વેદકાળમાં ત્રણ અને ચાર સ્વરોના રાગ હતા, જે આજે વિસરાઈ ગયા છે: પંડિત રાજન-સાજન મિશ્રા


હાલ અમદાવાદમાં ચાલી રહેલો સપ્તક સંગીત સમારોહ સિતારસમ્રાટ પંડિત રવિશંકરને સમર્પિત છે. પંડિત રવિશંકરને સ્વરાંજલિ આપવા દેશના જગપ્રસિદ્ધ કલાકારો અમદાવાદમાં પધાર્યા છે. બનારસ ઘરાનાના દિગ્ગજ બંધુઓ પંડિત રાજન મિશ્રા અને પંડિત સાજન મિશ્રા પણ પંડિત રવિશંકરને સ્વરાંજલિ આપવા હાજર થયા છે. પોતાની વિશિષ્ટ ગાયકીથી વિશ્વવિખ્યાત આ બંને ભાઇઓએ એક મુલાકાતમાં મોકળા મને કેટલીક રસપ્રદ વાતો કરી જે અત્રે પ્રસ્તુત છે.

આજની પેઢી ભારતીય સંગીતથી વિમુખ થતી જાય છે એવી ફરિયાદ લગભગ દર બીજા વર્ષે થતી રહી છે. આપનું શું માનવું છે ?

ઉત્તર -  આજનાં બાળકો ભારતીય સંગીતથી એકસો ટકા વિમુખ થઇ ગયા છે એવું નથી. હકીકત એ છે કે સમાજમાં જે કંઇ બને છે એની અસર સંગીત જેવી લલિત કલાઓ પર પણ પડે છે. આજે 'ઇન્સ્ટન્ટ યુગ' ચાલી રહ્યો છે. બજારમાં જાઓ, ઇન્સ્ટન્ટ ફૂડનું પેકેટ લાવો, ઘરે આવીને ગરમ કરો અને ખાઇ લો. માત્ર ભારત નહીં, સમગ્ર દુનિયામાં ભૌતિકવાદ તરફની આંધળી દોટ બેફામ થઇ ગઇ છે. એટલે આજના ટીનેજર્સને સંગીત તો શીખવું છે પણ એને માટેની ધીરજ નથી, રાતોરાત ટોચના કલાકાર બની જવું છે. ભારતીય સંગીત ગુરુમુખ વિદ્યા છે. ગુરુકૂળની પરંપરા મુજબ ગુરુની સામે બેસીને ધીરજભેર શીખવાનું છે. સમાજમાં જે પરિવર્તન આવતું હોય છે એ પરિવર્તન સમાજ સાથે સંકળાયેલી દરેક પ્રવૃત્તિને અસર કરે છે. આજે તો ઋતુ પરિવર્તન પણ થઇ ગયું છે. 

છેક વેદકાળથી ચાલી આવતા ભારતીય સંગીતને શીખવા માટે સાધના કરવાની તૈયારી રાખવી પડે. અખૂટ ધીરજ અને મહેનત કરવાની તૈયારી જોઇએ. એ આજના ટીનેજર્સમાં નથી કારણ કે આ યુગ દોડાદોડનો છે. દોડો દોડો દોડો... ક્યાં પહોંચવું છે, શું મેળવવું છે એની કોઇને જાણ નથી. પોતાની પાસે જે કંઇ છે એનાથી કોઇ વ્યક્તિને આજે સંતોષ નથી. સતત અસંતોષને કારણે માણસ વિચાર્યા વગર સતત દોડયા કરે છે. આવી અવિચારી દોડાદોડથી કશું મળતું નથી એટલે એ બેચેન રહે છે. એનામાં માનસિક શાંતિ નથી. સંગીત શાંતિથી શીખવાનું અને સંનિષ્ઠ રીતે સાધના કરીને આત્મસાત કરવાની કલા છે. એ રાતોરાત તમને ટોચના કલાકાર બનાવે નહીં. પરિવર્તનની અસર પ્રકૃતિ પર પડી એમ સંગીત પર પણ પડી. આજે અગાઉની જેમ ખ્યાલ ગવાતા નથી. આજે કેટલાંક સ્થળોએ તો અડધા કે પોણા કલાકમાં ગાયન પૂરું કરવાની વિનંતી કરાય છે. ઇન્સ્ટન્ટનો જમાનો છે. પોણાથી સવા દોઢ કલાકનો ખ્યાલ સાંભળવાની ધીરજ રહેતી નથી.  દોડાદોડ કરવાની છે. એ સામાજિક પરિવર્તનથી સાંપ્રત સંગીત કેવી રીતે બાકાત રહી શકે ?


