આવો માણીએ બસંત બહારનાં રાગ આધારિત અન્ય ગીતો- દરેક ગીત સરસ છે !




કન્નડ નવલકથા 'હંસગીતિ' કર્ણાટક સંગીતના ૧૮મી સદીમાં થઇ ગયેલા ધુરંધર સંગીતકાર બી (ભૈરવી) વેંકટસુબૈયાહના જીવન પર આધારિત હોવાનો દાવો કરાયો હતો. એમાં હકીકતો અને કલ્પનાનો સમન્વય થયો હતો. પરદા પર રજૂ થયેલા ભારત ભૂષણને જુઓ તો અનુકંપા જન્મે એ પ્રકારનું એનું પાત્ર હતું.

અગાઉ જણાવ્યું એમ ફિલ્મને મબલખ કમાણી કે લોકપ્રિયતા મળી નહોતી. પરંતુ સંગીત ચોવીસ કેરેટના સોનાની લગડી જેવું સાબિત થયું હતું. આ ફિલ્મના દરેક ગીતની વાત થોડી વિગતે કરવાની લાલચ રોકી શકાતી નથી. આ ફિલ્મનાં નવ ગીતોને કેટલાક ઉત્સાહી ચાહકોએ અકબરના દરબારનાં નવરત્ન સાથે સરખાવ્યાં છે. કેતકી ગુલાબ જુહી.. ગીતની વાત આપણે કરી ચૂક્યા. હવે આગળ વધીએ. 

તુલસીદાસજીના રામ ચરિત માનસમાં શબરીનું પાત્ર છે જે વરસોથી ભગવાન રામની પ્રતીક્ષા કરી રહી છે. શબરીની રામદર્શનની ઝંખનાને વાચા આપે એવું એક ગીત સંગીતકારોએ અહીં મુહમ્મદ રફી પાસે ગવડાવ્યું છે. 'બડી દેર ભયી કબ લોગે ખબર મોરે રામ, ચલતે ચલતે મેરે પગ હારે, આયી જીવન કી શામ...' અહીં એક ખૂબી જોવા જેવી છે. શાસ્ત્રીય સંગીતમાં રાગ પીલુ ઠુમરી-દાદરા જેવા ઉપશાસ્ત્રીય ગાયનપ્રકારો માટે વધુ વપરાય છે.

ધાર્યું હોત તો ભૈરવીમાં પણ આ ભજન સ્વરબદ્ધ કરી શક્યા હોત. પરંતુ શૈલૈન્દ્રે ભજનના શબ્દોમાં જે વલવલાટ સર્જ્યો છે એને તાદ્રશ કરવા સંગીતકારોએ રાગ પીલુ પસંદ કર્યો. શાસ્ત્રોમાં આ રાગનો રસ પ્રફુલ્લિતતા, હર્ષ, આનંદ જણાવ્યો છે. સંગીતકારોની ખૂબી અહીં છે.  આ બંદિશમાં એક ભક્તનો તલસાટ, વિરહ-વેદના કે ઝંખના સાકાર થતાં અનુભવાય છેે. અહીં પ્રફુલ્લિતતા કે આનંદ નથી, આર્જવ છે, વીનવણી છે.. હું વૃદ્ધ થવા આવ્યો, હવે તો આવો... આ ગીત ઠીક ઠીક ઝડપી કહેવાય એવા કહરવા તાલમાં નિબદ્ધ છે.

એની તુલનાએ વિલંબિત લાગે એવા આઠ માત્રાના કહરવા તાલમાં ઔર એક પીલુ ગીત શંકર જયકિસને આપ્યું છે. એ મન્ના ડેના કંઠમાં છે અને એમાં પણ આત્મનિવેદન કે એકરાર જેવું છે. તમને આટલું વાંચીને ગીત અચૂક યાદ આવી ગયું હશે. યસ, 'સૂર ના સજે ક્યા ગાઉં મૈં, સુર કે સિવા જીવન સૂના...' ફિલ્મની કથામાં ગાયકને સિંદૂર જેવું કંઇક પીવડાવીને એના કંઠને નુકસાન થાય એવું કરવામાં આવે છે. એ પછી સૂરને શોધી રહ્યા હોય એવા વિચારને અહીં ફરી એકવાર શૈલૈન્દ્રની કલમે સાકાર કર્યો છે.

બડી દેર ભયી રફીના કંઠમાં સોહે છે તો આ ગીત મન્ના ડેના કંઠમાં ખીલે છે. શબ્દોના ભાવને મન્ના ડેએ જીવંત કર્યો છે. શબ્દોમાં રજૂ થયેલું ભાવવિશ્વ આપણી આંખ સમક્ષ ખડું થઇ જાય એવી તર્જ છે. એમાંય છેલ્લા અંતરામાં શૈલેન્દ્રે કમાલ કરી છે- 'સંગીત મન કો પંખ લગાયે, ગીતોં સે રીમઝીમ રસ બરસાયે, સ્વર કી સાધના પરમેશ્વર કી...' મન્ના ડે મન કો  પંખ લગાયે શબ્દોને કંઠ દ્વારા વ્યક્ત કરે ત્યારે એકાગ્રતાથી સાંભળો તો સ્તબ્ધ થઇ જવાય એવો સૂરલગાવ છે. 

બે ગીતો રાગ પીલુમાં અને બંનેની છટા તથા સંવેદન એકમેકથી અલગ. સંગીતકારોના કલ્પના વિહારને સલામ કરવી પડે. ફરી એક ગીત મુહમ્મદ રફીના કંઠમાં શુદ્ધ રાગ આધારિત રજૂ થયું છે. મિયાં તાનસેને બનાવેલો મનાતો પ્રાતઃકાલીન રાગ મિયાં કી તોડી છે. (યોગાનુયોગે બૈજુ બાવરામાં પણ એક ગીત ઇન્સાન બનો કર લો ભલાઇ કા કોઇ કામ.. તોડીમાં હતું. એ ખેમટા તાલમાં નિબદ્ધ હતું).

અહીં રફીના કંઠે રજૂ થાય છે, 'દુનિયા ન ભાયે મોંહે, અબ તો બુલા લે, ચરણોં મેં ચરણોં મેં... ' શાસ્ત્રોએ આ રાગ દ્વારા પ્રગટતા રસની વાત કરતાં એને કારુણ્યપ્રધાન ગણાવ્યો છે. અહીં ભક્તહૃદયની પીડા કરુણ સ્વરોમાં પ્રગટ થાય એ રીતે બંદિશ તૈયાર કરાઇ છે. અદ્ધા તરીકે ઓળખાતા ૧૬ માત્રાના તાલમાં આ ગીત વધુ હૃદયસ્પર્શી બન્યું છે. કેટલાક વિદ્વાનો આ તાલને પંજાબી તીનતાલ તરીકે પણ ઓળખે છે. 

આપણે સૌ જાણીએ છીએ કે શંકરજી પોતે પણ તબલાના દાદુ સાધક હતા એટલે કયા ગીતમાં કયો તાલ કેવી રીતે વાપરવો એની વાત જયકિસન સાથે આપસમાં નક્કી કરીને જે તે તર્જ સાથે નિબદ્ધ કરતા. દુનિયા ન ભાયે.. ગીતનો અદ્ધા ગીતને નવું પરિમાણ બક્ષે છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. 

Comments

Post a Comment