કેટલીક વાર
સંગીતકારને એક કરતાં વધુ રાગ -રાગિણી એવાં ગમી જતાં હોય છે કે એકવાર યાદગાર ગીત
રચાઇ જાય ત્યારપછી જ્યારે જ્યારે તક મળે ત્યારે એ રાગને ફરી અજમાવવાની તક ઝડપી લે.
આજે ફિલ્મ બસંત બહારનાં જે બે ગીતોની વાત છેડવી છે એમાંનું એક ગીત એવું છે.
વિરહિણી નાયિકાના મનોભાવો વ્યક્ત કરતો એક વિચાર લગભગ દરેક ભાષાના મોટા ભાગના ગીતકારો
અજમાવી ચૂક્યા છે. એ ભાવમાં તમે ઇર્ષા કલ્પી શકો, વિરહની વેદના અનુભવી
શકો કે પછી નાયિકાના દિલનું દર્દ માણી શકો. ગુજરાતી ભાષામાં ખૂબ જાણીતું લોકગીત
છે- હો રંગરસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો, આંખલડી રાતી ને ઉજાગરો ક્યાં જઇ કીધો ?
આ વિચાર ફિલ્મોમાં એક
કરતાં વધુ વખત અજમાવાયો છે. માત્ર એક દાખલો આપું તો પ્રીતમ દરસ દિખાઓ, તુમ
બિન રો રો રૈન બીતાયી ભોર ભયી ઘર આઓ... (ફિલ્મ ચાચા ઝિંદાબાદ, સંગીત મદન મોહન, રાગ લલિત). આ ગીતના બીજા અંતરામાં
રાજેન્દ્ર કૃષ્ણે કમાલ કરી છે. બુઝ ગયા ઇક ઇક કર કે અબ તો રૈન કા હર ઊજિયારા... દ્વારા
વિરહિણીએ વીતાવેલી દરેક ક્ષણને ઊજાગર કરી. બસંત બહારમાં એવોજ એક વિચાર શૈલેન્દ્રે
અદ્ભુત રીતે પ્રસ્તુત કર્યો છે. રસપ્રદ વાત એ છે કે મદન મોહનના લલિત આધારિત ગીતની
સામે અહીં શંકર જયકિસને રાગ ઝિંઝોટી અજમાવ્યો છે. મદન મોહને લલિત અજમાવ્યો કારણ કે
નાયિકા કહે છે કે સવાર પડી ગઇ, હવે તો ઘેર પાછા ફરો...
અહીં શૈલેન્દ્રની
કલ્પના જુઓ- જા જા રે જા,
બાલમવા, સૌતન કે સંગ રાત બિતાયી, કાહે કરત અબ જૂઠી બતિયાં... બે ગીતકારનો કલ્પનાવિહાર જુઓ. એક કહે છે,
ભોર ભયી ઘર આઓ... બીજો કહે છે જા જા રે જા... આપણે બોલચાલની ભાષામાં
કહીએ છીએ ને, જાજા હવે ટાઢા પહોરનાં ગપ્પાં ન માર. એવી
બોલચાલની ભાષા અહીં સાવ સરળ રીતે શૈલેેન્દ્રે અજમાવીને એક અદ્ભુત શબ્દચિત્ર ખડું
કર્યું છે. ઔર એક રસપ્રદ વાત નોંધવા જેવી છે. શાસ્ત્રીય સંગીતમાં આ રાગ ઝિંઝોટી
ચંચળ ગણાય છે. ઠાવકો કે ગંભીર ગણાતો નથી.
શંકર જયકિસન અગાઉ આ
રાગ અજમાવી ચૂક્યા હતા. છોટી બહન ફિલ્મ (૧૯૫૬) નું ગીત જાઉં કહાં બતા અય દિલ ગીત
યાદ કરો. એ ગીતમાં કહેરવા તાલ હતો અને અહીં જા જા રે જા બાલમવા...માં પણ કહેરવા તાલ વાપર્યો છે પરંતુ એનું વજન
ઉપશાસ્ત્રીય ગીત જેવું બદલાઇ ગયેલું છે. જાઉં કહાં બતા અય દિલમાં સાદો સીધો કહેરવો
હતો. જા જા રે જા બાલમવા.. ગીતમાં લતાજીના ગળાની જે હરકતો છે એ બેમિસાલ છે. 'જા'
શબ્દને જે રીતે લતાજીએ લાડ લડાવ્યા છે એ તમે સાંભળો ત્યારેજ
અનુભવાય.
અહીં એક રસપ્રદ
આડવાત. પંડિત ભીમસેન જોશીએ આ ફિલ્મનું એક ગીત ગાયું હતું એટલે એમને ફરી યાદ કર્યા
છે. પંડિતજીએ પોતાની જીવનકથામાં કહ્યું છે, 'સ્કૂલમાં જતી વખતે રસ્તામાં
આવતી એક રેકર્ડની દુકાન પાસે હું મેસ્મેરાઇઝ્ડ થઇને ઊભો રહી જતો. કિરાના ધરાનાના
સ્થાપક મનાતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાને રાગ ઝિંઝોટીમાં ગાયેલી એક ઠુમરી 'પિયા બિન નાહિં આવત ચૈન...' એ મારા મન પર એવી ભૂરકી
છાંટી હતી કે એક દિવસ હું સંગીત શીખવે એવા ગુરુની તલાશમાં સાત આઠ વર્ષની વયે
ગૃહત્યાગ કરી બેઠો.
રાગ ઝિંઝોટી અન્ય
ફિલ્મ સંગીતકારોએ પણ પોતપોતાની રીતે અજમાવ્યો છે. આ લેખકને ફિલ્મ ગાઇડનું એસ ડી
બર્મન રચિત ગીત મોં સે છલ કિયે જા... અને
ફિલ્મ ચોર મચાયે શોર માટે રવીન્દ્ર જૈને સ્વરબદ્ધ કરેલું અને કિશોર કુમારના કંઠે
રજૂ થયેલુંગીત ઘુંઘરું કી તરહ બજતા હી રહા હું મૈં... બંને ગીતો ઘણાં ગમે છે. આજે
બે ગીતોની વાત કરવી હતી પરંતુ એક ગીતની વાતમાં જગ્યા પૂરાઇ ગઇ. બીજા ગીતની વાત
આવતા શુક્રવારે. ફિર મિલેંગેં યારોં...
---------------
VERY NICE INFORMATION
ReplyDelete