CAA કે સિવા ઔર ભી સમસ્યાએં હૈં જમાને મેં... ભાજપના નેતાઓ ધીરજનો ગુણ કેળવે તો સારું



 ફૈઝ અહમદ ફૈઝની બહુ જાણીતી ગઝલના એક શેરની પંક્તિ 'ઔર ભી બહુત ગમ હૈં જમાને મેં મુહબ્બત કે સિવા..' માં થોડી છૂટ લઇને આ પંક્તિ રચી છે- ‘CAA કે સિવા ઔર ભી સમસ્યાએં હૈં જમાને મેં...' દેશભરમાં ઠેર ઠેર હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો છે, કરોડો રુપિયાની જાહેર સંપત્તિને પારાવાર નુકસાન થયું છે, અસંખ્ય નિર્દોષ નાગરિકોનું લોહી રેડાયું છે. શા માટે ? તો ક્હે નવા નાગરિકતા ધારા વિરોધી વાતાવરણ સર્જાયું છે. એનાં કારણમાં ઊંડે ઊતરવા પહેલાં એક વાત નોંધવા જેવી છે. શિરડીના સાંઇબાબાએે માત્ર બે શબ્દો એમના સનાતન ઉપદેશ તરીકે આપેલા- શ્રદ્ધા ઔર સબૂરી... ગુજરાતી ભાષામાં પણ પંક્તિ છે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર...

 લોકસભાની આ વર્ષની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા પછી ભારતીય ભૂમિ પર પ્રલય આવવાનો હોય એટલી બધી ઉતાવળ ભાજપના નેતઓને આવી ગઇ. પહેલી ઑગસ્ટે તીન તલાક ગેરકાયદે જાહેર કરતો કાયદો ઘડાયો, પાંચમી ઑગસ્ટે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરાઇ, નવેંબરની ૨૦મીએ આવ્યું એનઆરસી. એનો અમલ થયો આસામમાં જેમાં લાખ્ખો લોકો નાગરિકોની યાદીમાંથી અદ્રશ્ય થયા. અને તાજેતરમાં આવ્યું CAA... આટલી બધી ઉતાવળ કેમ

લોકસભાની ચૂંટણીમાં આપેલાં વચનો પૂરાં કરવાની તમને ઉતાવળ હોય અને તમે રઘવાયા થઇ ગયા હો તો બીજા મુદ્દા ક્યાં નથી ? ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સો રુપિયે કિલો વેચાય છે, મોંઘવારી આસમાને પહેાંચી છે, હવામાં ઝેરી પ્રદૂષણ છે, પીવાનું પાણી આરોગ્યને પ્રતિકૂળ છે, સમગ્ર અર્થતંત્ર ડામાડોળ છે, બેકારી બેફામ છે, ભ્રષ્ટાચારનો ભસ્માસુર આમ આદમીને સતત દઝાડી રહ્યો છે... એટલે જ શરુઆતમાં કહ્યું કે સીએએ કે સિવા ઔર ભી સમસ્યાએં હૈં જમાને મેં...
 તમે આ બધી સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસો કરો તો તમારી લોકપ્રિયતા આભને આંબી જશે. આ સમસ્યાઓ દૂર કરવામાં તમને રસ ન હોય અને ભળતા ઉદ્દેશો સાકાર કરવામાં તમે રચ્યાપચ્યા રહેતા હો એવી છાપ પડયા વિના રહેતી નથી. માત્ર ચાર માસમાં એવા ચાર મુદ્દાને તમે સ્પર્શ્યા જેનો સીધો કે આડકતરો કોઇ પ્રકારનો લાભ આમ આદમીને મળવાનો નથી. તો પછી આટલી બધી ઉતાવળ શેને માટે ? કોને માટે ?

 ઇસ્લામી અને આરબ દેશોની લઘુમતી પર થતા અત્યાચારોની ટીકા કરતી વખતે શાસક પક્ષના નેતાઓ એ વાત ભૂલી કેમ જાય છે કે તમારાં પગલાં ભારતીય લઘુમતીની પણ નીંદર વેરણ કરી દે છે. ભારતીય લઘુમતી પણ સતત ભયભીત રહે છે. તમારા નિર્ણયો રાષ્ટ્રના હિતમાં છે એવી પ્રતીતિ રાષ્ટ્રના લોકોને તો થવી જોઇએ ને ? એ તો થતું નથી.
ઇશાન ભારતનાં રાજ્યોને જે કારણે સીએએ જેવાં કેટલાંક પગલાં સ્વીકાર્ય લાગતાં નથી એથી તદ્દન ઊલટું પશ્ચિમ બંગાળ કે કેરળ જેવાં રાજ્યોને લાગે છે. ઇશાનમાં બહુમતી હિન્દુ શરણાર્થીઓની વધી રહેલી વસતિની ચિંતા છે તો પશ્ચિમ બંગાળ અને કેરળમાં લઘુમતી પ્રજાની ચિંતા મુખ્ય છે. આમ કેન્દ્રે લીધેલાં પગલાં ૩૬ના આંકડા જેવા પુરવાર થઇ રહ્યા છે. 

વધુ પડતી ઉતાવળ અને સમવાય તંત્રનાં અભિન્ન અંગ જેવાં રાજ્યોની ચિંતા આ બંને મુદ્દા શાસક પક્ષની લોકપ્રિયતાને એવરેસ્ટ પરથી મેદાની તળેટીમાં લાવી દેશે. આ હકીકતનો   ખ્યાલ શાસક પક્ષના અધીરા નેતાઓને કેમ આવતો નહીં હોય ? તમારાં અવિચારી પગલાં દેશની રાષ્ટ્રીય સંપત્તિને ગંજાવર નુકસાન કરી રહ્યા છે કે અમદાવાદ જેવા મેગા સિટિમાં કાયદાના રખેવાળ એવા પોલીસને લઘુમતીના રોષનો શિકાર બનાવી રહ્યા છે. એ તમે જોઇ રહ્યા છો ને

 ચાણક્ય કે છોટે સરદાર બની જવાની ઉતાવળમાં તમે જે પગલાં લઇ રહ્યાં છો એ બૂમરેંગ થઇ રહ્યા છે. આટઆટલું થયા પછી જો તમને જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ ન સમજાય તો આ દેશને ભગવાન પણ નહીં બચાવી શકે. વિવિધ કોમ-ધર્મ-ભાષાના લોકોવચ્ચેનો ભાઇચારો એક વખત ખતમ થઇ જશે તો ફરી પાછો જલદી સ્થપાશે નહીં. અને આવું બને તો ઇતિહાસ તમને કદી માફ નહીં કરે.
----------------

Comments