આજના વિદ્યાર્થીઓ કહે છે કે અમને સંગીત શિક્ષકો અભ્યાસક્રમ મુજબના રાગની બંદિશો શીખવે છે પરંતુ રિયાઝ કરવાની સમજ આપતા નથી. એ વિશે આપ શું કહો છો ?

ઉત્તર -  બીજા ગુરુજનોની વાત હું નહીં કરું પરંતુ અમને અમારા ગુરુએ જે રીતે શીખવ્યું છે એની વાત હું તમને કહી શકું. અમારા પિતા પંડિત હનુમાન પ્રસાદ મિશ્રા અમારા પિતા ઉપરાંત ગુરુ હતા. અમારા દાદા પણ બનારસ ઘરાનાના ધુરંધર હતા. એ પણ અમને માર્ગદર્શન આપતા. પહેલા તો સંગીતનાં પુસ્તકોમાં જેને અલંકારો કે પલટા કહ્યા છે એનો રિયાઝ સવારે બ્રાહ્મમુહૂર્તમાં કરાવતા. મુખશુદ્ધિ અને ચા-નાસ્તા પછી તાલીમનું બીજું સત્ર શરુ થતું. એમાં જે તે રાગને સમજી-વિચારીને એનો રિયાઝ કરવાનો. રાગનું સ્વરુપ, એના વાદી-સંવાદી, રાગ દ્વારા કયો રસ અને ભાવ નિષ્પન્ન થાય છે એ સમજીને રાગની બંદિશ, રાગનો વિસ્તાર, પ્રત્યેક સ્વરની બઢત, આલાપ, બોલબાંટ, સરગમ, તાલ સાથે વિવિધ લયકારી, જે તે રાગની નવી નવી બંદિશ કેવી રીતે બનાવી શકાય, રાગ દ્વારા ચોક્ક્સ ભાવવિશ્વ કેવી રીતે પ્રગટાવી શકાય એ અમારી તાલીમ હતી.

સાથોસાથ અન્ય ગુરુ-શિષ્ય પરંપરાના કલાકારોને સાંભળીને અમારી પોતાની કલ્પનાનો વિસ્તાર કરવાની પણ તાલીમ મળેલી. આજે કેવી રીતે અન્ય ગુરુજનો શીખવે છે એની અમને જાણ નથી. પરંતુ અમને ગુરુજી એમ પણ કહેતા કે પ્રકૃતિને જુઓ, પ્રકૃતિનાં વિવિધ સ્વરુપોને પિછાણો, એમાં રહેલા વૈવિધ્ય જેવું વૈવિધ્ય તમારી ગાયકીમાં પ્રગટે એ રીતે સ્વરસાદના કરો. તમે પોતે રાગને અનુભવશો તો શ્રોતાઓ પણ અનુભવશે. આમ પલટાથી શરુ કરીને નવી બંદિશોના સર્જન સુધીનાં સ્ટેપ્સ અમારી તાલીમના અંશો હતા. 


કર્ણાટક સંગીતના કેટલાક કલાકારો કહે છે કે અમારું સંગીત ઉત્તર ભારતીય સંગીત કરતાં વધુ શુદ્ધ છે. ઉત્તર ભારતીય સંગીતે અમારા કેટલાક રાગો અપનાવ્યા છે. આ અંગે આપનો શો અભિપ્રાય છે ?

