કોરોના વાઇરસઃ માનવ સર્જિત ભૂલ કે કુદરતનો કોપ ?




 ભારતીય પુરાણોમાં એક રાક્ષસની વાત આવે છે. ઘણું કરીને રક્તબીજ નામ હતું. (ભૂલચૂક લેવી દેવી.) આ રાક્ષસ પર કોઇ દેવદેવી શસ્ત્ર વડે પ્રહાર કરે તો એના શરીરિમાંથી લોહીનાં જેટલાં ટીપાં ધરતી પર પડે એટલા નવા અસુરો પેદા થાય. પુરાણ કથા છે. રુપક રુપે કહેવાઇ છે. કહેવાનું તાત્પર્ય એવું પણ થાય કે આસુરી સંપત્તિનો વ્યાપ દિવસે ન વધે એટલો રાત્રે વધે છે. ચીનમાં હાલ જે વાઇરસે હાહાકાર ફેલાવ્યો છે અને ખુદ ચીની માધ્યમોના કહેવા મુજબ હજારો મરણ થયાં છે એ કોરોના રક્તબીજનો કોઇ સગો હોવો જોઇએ. પહેલવહેલીવાર દુનિયાને એની જાણ કરનારા વિદ્વાન ડૉક્ટર લી વેન્લિયાંગ પોતે પણ મરણ પામ્યા છે. એમને ચૂપ કરવા ચીની પોલીસે પ્રયાસો કર્યા હતા. પરંતુ એ ચૂપ રહ્યા નહીં. જાતનું બલિદાન આપી દીધું.

 કોરોના વાઇરસે કેટલીક એવી વાતો પ્રગટ કરી જે આમ આદમીને સામાન્ય સંજોગોમાં જાણવા મળે નહીં.  એક અહેવાલ એવો હતો કે ચીન વુહાન પ્રાંતમાં બાયોલોજિકલ (જીવજંતુ આધારિત ) શસ્ત્રો બનાવી રહ્યું હતું એવી કોઇ પ્રયોગશાળામાં ભૂલ થતાં આ વાઇરસ પેદા થઇ ગયા. અમેરિકાના પ્રસિદ્ધ દૈનિક વૉશિંગ્ટન પોસ્ટે બાયોલોજી ક્ષેત્રના જગપ્રસિદ્ધ વિદ્વાન ઇઝરાયેલના એક ગુપ્તચર અધિકારીને ટાંકીને એવો દાવો કર્યો હતો કે ચીનની બાયોલોજિકલ લેબોરેટરીમાં આ રાક્ષસ પેદા થયો હતો. 

 બીજી બાજુ આરબ દેશોના મિડિયાએ એવો પ્રચાર કર્યો કે આ વાઇરસ અમેરિકા અને ઇઝરાયેલે પેદા કરીને ચીનમાં મોકલ્યા હતા. પાકિસ્તાનના ધ નેશન અખબારના કટાર લેખકે વળી ત્રીજો દાવો કર્યો. છેક એડોલ્ફ હિટલરના જમાનાથી બાયોલોજિકલ શસ્ત્રોની વાત ચર્ચાતી આવી છે. આમ તો સમગ્ર વિશ્વમાં આવાં શસ્ત્રો પેદા કરવા પર સર્વાનુમતે પ્રતિબંધ લદાયો છે. છતાં રસપ્રદ મુદ્દો એ છે કે આજે પણ ઓછામાં ઓછા સોળથી અઢાર દેશો બાયોલોજિકલ શસ્ત્રો બનાવે છે. એવા દેશોમાં અમેરિકા, રશિયા, ઇંગ્લેંડ, જર્મની, કેનેડા, ક્યૂબા, ફ્રાન્સ, ઇરાન, ઇરાક, જપાન, ઇઝરાયેલ, લીબિયા, નોર્થ કોરિયા, દક્ષિણ આફ્રિકા, ચીન અને સીરિયાનો સમાવેશ થાય છે. ટૂંકમાં પૈસે ટકે પહોંચતા બધા દેશો આવાં શસ્ત્રો બનાવે છે. એટલે વૈશ્વિક પ્રતિબંધનો કશો અર્થ રહેતો નથી.

 ડૉક્ટર લી વેન્લિયાં જેમણે સૌ પ્રથમ દુનિયાને આ વાઇરસની જાણ કરી. એ પોતે પણ ખપી ગયા
-----------------------------------------------------------------------------------------------------.  

 છેલ્લાં વીસ પચીસ વર્ષની વાત કરો તો અગાઉ આપણે જાણતા નહોતા એવા રોગોએ દેખા દીધી હતી જેમાં ચીકનગુણિયા, ડેંગ્યુ ફિવર, સ્વાઇન ફિવર...વગેરે વગેરે. અહીં એક રસપ્રદ વાત જાણવા જેવી છે. ૨૦૧૧માં હોલિવૂડમાં એક ફિલ્મ આવેલી 'કોન્ટેજિયન.' સ્ટીવન સોડરબર્ગ નિર્દેશિત આ ફિલ્મમાં જે કાલ્પનિક કથા નિરુપાઇ હતી એનું જ જાણે રિ-રન અત્યારે ચીનમાં થઇ રહ્યું છે. ડિટ્ટો એજ કથા વાસ્તવમાં ભજવાઇ રહી હોય એવું લાગે છે.

 ખરી વાત એ છે કે માણસ એકબીજાને મારવા માટે જે અળવીતરા પ્રયોગો કરે છે એ કેટલીકવાર એને પોતાને નડે છે. આપણા પુરાણની એવીજ ઔર એક રસપ્રદ કથા મહાક્રોધી ઋષિ દુર્વાસાની છે. એક વિષ્ણુભક્ત પર નારાજ થયેલા દુર્વાસાએ પેલા પર કૃત્યા (જીવલેણ શક્તિ) છોડી. એ પ્રભુકૃપાથી પછી દુર્વાસાની પાછળ જ પડી. ચીન એવો સરમુખત્યાર દેશ છે કે કોરોના વાઇરસ ક્યાંથી કેવી રીતે આવ્યા એની પાછળનું સત્ય કદી બહાર નહીં આવેે. પરંતુ બાયોલોજિકલ શસ્ત્ર બનાવતાં થયેલી ભૂલના કારણે આવું થયું હોય તો ચીનને હાથના કર્યા હૈયે વાગ્યા છે. બાકી વુહાન શહેર ચીનના મોટા ભાગનાં મહત્ત્વનાં શહેરોને જોડતી એક કડી છે અને ત્યાંજ આ મહામારી ફેલાઇ છે એટલે સમગ્ર ચીનમાં અને એના આપણા જેવા પાડોશીઓ પણ ભયભીત થઇ ગયા છે એને માણસની ભૂલ કહેવી કે કુદરતનો કોપ કહેવો ? આસ્તિકો કહે છે કે આ તો વસતિ વધારો રોકવાની કુદરતની ટ્રીક છે. અસ્તુ.


Comments