નાદાધીનમ્ જગત્ વિધાન સાચું, પરંતુ એનો અતિરેક વિઘાતક સાબિત થઇ શકે !



પાકિસ્તાનના એક માતબર દૈનિકમાં પ્રગટ થયેલા રિપોર્ટનો સાર પ્રસ્તુત કર્યો છે. એક સ્થળે બોમ્બ વિસ્ફોટ થયો. એ ધડાકો એટલો પ્રચંડ હતો કે એ વિસ્તારમાં રહેતા થોડાક (યસ, થોડાક. બધા નહીં) લોકો કાયમ માટે બહેરા થઇ ગયા. તેમના કાનનો પરદો ફાટી ગયો. આ લોકો ધડાકામાં માર્યા નહોતા ગયા પરંતુ ધડાકાની આસપાસના વિસ્તારમાં હતા એ એમનો વાંકગુનો !

 યોગાનુયોગે એક અન્ય ઘટના યાદ આવી ગઇ. ૧૯૯૬ના નવેંબરની ઘણું કરીને પહેલી તારીખે મુંબઇના અંધેરી ઉપનગરમાં સ્પોર્ટસ્ કોમ્પલેક્સમાં જગવિખ્યાત પોપ સિંગર માઇકલ જેક્સનનો પ્રોગ્રામ હતો. એ પ્રસંગે એટલા પાવરફૂલ માઇક્રોફોન ગોઠવાયા હતા કે આસપાસના દેાઢ બે કિલોમીટર વિસ્તારનાં મકાનોની બારી ધૂ્રજી ઊઠી હતી. કેટલીક બારીના કાચ તૂટી ગયા હોવાના અખબારી હેવાલ પણ પ્રગટ થયા હતા.



માઇક્રોફોન શોધાયાં નહોતાં ત્યારે તાનસેન અને બૈજુ બાવરા મહેફિલો શી રીતે ગજાવતા હતા એની વાત ગયા મંગળવારે કરેલી. બુલંદ છતાં મધુર કંઠે ગાતા કલાકારોને પણ યાદ કર્યા હતા. પાશ્ચાત્ય દેશોના બીટલ્સ, જસ્ટિન બીબર, માઇકલ જેક્સન અને અન્ય કલાકારો અનહદ પાવરફૂલ માઇક્રોફોન સિસ્ટમ ગોઠવતા રહ્યા છે. એવા ઘણા કલાકારો જીવન સંધ્યા ટાણે બધિર થઇ ગયાનો ઇતિહાસ જાણીતો છે. અહીં ઔર એક પ્રયોગ યાદ આવે છે. જો તમે રાહુલ દેવ બર્મન (પંચમ)ના ચાહક હો અને એમની બાયોગ્રાફી વાંચી હોેય તો તમે આ ઘટનાથી પરિચિત હશોે. પંચમ સાથે કામ કરી ચૂકેલા સાજિંદા એમને એમ્પરર ઑફ સાઉન્ડ તરીકે બિરદાવે છે. અવાજ કે ધ્વનિની ઊર્જાનું પારખું કરવા એકવાર પંચમે કેટલાક મિત્રો-સાથીદારોની હાજરીમાં પ્રયોગ કર્યો હતો.

આ પ્રયોગમાં ગિટારવાદક અને ગઝલગાયક તરીકે જાણીતા ભૂપીન્દર, રણજિત ગઝમેર ઉર્ર્ફે કાંચા, પ્રસિદ્ધ વિલન ડેની ડેન્ગ્જોેન્પા અને બીજા થોડાક હાજર હતા. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગેરેજમાં આ પ્રયોગ થયો હતો. આ લોકોએ સા રે ગ મ પ ધ ની સાં રેં ગં મં પં એમ ચડતા ક્રમમાં (આરોહમાં) આ....આ... એમ ''કારમાં ગાવા માંડયું. એક ક્ષણ એવી આવી જ્યારે એમના આ સમૂહગાનથી ગેરેજનું એસ્બેસ્ટોસનું છાપરું ઊડી ગયું. આ હતી ધ્વનિની વિઘાતક અસર. માઇકલ જેક્સનના ગાયન વખતે મકાનોની બારીના કાચ ખડખડતા થયા હતા એ પણ એક પ્રકારની વિઘાતક અસર હતી.



ગળું, નાક અને કાનના (E.N.T.) વિદ્વાન ડૉક્ટરો કહે છે કે અવાજની શક્તિને ડેસિબલમાં માપવામાં આવે છે. માણસની સાંભળવાની ક્ષમતા ૮૦ ડેસિબલ સુધીની ગણી શકાય. એનાથી વધુ ડેસિબલનો ધ્વનિ હાર્ટના ધબકારા વધારી દે, બ્લડ પ્રેસર વધારી દે, કાનમાં ધાક પાડી દે અને ક્યારેક માણસનું હાર્ટ ફેલ પણ થઇ જાય. કેટલાક સામ્યવાદી દેશોના ટોર્ચર કેમ્પમાં આ રીતે પણ સરકાર વિરોધી લોકોને સજા કરવામાં આવે છે. એમના બંને કાન સાથે પાવરફૂલ હેડફોન જોડીને એમને ૧૦૦ ડેસિબલ કે તેથી પણ વધુ ડેસિબલનું સંગીત સંભળાવવામાં આવે છે. એક મિનિટ પૂરી થાય એ પહેલાં  તો માણસના હાર્ટ પર વિઘાતક અસર થઇ ગઇ હોય. આ પણ એક પ્રકારની સજા છે. પરપીડન વૃત્તિ (સેડીઝમ)માં માનતા સરમુખત્યારોને આવી સજા કરવામાં વિકૃત આનંદ આવતો હોય છે.
ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા ઘણા સાજિંદા કે ખુદ સંગીતકારોની પણ પાછલી વયે શ્રવણશક્તિ સાવ મંદ થઇ ગયાનો અનુભવ નોંધાયો છે. ફિલ્મોેની વાત કરી એટલે યાદ આવ્યું. થોડું રમૂજી લાગે એવું દ્રશ્ય ગુલઝારે એની ફિલ્મ કોશિશમાં દેખાડેલું. સંજીવકુમાર અને જયા બચ્ચન બંને મૂકબધિર છે. એમને પુત્ર થાય છે. એને માટે લાવેલો ઘૂઘરો ખખડાવવા છતાં પુત્ર કોઇ પ્રતિભાવ નથી આપતો એટલે માતાપિતા બહાવરાં બની જઇને ઇ.એન.ટી. ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર તો નોર્મલ છે. એ ઘૂઘરો ખોલી નાખે છે. એમાં કાંકરા નથી એટલે એ વાગતો જ નથી એવું દેખાડીને સમજાવે છે કેે બાળક શા માટે પ્રતિભાવ નથી આપતું ? સંગીતના અભ્યાસીઓ કહે છે કે નાદાધીનમ્ જગત. ધ્વનિ વિના જીવન નથી. પરંતુ બેમર્યાદ ધ્વનિ જીવલેણ પણ બની શકે એ સમજવા જેવું છે. રાજવી કવિ કલાપીની પંક્તિ છે- જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી...!
------------

Comments

  1. Ajay paundrik na pustak nu naam aapso jemne song na calculations karela.
    Shastriy song ne shikhva mate saru thi sampurn sudhi sikhva male a rit nu pustak ( eg. Song saathe) ne record hoy te aapso.

    ReplyDelete

Post a Comment