સમગ્ર દેશના સંવેદનશીલ
લોકોને ધૂ્રજાવી દેનારા નિર્ભયા કેસમાં એક અપરાધી સગીર વયનો હોવાની દલીલો ખાસ્સી લાંબી
ચાલી. અપરાધ થયાને પાંચ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો. અપરાધીઓને હજુ સજા થઇ નથી.
દરમિયાન, બારથી સત્તર વર્ષના કિશોરોે દ્વારા રેપ, ચોરી, હત્યા અને લૂંટ જેવા કિસ્સાઓમાં
દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે એવા અહેવાલ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના લેટેસ્ટ
અહેવાલ મુજબ ૨૦૧૪ની તુલનાએ છેલ્લાં દોઢ બે વર્ષમાં સગીર વયનાં બાળકો દ્વારા થતા અપરાધોમાં
પાંત્રીસ ટકાનો વધારો થયો છે. તાજેતરમાં એક સ્વામીનારાયણ સંતે ચેતવણી ઉચ્ચારી કે તમારાં
બાળકો મોબાઇલ ફોનનો કેવો ઉપયોગ કરે છે એેના પર નજર રાખતા જાઓ, નહીંતર એક આખી પેઢી ખોટે
રસ્તે ચડી જઇનેે ખુવાર થઇ જશે.
વાત વિચારવા જેવી છે.
સ્કૂલમાં પાંચમાથી આઠમા ધોરણ સુધીના વર્ગોમાં હોય એવા કિશોરો ફિલ્મો કે ટીવી સિરિયલો
જોઇને જાણ્યે અજાણ્યે વિલન તરફ આકર્ષાતા જાય છે એ હકીકત સ્વીકાર્યે છૂટકો. ફિલ્મની
કથાના અંતે ભલે વિલન માર્યો જતો હોય કે પોલીસના કબજામાં જતો દેખાડાતો હોય. સમગ્ર કથા
દરમિયાન હીરોની તુલનાએ વિલન બેફામ અપરાધો કરતો જોવા મળતો હોય છે. ધનિક બાપના મોઢે ચડાવેલા
યુવાન પુત્રો કે ભાઇ-ભત્રીજા બળાત્કાર, હત્યા વગેરે ગુના કરીને ધુરંધર વકીલોની મદદથી
કાયદાની ઐસી તૈસી કરીને ફરતા દેખાડાય છે. કૂમળા છોડ જેવાં કિશોર વયનાં બાળકો તરત વિલન
તરફ આકર્ષાય છે અને 'એવા બનવા'ના પ્રયાસો શરુ કરી દે છે. એમને એવું લાગે છે કે અપરાધો
કરવામાં જ જલસા છે.
એક એનજીએાએ કરેલા સર્વે
મુજબ ૭૦ ટકાથી વધુ કિશોરો મોબાઇલ ફોન પર પોર્ન સાહિત્ય અને વિડિયો માણે છે. સાવ કૂમળી
વયમાં પોર્ન જોઇને આ કિશોરો એમને પોતાને સારાસાર
સમજાય એ પહેલાં સેક્સ માણવા તરફ લલચાઇ જાય છે અને પહેલી નજર સાથે ભણતી બાળાઓ કે પોતાની
કઝિન્સ તરફ જાય છે. તક મળ્યે આ કિશોરોમાં પશુ જાગ્રત થઇ જાય છે અને એ નિર્ભયા કાંડની
જેમ એ રેપ કરવા તરફ વળી જાય છે. કુટુંબના સંસ્કારો, શિક્ષણ કે ધર્મસ્થળોમાં મળેલી શીખ
એવા સમયે યાદ આવતી નથી. એકાદ પ્રયાસમાં ફાવી જાય તો પછી એને ખોટાંં કામ કરવાની ટેવ
પડી જાય છે.
સૌથી મુખ્ય અને પાયાનો
સવાલ એ છે કે પાંચમાથી આઠમા ધોરણમાં ભણતા કિશોરોને મોબાઇલ ફોન કે સ્કૂટરની જરુર શી
છે ? અવારનવાર પોલીસ અને અદાલતો ધ્યાન ખેંચે છે કે બાળકોને ટુ વ્હીલર કે એન્ડ્રોઇડ
જેવા ફોન ન આપો તો સારું. પરંતુ પોતાને શિક્ષિત અને આધુનિક સમજતા કેટલાક માબાપો એવી
દલીલ કરે છે કે અમારા બાળકના ભાવિની અમને ચિંતા નથી એવું તમે કેમ માનો છો ? અમારાં
બાળકની ચિંતા તમારા કરતાં અમને વધુ છે. આવા મિથ્યા અહંકારમાં બાળક માગે તે ચીજો આપી
દે છે. પરંતુ એ પછી બાળક આ લેટેસ્ટ મોડેલના ફોનનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે એ જોવાની
ફુરસદ તેમને હોતી નથી. અગાઉ કહ્યું એમ કૂમળા છોડ જેવા કિશોરો બેમર્યાદ પોર્ન માણતા
થઇ જાય છે. અપરાધખોરી વધતી રહે છે. સારા ઘરના છોકરાઓ પણ રમત રમતમાં ગુનાખોરી તરફ વળી
જાય છે. માતાપિતા જાગે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે.
હજુ સમય છે. અલ્ટ્રામોડર્ન
ટેક્નોલોજી કેળવણી માટે વપરાય ત્યાં સુધી વાંધો નથી. પરંતુ આ ટેક્નોલોજી બાળકને ખોટે
રસ્તે જવા લલચાવી દે ત્યારે અનર્થ સર્જાય છે. નક્કી આપણે કરવાનું છે કે આપણા બાળકનો
પોઝિટિવ વિકાસ આપણને ખપે છેે કે નેેગેટિવ વિકાસ આપણે ઇચ્છીએ છીએ ? નેશનલ ક્રાઇમ રેકર્ડ
બ્યૂરોએ તો આંકડા જાહેર કરીને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ લઇ લીધો. સગીર વયનાં બાળકો
દ્વારા થતા અપરાધોમાં ૩પ ટકા જેટલો વધારો નાનકડો આંકડો નથી. સ્વામીનારાયણ સંતે પણ ચેતવણી
ઉચ્ચારી લીધી. હવે દડો આપણી એટલે કે માતાપિતાની કોર્ટમાં છે. નિર્ણય આપણે કરવાનો છે.
મોબાઇલ ફોન નહોતા ત્યારે પણ આપણે સૌ ભણતા હતા, રોજબરોજ બનતી ઘટનાઓના સમાચાર વિવિધ રીતે
મેળવતા હતા. આપણે મોબાઇલ ફોન નહોતા ત્યારે જરાય દુઃખી તો નહોતા. આ વાત વિચારીને આપણાં
સંતાનના ભાવિ માટે થોડાં કડક પગલાં લઇએ તો કશું ખોટું નથી.
Comments
Post a Comment