ઉત્તર - એ એમની ધારણા છે. વાસ્તવમાં એ લોકોના સ્વરલગાવથી માંડીને થાટ પદ્ધતિ, રાગપ્રકાર અને ગાવાની શૈલી બધું આપણા કરતાં અલગ છે. જેમ બાર ગાઉએ બોલી બદલે એમ દરેક પ્રદેશની કેટલીક પરંપરા હોય છે. ભારતીય સંગીતના બંને ફાંટા ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય (કર્ણાટક સંગીત ) બંને પોતપોતાની રીતે શુદ્ધ છે અને રહેવાના. કોઇ એકબીજાથી ચઢિયાતું કે ઊતરતું નથી.

તમારી ગાયકી પર અન્ય ઘરાના (ગુરુ-શિષ્ય પરંપરા)નો કેટલોક પ્રભાવ છે ?  કોઇ એક ઘરાનાનો વધુ પ્રભાવ એવું ખરું ?
ઉત્તર -  તમામ ઘરાનાનો પ્રભાવ અમારી ગાયકી પર છે. કોઇ પણ પર્ફોર્મિંગ આર્ટિસ્ટ  અન્ય ઘરાનાના પ્રભાવથી મુક્ત હોતો નથી. અમે સંગીતના તમામ ઘરાનાની ખૂબીઓને આત્મસાત કરીને અમારી ગાયકીને સર્વાંગ સુંદર બનાવવાનો પુરુષાર્થ કર્યો છે. કોઇ પણ એક ગુરુ-શિષ્ય પરંપરાને અનુસરવાથી વિવિધ રસરુચિ ધરાવતા ઓડિયન્સને રીઝવી શકાય નહીં. કલાકાર પોતે પણ બંધિયાર (કૂપમંડૂુક) જેવો થઇ જાય. અન્ય ઘરાનાનો પ્રભાવ અને એની સારી વાતો આત્મસાત કરવાથી તમારી કલા દીપી ઊઠે. અમે દરેક ઘરાનાની કેટલીક ખૂબીઓ અપનાવી છે અને અમારી ગાયકીમાં એને પ્રસ્તુત કરતા રહીએ છીએ.


વિવિધ ભારતી પર રોજ સવારે સાડા સાત વાગ્યે આવતા સંગીત સરિતા કાર્યક્રમમાં ઇન્ટરવ્યૂ આપતાં તમે કહ્યું હતું કે ભારતીય સંગીત અત્યંત સમૃદ્ધ છે. એમાં ત્રણ અને ચાર સ્વરોના રાગો પણ છે. એ વિષય પર થોડો પ્રકાશ પાડશો ?
ઉત્તર -  એ વાત વેદકાલીન સમયની છે. વેદકાળમાં એટલે કે હજારો વર્ષ પહેલાં ત્રણ સ્વરના અને ચાર સ્વરના પણ રાગ હતા. માત્ર સા, ગ, પ એ ત્રણ સ્વરથી રાગ બનતો.અહીંથી વાતને ઉપાડી લેતાં પંડિત સાજન મિશ્રાએ કહ્યું, દક્ષિણ ભારતના ધુરંધર ગાયક-વાયોલિનવાદક ડૉક્ટર બાલ મુરલી કૃષ્ણન માત્ર સા, મ, પ લઇને એનો વિસ્તાર કરતા અને ગાતા. પરંતુ છેલ્લાં સો સવાસો વરસમાં પરિસ્થિતિ બદલાઇ ગઇ. પંડિત વ્યંકટમુખીએ સૂચવેલા ૭૨ થાટમાંથી માત્ર દસ થાટ બનાવીને ભારતીય રાગ રાગિણીનું ક્લાસીફિકેશન કરનારા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે અને અન્ય વિદ્વાનોએ એવો નિયમ જાહેર કર્યો કે કોઇ પણ રાગમાં મિનિમમ પાંચ સ્વરો હોવા જોઇએ. એટલે ત્રણ અને ચાર સ્વરોના રાગોની વાત ભૂલાઇ ગઇ. રંજયતિ ઇતિ રાગઃ એ ઉક્તિ મુજબ સાંભળનારને આનંદ આપે એવો રાગ પાંચ સ્વરોનો હોવો જોઇએ એવો સિદ્ધાંત ઘડી કાઢવામાં આવ્યો. આજે ત્રણ અને ચાર સ્વરોના રાગ કોઇના ધ્યાનમાં રહ્યા નથી. 

Comments