અમેરિકી લશ્કર અજમાવશે 'સાઇબોર્ગ'


-----------------------------------------------------------------------------------------------------
આ યેાજના સાકાર થાય તો સ્વાભાવિક રીતેજ અમેરિકા એક એવું લશ્કર તૈયાર કરી શકે જે લગભગ અજેય બની રહે
------------------------------------------------------------------------------------------------------
હો લિવૂડની ટેક્નો-એક્શન ફિલ્મોના ચાહક હો તો તમે સાઇબોર્ગ કે ટર્મિનેટર જેવી ફિલ્મો અચૂક જોઇ હશે. ભારતીય પુરાણોના ચાહક હો તો તમે મત્સ્યાવતાર કે નૃસિંહાવતારની વાતો વાંચી હશે. અર્ધ માનવ અને અર્ધયંત્ર કે અર્ધ પશુ જેવી કલ્પના વાર્તાઓમાં રોમાંચકારી લાગતી હોય છે. પરંપરાથી જુદું જે કાંઇ હોય એ માનવ સ્વભાવને તરત આકર્ર્ષે છે. સાયન્સ ફિક્શન તરીકે ઓળખાતી નવલકથાઓમાં અર્ધમાનવ અને અર્ધ-મશીનની વાતો દેક વર્ગના વાચકને આકર્ષે છે. આવાં પાત્રો ખરેખર હોઇ શકે ખરાં એવો સવાલ તમને થતો હોય તો એનો જવાબ આ ટચૂકડા લેખમાં કદાચ મળી જશે.

ભવિષ્યમાં થનારાં યુદ્ધોમાં માનવ ખુવારી રોકવા અને ઓછા ખર્ચે વધુ વિનાશ વહોરવા માનવજાત સતત પ્રયાસો કરે છે. જિહાદીઓ રાસાયણિક શસ્ત્રો અજમાવવાનું આયોજન કરી રહ્યાની વાતો વહેતી થઇ છે ત્યારે અમેરિકાનું સંરક્ષણ ખાતું હવે સાઇબોર્ગ સૈન્ય બનાવવાની યોજના ઘડી રહ્યું છે એવા અહેવાલો વહેતા થયા હતા. વિજ્ઞાાન અને ટેક્નોલોજી નિષ્ણાતોને સાથેે રાખીને અડધું શરીર માણસનું હોય અને અડધું શરીર યંત્રનું બનેલું હોય એવી ફોજ તૈયાર કરવાનું આયોજન થઇ રહ્યું છે.

અમેરિકી લશ્કરનો વૈજ્ઞાાનિક સંશોધન વિભાગ 'આર્મી કોમ્બેટ કેપેબિલિટીઝ ડેવલપમેન્ટ કમાન્ડ કેમિકલ બાયોલોજિકલ સેન્ટર' (હવે પછી સેન્ટર તરીકે ઓળખીશું) હવે સાઇબોર્ગ તરીકે ફિલ્મોમાં ઓળખાવાયેલા સૈનિકને જીવંત કરવા થનગની રહ્યું છે. જો કે આ કામ આ લેખ લખવા-વાંચવા જેટલું સરળ નથી. અમેરિકી આર્મી નિષ્ણાતો માને છે કે આ કામ ૨૦૫૦ (બે હજાર પચાસ)ની સાલ સુધીમાં સાકાર થશે.

 હાલ 'સાઇબોર્ગ સોલ્જર્સ ૨૦૫૦' મથાળું ધરાવતો એક ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. એમાં અર્ધ-માનવ અર્ધ-યંત્ર હોય એવા સૈનિકો તૈયાર કરવાની વાત વિગતે કરવામાં આવી છે. આવા સૈનિકો ઇજા પામે તો ઓટોમેટિક સ્વયં સારવાર દ્વારા ફરી સાજાસારા થઇને લડવા માંડે એવી રોમાંચક કલ્પના કરવામાં આવી છે.
આ અહેવાલમાં આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ટર્મિનેટર ટુઃ જજમેન્ટ ડેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આવી ફિલ્મોની પટકથા લખનારા લેખકો વિજ્ઞાાન અને ટેક્નોલોજીના જાણતલ હોઇ શકે છે એવી પણ અટકળ કરવામાં આવી  છે.

 આ અહેવાલમાં એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે યંત્રની સહાયથી માનવ શક્તિને બેમર્યાદ કરી શકાય. આ મિશનને પાર પાડવા વિશ્વના સર્વોત્તમ કહી શકાય એવાં ભેજાં ભેગાં કરીને એમના દ્વારા ટોપ સિક્રેટ મિશન તરીકે આ યોજના સાકાર કરવાની અમેરિકાની નેમ છે. 

 અત્યારે પેન્ટાગોનના નિષ્ણાતો ચાર મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે- ગમે તેવા વિકટ વાતાવરણ વચ્ચે પણ નજીક તેમજ ગમે ટેટલા દૂરના અંતરે રહેલા પોતાના લક્ષ્યને અચૂક જોઇ શકે એવી આંખ, ગમે તેટલા ભીષણ વિસ્ફોટ વચ્ચે પણ અખંડ રહે એવી શ્રવણશક્તિ, લગભગ અતૂટ કહી શકાય એવું સ્નાયુગઠન અને ટુ વે ડેટા ટ્રાન્સફર કરી શકે એવું દિમાગ. અહીં ટુ વે એટલે લશ્કરી વડા મથક સાથે તેમજ જે માનવ શરીરમાં યંત્ર ફિટ કરવામાં આવ્યું હોય તેને જરુરી માહિતીની આપ-લે કરી શકે તેવું. આ આખીય વાત પરીકથા જેવી લાગે છે પરંતુ અમેરિકાના યુદ્ધનિષ્ણાતો આ મિશનને સાકાર કરવા કટિબદ્ધ છે. તેમણે માગેલા બજેટને મંજૂર કરી દેવામાં આવ્યું છે. અમેરિકી વહીવટી તંત્રમાં ગમે તેટલા ફેરફાર થાય, ગમે તે પક્ષની સરકાર કે પ્રમુખ આવે, આ યોજનામાં અવરોધ ન સર્જાય એ માટે પેન્ટાગોન તનતોડ પ્રયાસ કરી રહ્યું છે. 

આ યેાજના સાકાર થાય તો સ્વાભાવિક રીતેજ અમેરિકા એક એવું લશ્કર તૈયાર કરી શકે જે લગભગ અજેય બની રહે. આ એક ભયંકર કલ્પના છે. યુદ્ધકાળમાં લશ્કરના જવાનો મરણ ન પામે અને ગંભીર ઇજા વચ્ચે પણ ઊગરી જાય એવી આ વાત છે. આપણાં પુરાણોમાં એક એવા અસુરની વાત આવે છે જેના લોહીનાં જેટલાં ટીપાં ધરતી પર પડે એટલા નવા અસુર પેદા થઇ જાય. એવીજ આ એક ભીષણ કલ્પના છે. ૨૦૫૦ સુધીમાં અમેરિકા આવું લશ્કર તૈયાર કરવા થનગની રહ્યું છે. કેટલી કામિયાબી મળે છે એ તો આવતી પેઢી જાતે જોઇ-અનુભવી શકશે.


Comments