૈન મિલે ચૈન કહાં, દિલ હૈ વહીં તૂ હૈ જહાં, યે ક્યા કિયા સૈયાં સાંવરે...' ખરી મજા આ બંને ગીતમાં જુદી જ છે. બંને ગીત છ માત્રાના ખેમટા તાલમાં છે અને બંને ગીતોમાં ભૈરવીનો આધાર છે. પરંતુ બંનેમાં સમાનતા કે સરખાપણું સહેલાઇથી હાથ નહીં લાગે. એ જ સંગીતકારોની ખૂબી છે. એક રાગ, એક તાલ- બે ગીત અને બંને ગીતો ટ્વીન્સ જેવા હોવા છતાં બંનેની અલગ આઇડેન્ટિટી. 

આટલાથી ધરાયા ન હોય એમ ઔર એક ગીતમાં ભૈરવીનો આધાર લીધો છે. જો કે અહીં તાલ બદલાય છે અને તાલનું વજન પણ સામાન્ય કહેરવા કરતાં અલગ પડે છે. તમે ભારતીય સંગીતનો થોડોક પણ અભ્યાસ કર્યો હોય તો તમે પકડી પાડશો કે આ ગીતની તર્જમાં શંકર જયકિસને અગાઉ સર્જેલા એક સુપરહિટ ભૈરવી ગીતની ઝલક છે. માત્ર ઝલક. નકલ નહીં કે પુનરાવર્તન પણ નહીં, માત્ર ઝલક. અહીં લચકદાર કહેરવો સંભળાય છે. આ ગીતની સૌથી વધુ આકર્ષક બાબત ગીતની સાથે સંભળાતી બાંસુરી છે. આજે તો હરિપ્રસાદ ચૌરસિયા, રોનુ મઝુમદાર, વગેરેની બોલબાલા છે. પરંતુ ૧૯૫૦ના દાયકામાં બાંસુરી અને વાદક એકબીજાના પર્યાય બની ગયેલા અને એ હતા પંડિત પન્નાલાલ ઘોષ.
આમ તો શંકર જયકિસન સાથે સુમંત રાજ, મનોહારી સિંઘ અને અન્ય બાંસુરીવાદકોે હતા. પરંતુ બસંત બહાર માટે એક તરફ જેમ પંડિત ભીમસેન જોશીને મનાવ્યા હતા એમ બીજી તરફ પંડિત પન્નાલાલ ઘોષને મનાવ્યા હતા. ૧૯૫૦ના દાયકાના પૂર્વાર્ધ સુધી તો પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન અને ઉસ્તાદ અલ્લા રખ્ખા ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા હતા એ આપણે સૈા જાણીએ છીએ. પંડિત ભીમસેનજી માટે ઉસ્તાદ અમીર ખાનની મદદ મળેલી તેમ પન્નાબાબુને મનાવવા ઉસ્તાદ અલી અકબર ખાને મદદ કરી હતી. પન્ના બાબુ અલી અકબરના પિતા લિવિંગ લેજન્ડ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના શિષ્ય હતા. જયકિસને ઉસ્તાદ અલી અકબર ખાનની સહાયથી પન્ના બાબુને મનાવી લીધા.      
'મૈં પિયા તેરી, તૂ માને યા ના માને, દુનિયા જાને તૂ જાને યા ના જાને, કાહે કો બજાય તૂ મીઠી મીઠી તાનેં...' આ ગીતમાં હીરો ભારત ભૂષણ બંસી બજાવે છે અને નીમ્મી ડાન્સ કરે છે એવું દર્શાવાયું હતું. ગીતમાં એક પ્રકારનું આર્જવ અને વીનવણી હોય એવો ભાવ સંગીતકારો સર્જી શક્યા છે એ તેમની સર્જનકલાની ખૂબી છે. શંકરજીના નેતૃત્વ તળે દત્તારામ અને લાલાએ જે કહેરવો સર્જ્યો છે એ સાંભળીને કોઇ પણ ઝૂમી ઊઠે. આ સાથે આજે બસંત બહાર વિદાય લે છે... અલવિદા....બસંત બહાર !

Comments